નેશનલ હાઇવે 7 ફૂટ ઉંચો બનાવાતા પાણીનો નિકાલ અટકતા ખેતરોમાં પાણી ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમા હાલમા સોમનાથ ભાવનગરના નેશનલ હાઇવેનુ કામ ચાલુ છે ત્યારે જાફરાબાદ પંથકમા આ હાઇવે ઉંચો બનાવવામા આવી રહ્યો છે. પરંતુ પાણીના નિકાલ માટે યોગ્ય ભુંગળા મુકાયા ન હોય ચોમાસુ શરૂ થતા જ પાણીના નિકાલના અભાવે ખેડૂતોના ખેતરમા પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે ઠેરઠેર જમીનનુ પણ ધોવાણ થઇ રહ્યું છે અને પાકને પણ નુકશાન થઇ રહ્યું છે. આ બારામા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેન ટીકુભાઇ વરૂએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે. 

 

ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ જાફરાબાદ પંથકના ખેડૂતોની હાડમારી વધી છે. અહીના હેમાળ, ટીંબી, શેલણા વિગેરે ગામના ખેડૂતોની નેશનલ હાઇવે આસપાસ આવેલી જમીનમા મોટા પ્રમાણમા પાણીનો ભરાવો થયો છે. આ વિસ્તારમાથી સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પસાર થાય છે. અગાઉ કોસ્ટલ હાઇવે ઘણો નીચો હતો. પરંતુ તેને નેશનલ હાઇવેમા પરિવર્તિત કરી હાલમા પાંચથી સાત ફુટ જેટલો રોડ ઉંચો લઇ કામ શરૂ કરવામા આવી રહ્યું છે. પરંતુ આ હાઇવે એકદમ ઉંચો બનાવાતો હોય ખેડૂતોની હાડમારી વધી છે. 

 

અમરેલી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેન ટીકુભાઇ વરૂએ આજે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે. તેમણે રજુઆતમા  જણાવ્યું છે કે હેમાળ, ટીંબી, શેલણા તથા આસપાસના ગામોના ખેડૂતો આ હાઇવેથી પરેશાન થઇ રહ્યાં છે. અહી મોટા પાઇપ નાખી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની હતી. પરંતુ તેની જગ્યાએ નાના પાઇપ નખાયા હોય પાણીનો નિકાલ થતો નથી. પરિણામે ખેડૂતોના વાડી ખેતરોમા પાણી ભરાયા છે. 


તેમણે જણાવ્યું છે કે તેના કારણે જમીનનુ મોટાપાયે ધોવાણ થયુ છે. અને સાથે સાથે પાકનુ પણ ધોવાણ થયુ છે. વાડી ખેતરોમા સતત પાણી ભરેલા રહેતા હોય ખેડૂતો બીજી વખત વાવણી કરવા જઇ શકે તેવી સ્થિતિ નથી. જેથી તાકિદે આ અંગે સર્વે કરાવી ખેડૂતોને નુકશાનીનુ વળતર આપવુ જોઇએ. 

 

પાંચથી આઠ ફૂટ ઉંચો લેવાયો રોડ

 

હાલમા અહી બની રહેલો નેશનલ હાઇવે ખુબ જ ઉંચો લેવાયો છે. કોઇ સ્થળે રોડ પાંચ ફુટ ઉંચો લેવાયો છે. તો કયાંક આઠ ફુટથી ઉંચો લેવાયો છે જેના કારણે ખેડૂતો સામે નવી જ સમસ્યા ઉભી થઇ છે. 

 

વાડી, ખેતરોમાં સતત ભરેલા રહે છે પાણી


શેલણા, ટીંબી, હેમાળ તથા આસપાસના ગામોમા હાઇવેના કારણે પાણીનો નિકાલ થતો ન હોય સતત પાણી ભરેલા રહેતા ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે.

 

 

અન્ય સમાચારો પણ છે...