બાબરા: બાબરામાં જે સંપમાંથી ગામલોકોને પાણી વિતરણ કરવામાં આવે છે તે સંપની પાલિકાના સભ્યોએ રૂબરૂ મુલાકાત લેતા પાણીમાં મરેલા પક્ષીઓ અને અન્ય ગંદકી જોવા મળી હતી. અહીંનો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ હાલતમાં હોય અને ગંદકીના કારણે રોગચાળાની ભીતિની તેમણે આશંકા વ્યક્ત કરી હતી. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે જોવાની સ્થાનિક ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ફરજ છે. આ માટે કરોડોના ખર્ચ કરી ફિલ્ટર પ્લાન્ટ પણ ઉભા કરવામાં આવે છે.
પરંતુ બાબરામાં નગરપાલિકા દ્વારા લોકોને દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફિલ્ટર પ્લાન્ટનો કોઈ ઉપયોગ થતો નથી. આજે નગર પાલિકાના સદસ્ય વિનુભાઈ લક્ષ્મણભાઈ કરકર તથા અન્ય કાર્યકર શંભુભાઈ વિગેરેએ આજે બાબરાના સંપની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત વખતે અહીં ચોંકાવનારા દ્રશ્યો નજરે પડ્યા હતા. અહીં ફિલ્ટરપ્લાન્ટ તદ્દન બંધ હાલતમાં છે અને પાણીના શુદ્ધિકરણની લેબોરેટરીમાં ચારેતરફ ગંદકી જોવા મળી હતી.
એટલું જ નહીં પાણીમાં કબૂતર અને અન્ય પક્ષીઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. અહીં પાણી ખુબ જ ગંદુ પણ જોવા મળ્યું હતું. જે શહેરના લોકોને પીવા માટે વિતરિત કરવામાં આવે છે. આમ પાલિકાની બેદરકારીને કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. તેમણે આજે તંત્ર સમક્ષ માંગ ઉઠાવી હતી કે આવી ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે આકરાં પગલાં લેવામાં આવે, કારણકે જેમાં મૃત પક્ષીઓ જેમાં પડ્યા હોય એવું ગંદુ પાણી લોકોને પીવા માટે વિતરિત કરવામાં આવે છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.