અમરેલીમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ, રાજકોટ સ્ટેટ હાઈ-વે બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: અમરેલી જિલ્લામાં વરસાદની ભારે ખેંચ છે. અને પાકને પાણીની તાતી જરૂર છે. તેવા સમયે આજે મોડી સાંજે અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. અહીં સાંજે કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને ધૂળની આંધી ફૂંકાઇ હતી. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઇ હતી. અમરેલીમાં જોતજોતામાં એક ઇંચ વરસાદ ખાબકી જતા ભારે ગરમીમાંથી લોકોને છુટકારો મળ્યો હતો. થોડીવારમાં જ અહીં એક ઇંચ વરસાદ પડી ગયો હોય શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા.


કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા અને વીજપુરવઠો ઠપ્પ થયો હતો.


ભારે પવનના કારણે અમરેલીમાં જિલ્લા પંચાયત રોડ પર વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી. આ ઉપરાંત અમરેલી બાબરા રોડ પર કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા. ઠેકઠેકાણે વૃક્ષો પડવા ઉપરાંત શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.અને બે કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. આવી જ રીતે આજે ચલાલા પંથકમાં પણ ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો. ભારે પવનમાં શહેરના વેપારીઓના બેનરો અને હોર્ડિંગ્સ ઉડ્યા હતા. અહીં પણ વીજપુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. તો બીજી તરફ ચિતલ અને બાબરા પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જોકે અહીં અડધો ઈંચ પાણી પડયા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. ધારી અને ગીર પંથકના ગામડાઓમાં પણ વરસાદ હોવાના વાવડ મળેલ છે.

 

ભૂગર્ભગટરના ભૂવામાં બે બસ ફસાઈ 


અમરેલી શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. શહેરના સ્ટેશન રોડ પર થોડા દિવસ પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું. આજે વરસાદના કારણે ભૂવા પડતા એક એસટી બસ અને એક ખાનગી બસ તેમાં ફસાઈ હતી. અનેક વાહનચાલકો ભૂગર્ભ ગટરના કારણે ઉબડ-ખાબડ બનેલા રસ્તા પર પટકાયા હતા.