તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જિલ્લામાં આજથી નવરાત્રી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી સહિત જિલ્લામા આવતીકાલે માંની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો દબદબાભેર આરંભ થશે. માતાજીના ભકતો દ્વારા નવ દિવસ સુધી તપ, જપ, વ્રત અને પુજન અર્ચન દ્વારા અનુષ્ઠાન કરી આરાધના કરવામા આવશે. તો ખેલૈયાઓ દ્વારા પણ નવ દિવસ સુધી પ્રાચીન, અર્વાચીન રાસગરબાની રમઝટ બોલાવવામા આવશે. નવ દિવસ સુધી ખેલૈયાઓ મનમુકીને રાસની રમઝટ બોલાવશે. જો કે આ વખતે નવરાત્રીમા વરસાદ વિઘ્ન બને તેવી પણ ખેલૈયાઓને ચિંતા સતાવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમા પરંપરાગત પ્રાચીન ગરબીનુ સ્થાપન કરાશે. અનેક સ્થળે ધાર્મિક નાટકો પણ યોજાશે. અમરેલીમા નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામા આવશે. અહી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મા આદ્યશકિત નવલી નવરાત્રીનુ આયોજન કરાયુ છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, અમરેલી જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અહી તારીખ 29 થી 7 સુધી પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડ ખાતે આ મહોત્સવ યોજાશે. અહી પુનમ ગોંડલીયા, નીલ બારોટ તેમજ વિમલ મહેતા એન્ડ ઓરકેસ્ટ્રા ટીમ સાથે ખેલૈયાઓ મનમુકીને રાસગરબે ઝુમી શકશે. આ ઉપરાંત શહેરમા કેરીયારોડ, ચિતલરોડ, લાઠી રોડ વિગેરે વિસ્તારોમા પણ શેરી ગરબીનુ આયોજન કરાયુ છે. નવરાત્રીના નવ દિવસ સુધી ભકતો દ્વારા અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરવામા આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમા પણ શેરી ગરબાનુ આયોજન કરાયુ છે. અનેક સ્થળે રાત્રીના સમયે નવ દિવસ દરમિયાન ધાર્મિક નાટકોનુ પણ આયોજન કરાયુ છે. હાલ તો નવરાત્રીને લઇને ખેલૈયાઓમા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તો નવરાત્રી દરમિયાન શહેરમા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત જાળવવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...