તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જીલ્લામાં વિદાય લેતુ ચોમાસુ પણ અનરાધાર વરસી રહ્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જીલ્લામાં વિદાય લેતુ ચોમાસુ પણ અનરાધાર વરસી રહ્યુ છે. છેલ્લા એક સપ્તાહથી સતત જીલ્લામાં વરસાદ થઇ રહ્યો છે. ખાંભામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાવરકુંડલામાં સવા ઇંચ વરસાદથી ફરી નદીઓમાં પાણી દોડવા લાગ્યા હતાં. બાબરા, અમરેલી, ધારી, બગસરા અને લાઠીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. સતત વરસાદને પગલે જળાશયોમાં નવા નિરની આવક થઇ રહી છે.ખાંભા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર મેઘ સવારી શરૂ રહી છે. ગઇકાલ સાંજથી આજ સાંજ સુધીના 24 કલાકના ગાળામાં અહિં બે ઇંચ વરસાદ પડી ગયો હતો. સતત પડી રહેલા વરસાદથી જમીન તૃપ્ત થઇ હોય અને ભુતળમાં પણ પાણી ભરેલા હોય વરસતા વરસતા વરસાદનું પાણી સીધુ જ નદીઓમાં વહી જાય છે. જેના પગલે થોડા વરસાદમાં પણ નદીઓમાં પુર આવે છે અને જળાશયોમાં નવા પાણીની આવક થઇ રહી છે. ખાંભામાં રાત્રીના સમયે વરસાદ થવા ઉપરાંત આજે દિવસભર વરસાદ થયો હતો. ગીર જંગલમાં પણ સારા વરસાદના વાવડ છે. આજે સાવરકુંડલા પંથકમાં પણ આવી જ રીતે સવા ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે અહિંના ગ્રામ્ય વિસ્તારની તમામ નદીઓમાં પુર જોવા મળ્યા હતાં. અમરેલીમાં આજે સવારથી જ વાતાવરણ વાદળછાયુ હતું. અહિં દિવસભર હળવા-ભારે ઝાપટા વરસતા રહ્યા હતાં અને સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. શહેરના તુટેલા-ફુટેલા માર્ગો પર સતત પાણીના ખાબોચીયા ભરેલા રહ્યા હતાં. બાબરા પંથકમાં પણ અડધા ઇંચ કરતા વધુ વરસાદ થયો હતો. કલેક્ટર કન્ટ્રોલ રૂમના સુત્રોમાં જણાવ્યુ હતું કે અહિં 14 મીમી વરસાદ થયો હતો.બીજી તરફ આજે બગસરા, ધારી અને લાઠીમાં પણ અડધો ઇંચ વરસાદ થયો હતો. લીલીયામાં 6 મીમી, રાજુલામાં 3 મીમી અને જાફરાબાદમાં એક મીમી વરસાદ થયો હતો. અમરેલી જીલ્લાના 11 તાલુકા પૈકી 10 તાલુકામાં આજે વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...