અમરેલી જિલ્લાનાં તમામ જળાશયોમાં 37 ટકા જળરાશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: અમરેલી જિલ્લામા આમ તો અત્યાર સુધી ભરપુર વરસાદ પડયો છે જેને પગલે જિલ્લાના 10 જળાશયો પૈકી 5 જળાશયમા પાણીનો સારો એવો જથ્થો આવ્યો છે જયારે બાકીના 5 જળાશયોમા નામ માત્રનો જથ્થો છે. હાલમા જિલ્લાના તમામ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા સામે 37.48 ટકા જેટલુ પાણી ભરાયુ છે. એકમાત્ર વડીયા ડેમ છલોછલ ભરેલો છે. જયારે ઠેબી અને ખોડિયાર ડેમ અડધાથી પણ વધુ ભરેલા છે. ધારી નજીક આવેલ ખોડિયાર ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 1057 એમસીએફટીની છે.
 
તેની સામે હાલમા 580 એમસીએફટી પાણી તેમા ભરેલુ છે. વડીયા નજીક આવેલો વડીયા ડેમ છલોછલ ભરેલો છે. હવે જો નવા પાણીની આવક થશે તો ડેમમાથી પાણી છોડાશે. ઠેબી ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 375 એમસીએફટી છે. જે પૈકી હાલમા તેમા 231 એમસીએફટી પાણી ભરેલુ છે. 18 ફુટ પૈકી 13.77 ફુટ તેમા પાણી ભર્યુ છે. અમરેલી નજીકના એક અન્ય વડી ડેમની સંગ્રહ ક્ષમતા પણ 375 એમસીએફટી છે અને તેમા 118 એમસીએફટી પાણી ભરેલુ છે. સૌથી ઓછુ પાણી સુરજવડી ડેમમા છે. જયાં 224 એમસીએફટી સંગ્રહ ક્ષમતા સામે માત્ર 19 એમસીએફટી પાણી ભરેલુ છે.
 
આવી જ રીતે રાયડી, શેલદેદુમલ અને ધાતરવડી-2 ડેમમા પણ નામ માત્રનુ પાણી છે. અમરેલી જિલ્લાના તમામ 10 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 4527 એમસીએફટી છે જે પૈકી હાલમા 1697 એમસીએફટી એટલે કે 37.48 ટકા જેટલી જળરાશી ભરેલી છે. જો કે હવે નદીઓના પટ્ટ અને તેમા બનાવાયેલા ચેકડેમો છલોછલ ભરેલા છે જેથી વરસાદની આવનારી સિઝનમા આ જળાશયોમા ઝડપથી અને વધુ માત્રામા પાણી આવશે. 
અન્ય સમાચારો પણ છે...