વાવાઝોડાની આગાહીને પગલે તંત્રને એલર્ટ રહેવા કરાઇ તાકીદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાછલા કેટલાક દિવસોથી હવામાનમા આવેલા બદલાવની વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમા માવઠુ અને વાવાઝોડાની દહેશત ઉભી થઇ છે તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. જેને પગલે અમરેલીના નિવાસી અધિક કલેકટરે તંત્રને એલર્ટ રહેવા આદેશ કર્યો છે.

ફરી એક વખત અમરેલી પંથકમા માવઠાની સ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને કચ્છમા વાવાઝોડુ અને માવઠાની આગાહી કરવામા આવી છે. આગામી ત્રણ દિવસ સુધી હવામાનમા બદલાવ રહેશે અને હળવુ વાવાઝોડુ પણ ફુંકાશે. હવામાન ખાતાની આગાહી મુજબ 10મી તારીખથી 12મી તારીખ સુધી આ પ્રકારનુ હવામાન રહેશે. આકાશમા વાદળોની ગડગડાટી અને વિજળી સાથે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 30 થી 40 કિમી પ્રતિ કલાકની ભારે ઝડપે પવન પણ ફૂંકાવાની સંભાવના છે. જેને પગલે અમરેલીના નિવાસી અધિક કલેકટરે અમરેલી જિલ્લાની તમામ કચેરીઓને એલર્ટ રહેવા તથા તાકિદના સમયે વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમા રહેવા સુચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે પણ અમરેલી પંથકમા માવઠાનો માહોલ સર્જાયો હતો. અને સાવરકુંડલા, ધારી, બાબરા પંથકમા કમોસમી વરસાદ પણ પડયો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમા કેરીના પાકને નુકશાન પણ થયુ હતુ. જો આગામી ત્રણ દિવસમા અમરેલી પંથકમા વરસાદનુ પ્રમાણ વ્યાપક રહેશે તો ફરી એકવાર કેરીના પાકને નુકશાન થશે.

અન્ય સમાચારો પણ છે...