અમરેલી: અમરેલીની બજારમાં મરચાની ધૂમ આવક શરૂ થઇ ગઇ છે. અહીં નદી કાંઠે મરચા બજાર શરૂ કરવામાં આવી છે. જ્યાં 28 સ્ટોલ લગાવાયા છે. જો કે ગત વર્ષ કરતાં મરચાના ભાવમાં 20 ટકા જેવો વધારો હોય ગૃહિણીઓ પણ અકળાઈ ઉઠે છે. હાલમાં દરરોજ 500 ગુણી જેટલી મરચાની આવક થઈ રહી છે. જે પૈકી મોટાભાગની આવક ગોંડલ પંથકમાંથી થાય છે.
અહીંની મરચાં બજારમાં કાશ્મીરી મરચાં ઉપરાંત રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, ઘોલર વગેરે પ્રકારનું મરચું આવી રહ્યું છે. દરેક પ્રકારના મરચામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં ઠેબી નદીના કાંઠે ઊભી થયેલી મરચાં બજારમાં મરચાં દળવા માટેની ઘંટી પણ ઉભી કરવામાં આવી છે. અહીં ગૃહિણીઓ મરચાની ખરીદી માટે આવે ત્યારે ડીંટિયા તોડવાથી લઈ દળવા સુધીની અહીં વ્યવસ્થા છે. અહીં મોટાભાગનું મરચું ગોંડલ પંથકમાંથી આવી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગરના ગારીયાધાર પંથકમાંથી અને અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારમાંથી પણ અહીં મરચું આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મરચાની આવક વધવાની સંભાવના છે. જેથી ભાવમાં પણ થોડોક સુધારો થવાની શક્યતા છે.
કયા વિસ્તારમાંથી થાય છે મરચાની આવક ?
અમરેલીની બજારમાં મોટા ભાગનું મરચું ગોંડલ પંથકમાંથી આવી રહ્યું છે. આ ઉપરાંત ગારીયાધાર પંથકમાંથી પણ મરચુ આવે છે. ધામેલ, હજીરાધાર, બાબરા, દેવળીયા, શેડુભાર, મતીરાળા વિગેરે ગામમાંથી અહીં મરચાની આવક થઈ રહી છે.
દળવાનો ભાવ પ્રતિકિલો 15 રૂપિયા
મરચાની ખરીદી કર્યા બાદ ડીટીયા તોડવાનો ભાવ પ્રતિકિલો પંદર રૂપિયા છે. ઉપરાંત મરચું દળવાનો ભાવ પણ પ્રતિકિલો પંદર રૂપિયા છે. સરેરાશ 170 રૂપિયે મરચું ખરીદ્યું હોય તો પંદર રૂપિયા દળવાના અને ૧૫ તોડવાના મળી અને બગાડ કાઢી નાખતા 210 થી 215 રૂપિયે કિલો પડે છે.