તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી કુંડલા પંથકમાં રેત ચોરી કરતા 9 ઝડપાયા, 26 લાખનો મુદ્દામાલ કબજે | 9 Cases Of Stealing Sand In Amreli Panchayat, Captured 26 Lakh

અમરેલી-કુંડલા પંથકમાં રેત ચોરી કરતા 9 ઝડપાયા, 26 લાખનો મુદ્દામાલ કબજે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: અમરેલી જીલ્લામાં ઇકો ઝોનમાં પસાર થતી શેત્રુંજી નદીમાં ભ્રષ્ટતંત્ર અને રાજકીય નેતાઓના ઓથ તળે બેફામ રેત ચોરી ચાલી રહી છે. ત્યારે અમરેલીના નવા આવેલા પોલીસ વડા નિર્લિપ્ત રાયે રેત ચોરી ડામી દેવા કડક સુચના આપતા આજે સાવરકુંડલા અને અમરેલી પંથકમાં શેત્રુંજી નદીના પટમાંથી બે ટ્રેકટર, ત્રણ ડમ્પર અને લોડર સહિત 26.43 લાખનો મુદામાલ કબજે લઇ રેત ચોરી કરી રહેલા 9 શખ્સોની અટકાયત કરાઇ હતી. ભુતકાળમાં ભ્રષ્ટ પોલીસતંત્રએ રેતીના ગેરકાયદે ધંધામાંથી હપ્તાખોરી શરૂ કરી હતી. પરંતુ નવા જીલ્લા પોલીસ વડા રેત માફીયાઓને સીધા કરે તેવુ જનતા ઇચ્છી રહી છે. 

 

ગુજરાત હાઇકોર્ટે અમરેલી જીલ્લામાં ઇકો ઝોનમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નદીમાં ભુતકાળમાં અપાયેલી તમામ લીઝો રદ કરી દેવામાં આવી છે. પરંતુ કોર્ટના આ હુકમથી ભ્રષ્ટ તંત્ર અને રેત માફીયાઓને જાણે મજા પડી ગઇ હતી. ભુતકાળમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો રેત ચોરીનો ધંધો અહિં દિવસ-રાત ધમધમતો હતો. ખાણ ખનિજ વિભાગ અને પોલીસની મીઠી નજર તળે શેત્રુંજી નદીના પટ્ટને જાણે ઉઝરડી નાખવામાં આવ્યો હતો. જો કે હવે નવા જીલ્લા પોલીસ વડાએ આવતાવેત રેત માફીયાઓ સામે લાલ આંખ કરી છે. 

 

પોલીસ વડાની સુચનાને પગલે આજે એસઓજીની ટીમે અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામેથી શેત્રુંજી નદીમાં રેત ખનન કરી રહેલા ત્રણ ડમ્પર અને એક લોડર મળી ચાર વાહનો ઝડપી લીધા હતાં અને વાહનોના માલીક તથા ડ્રાઇવર મળી પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં આ અંગેની તપાસ અમરેલી તાલુકા પોલીસને સોંપી દેવાઇ હતી. આવી જ રીતે સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામની સીમમાં ઉતાવળી નદીમાં રેત ચોરી ચાલતી હોવાની બાતમીના આધારે એસઓજીના પીએસઆઇ કે. આર. કરમટા તથા સ્ટાફે અહિં દરોડો પાડી બે ટ્રેકટર રેતી ચોરી સબબ ઝડપી લીધા હતાં.

 

જે અંગે બન્ને ટ્રેકટરના માલીક તથા ડ્રાઇવર મળી ચારેય શખ્સો સામે ગુનો નોંધી સાવરકુંડલા તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા રેતી ચોરી સબબ બે ટ્રેકટર, ત્રણ ડમ્પર અને એક લોડર સહિત છ વાહનો કબજે લેવાયા હતાં અને કુલ 26.43 લાખનો મુદામાલ કબજે લઇ નવ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. બાદમાં આ અંગે ખાણ ખનિજ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. 

 

કોની કોની સામે ગુનો નોંધાયો ?


વિજપડીના ઘનશ્યામ હરી ચાવડા અને અતુલ સુરેશ રણોલીયા. ડેડકડીના ગોવિંદ લીંબા ખેરાળા અને ઘાંડલાના ભયલુ દોહલભાઇ ચાંદુ, અમરેલીના કાંતિ રામસીંગ સંગોર, ઘનશ્યામ જીણા સાંથળા, અમરદીપ વલકુભાઇ વાળા, દાઉદશા લલ્લુશા પઠાણ અને અજય કનુભાઇ તળાવીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

 

ક્યાં ક્યાં ચાલે છે રેત ચોરી ?


અમરેલી તાલુકાના ગાવડકા, પીઠવાજાળથી લઇ ગોખરવાળા, ચાંદગઢ, લીલીયા તાલુકાના આંબા, કણકોટ, ક્રાંકચથી લઇ છેક સાવરકુંડલા તાલુકાના જીરા, સીમરણ સહિતના ગામોમાં બેફામ રેત ચોરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...