ચાંપાથળની સીમમાં દિપડાએ 6વર્ષના બાળક પર કર્યો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંગલમા વસતા સિંહ, દિપડો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમરેલીના લીલીયા રેંજ મોટા ભંડારીયા રાઉન્ડ અને ચાંદગઢ બીટના ચાંપાથળની સીમમા આજે સવારના દસેક વાગ્યાના સુમારે ત્રણ-ચાર બાળકો રમી રહ્યાં હોય ત્યારે અચાનક એક દિપડો ધસી આવ્યો હતો અને એક બાળકને ઉપાડી જઇ પીંખી નાખતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. બાળકની લાશને પીએમ માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખસેડાઇ હતી. અને વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી ગયો હતો.

અહી આવેલ સુરેશભાઇ મનુભાઇ નાકરાણીની વાડીમા રહી પારસીંગભાઇ માલાભાઇ કટારા નામનો આદિવાસી પરિવાર મજુરીકામ કરતો હોય તેમનો છ વર્ષનો પુત્ર ચિરાગ પારસીંગભાઇ કટારા તેમજ અન્ય બે ત્રણ બાળકો વાડીએ ખુલ્લામા રમતા હતા. સવારના દસેક વાગ્યાના સુમારે અહી અચાનક એક દિપડો ધસી આવ્યો હતો અને જોતજોતામા ચિરાગને ઉઠાવી જઇ થોડે દુર પીંખી નાખ્યો હતો. બાદમા પરિવારના સભ્યો અહી દોડી ગયા હતા. જો કે ત્યાં દિપડાએ તેને ગંભીર ઇજા પહોંચાડી દીધી હોય તેનુ મોત નિપજયું હતુ. ચિરાગની લાશને પોસ્ટમોર્ટ માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખસેડવામા આવી હતી.

કુંડલાના કેદારીયામાં યુવક પર દિપડાનો હુમલો
સાવરકુંડલા તાલુકાના કેદારીયા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં બની હતી. સાવરકુંડલા રેન્જમાં આવેલા કેદારીયા ગામના મુકેશભાઇ કાળુભાઇ દેવડા નામનો યુવાન વાડીમાં હતો ત્યારે શિકારની શોધમાં એક દિપડો આવી ચડયો હતો અને સીધો જ આ યુવકને માથામાંથી પકડી લઇ હુમલો કરી દીધો હતો. જો કે યુવકે પ્રતિકાર કરતા દિપડો તેને ઘાયલ કરી નાસી ગયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે વંડાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના માત્ર સાત કલાક બાદ અમરેલીના ચાંપાથળમાં દિપડાએ એક બાળકને ફાડી ખાધો હતો. સદનશીબે આ યુવકને કોઇ ગંભીર ઇજા પહોંચી ન હતી. વન વિભાગનો સ્ટાફ અહિં ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દિપડાને તાકિદે પાંજરે પુરવા માંગ
ચાંદગઢ આસપાસ સિંહ, દિપડા અવારનવાર વાડી ખેતરોમા આવી ચડતા હોય હાલ આ માનવભક્ષી દિપડાને તાકિદે પાંજરે પુરવામા આવે તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે.

માણસ પર દિપડાના હુમલાની ઘટનાઓ વધી
જિલ્લામા ખાસ કરીને ગીરકાંઠાના ગામોમા અવારનવાર દિપડાઓ આવી ચડે છે અને માણસ પરના હુમલાની ઘટનાઓ વધી પડી રહી છે. ખાંભા પંથકમા પણ અનેક લોકોને દિપડાએ શિકાર બનાવ્યા છે. જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...