અમરેલીમાં આકાશી સુનામી: લોકોને બહાર કાઢવા બે હેલિકોપ્ટર પહોંચ્યા

અમરેલીના બગસરામાં 27 ઈંચ વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે

divyabhaskar.com | Updated - Jun 24, 2015, 08:41 PM
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે જાણે આભ ફાટયું હોય તેમ જિલ્લાભરમાં બારે મેઘ ખાંગા થયા હતાં. બગસરામાં ગણતરીનાં કલાકોમાં 26 ઇંચ વરસાદ ખાબકતા તાલુકો જળમય થયો હતો. સવારથી સાંજ સુધીમાં બગસરામાં 26 ઇંચ ઉપરાંત ધારીમાં 22 ઇંચ, વડીયામાં 18 ઇંચ, સાવરકુંડલામાં 10 ઇંચ, અમરેલી, લાઠી તથા ખાંભામાં આઠ ઇંચ, લીલીયા અને સાવરકુંડલામાં 6 ઇંચ, બાબરામાં 4 ઇંચ તથા જાફરાબાદમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. અતિ ભારે વરસાદથી અમરેલી જિલ્લામાં ખોડીયાર, વડી, ઠેબી, વડીયા, મુંજીયાસર, રાયડી, ધાતરવડી સહિતનાં તમામ ડેમ છલકાઇ ગયા હતાં. અમરેલી, બગસરા, લીલીયા તથા સાવરકુંડલા તાલુકાનાં 100 થી વધુ ગામો બેટમાં ફેરવાયા હતાં અને હજારો લોકો ફસાઇ ગયા હતાં. જ્યારે અમરેલી જિલ્લામાં સર્જાયેલી તારાજીને પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા બે હેલિકોપ્ટરની મદદ આપવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ વિસ્તાર પર નજર રાખવા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરશે.
- અમરેલીમાં મેઘતાંડવ: 100થી વધુ ગામો પાણીમાં, 29 મોત
- તમામ ડેમો ઓવરફલો : નિચાણવાળા ગામો બેટમાં ફેરવાયા : અનેક લોકો સંપર્ક વિહોણા : તંત્ર એલર્ટ

ફસાયેલા લોકોને ઉગારવા એનડીઆરએફ, એસઆરપીની ટુકડીઓ કામે લગાડાઇ હતી. બે હેલીકોપ્ટરની મદદથી 73 લોકોને બચાવાયા હતાં. કલેકટર, ડીડીઓ, એસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ બચાવ રાહત કામગીરી સંભાળી હતી. પરંતુ જિલ્લાનાં અનેક વિસ્તારોનો સાંજે પણ સંપર્ક થઇ શકયો ન હતો. રાજય સરકાર દ્વારા વિજયભાઇ રૂપાણીએ અમરેલી દોડાવાયા હતાં. નદીઓ ગાંડીતુર થતાં ગાવડકા નજીક શેત્રુંજીનો પુલ તુટી ગયો હતો. રેલવે ટ્રેક ધોવાઇ ગયો હતો. ટીંબીમાં 30 દુકાનો તણાઇ હતી. 150 ઘેંટા-બકરા તણાયા હતાં. સાવરકુંડલાની નાવલ બજારમાં તથા બગસરાની બજારમાં પણ ઘુસતા માલમત્તાની મોટી નુકશાની થઇ હતી. લીલીયા પંથકમાં પણ આજે મેઘસવારી આવી પહોંચી હતી. અહીં 4 ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી વહેતા થયા હતાં. અહીં શેંત્રુજી અને ગાંગડીઓ નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળતા અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતાં. જેને પગલે ગામો સંપર્ક વિહોણા થયા હતાં. અહીં પાણીમાં અનેક દુકાનો તેમજ પશુઓ તણાઇ ગયાનું જાણવા મળી રહયું છે.
શેંત્રુજી અને ગાંગડીએ નદીમાં ઘોડાપુર આવતા લીલીયા પ઼થકના આંબા, ભેરાવડી, લોકા, લોકી, નાના લીલીયા, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા સહિતના ગામોમાં પાણી ઘુસી જતા ભારે ખાના ખરાબી સર્જાણી છે. અહીં પુરના અનેક દુકાનો અને પશુઓ તણાઇ ગયાનું જાણવા મળી રહયું છે. હાલ આ ગામો બેટમાં ફેરવાઇ ગયા હોય સંપર્ક વિહોણા બની ગયા છે. અહીં શેંત્રુજી નદીના કાંઠે આવેલ વાડી ખેતરોમાં પાણી ઘુંસી જતાં ખેતીપાકને નુકસાન થયું છે. ગણતરીની કલાકોમાં જ આ પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. અહીં અનેક સાવજો વસવાટ કરતા હોય. શેત્રુંજી નદીમાં પુર આવતા અનેક સાવજો વૃક્ષો ઉપર ચઢી ગયા હોવાનું પણ જાણવા મળી રહયું છે. અહીં શેંત્રુજી નદીના કાંઠે છ સિંહબાળ પણ વસવાટ કરી રહયાં છે અહીંના ભેસવડી નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં હતાં.
નદીઓમાં આવેલા પાણીનાં પ્રવાહનાં પગલે 100થી વધુ ગામોમાં પાણી ઘુસી ગયા હોવાની માહિતી મળી છે. જ્યારે લોકો છતનો સહારો લઈ રહ્યા છે. અમરેલીમાં હેલીકોપ્ટરથી 100 જેટલા લોકોને બચાવી લેવાયા છે. અમરેલી, લીલીયા અને સાવરકુંડલાનાં ગામોમાં પૂરનાં સંકટના પગલે એસઆઈપી અને એનડીઆરએફની ટુકડીઓ પણ મદદ માટે અમરેલી પહોંચી ગઈ છે. બગસરા નજીકનાં પીઠડીયામાં પાંચ લોકો પાણીના પ્રવાહમાં તણાયાની આશંકા ગામલોકોએ દર્શાવી હતી. તો ટીંબીમાં 30 દુકાનો તણાય ગઈ છે, અને કેટલાક મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે.
અમરેલીમાં ભારે વરસાદનાં કારણે લોકોની મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમે હેલ્પલાઈન શરૂ કરી છે.
02792-230735
9428970633
9426276600

આગળ વાંચો: સૌથી વધુ અસરગ્રસ્ત ગામો, ઓછી અસરવાળા ગામો-વિસ્તારો, શેઢાવદરમાં ભારે ખાના ખરાબી, અમરેલીમાં અનેક વિસ્તારમાં પાણી ઘુસ્યા, નદીના પાણી ગામડાઓમાં ઘુસતા લોકોએ છત-ધાબા પર ચડી પોતાના જીવ બચાવ્યા

26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, અમરેલી જિલ્લાના ધારી અને બગસરામાં હજુ પણ સતત ભારે વરસાદ ચાલુ છે. આશરે 24 કલાકમાં 26 ઇંચ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. તે જોતા ધારી અને બગસરામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે. હેલિકોપ્ટર અને એનડીઆરએફની મદદથી રાહત બચાવની કામગીરી ઝડપી બની જશે.

સૌથી વધુ અસરગ્રસ્ત ગામો
 
ખારીખીજડીયા, કમીગઢ, કેરાળા, ઢોલરવા, બાબાપુર, વાડીયા-કુકાવાવના મોટી કુકાવાવ, વડીયા, કૃષ્ણપુરા વિસ્તાર, બગસરાના ચારણપીપપળી, હડાળા, જામકા, બગસરા માર્કેટિંગ યાર્ડ પાસે, પીઠડીયા અને ધારીનું પરબડી
 
ઓછી અસરવાળા ગામો-વિસ્તારો
 
મોટા માંડવડા, ટીંબલા, પાણીયા, વડેરા, સાજીયાવદર, ગાવડકા, જાળીયા, રાજુલાના જીંગા ફાર્મ હાઉસ વિક્ટર, વડીયા-કુકાવાવના સનાળી, તાલાળી અને બગસરા
 
 
આગળ જુઓ વધુ તસવીરો...
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
શેઢાવદરમાં ભારે ખાના ખરાબી
 
લીલીયા તાલુકાના શેઢાવદર ગામમાં શેંત્રુજી નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. ગામમાં અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. તો અહીં અનેક પશુઓ પાણીમાં તણાઇ ગયા હોવાનું જાણવા મળી રહયું છે. વરસાદને પગલે લીલીયાથી સાવરકુંડલા, લીલીયાથી ગારીયાધાર તેમજ લીલીયાથી ભેરીંગડા વચ્ચે માર્ગ બંધ થઇ ગયો હતો. આ ઉપરાંત નાના લીલીયામાં પણ અનેક મકાનો ધરાશાયી થયાનું જાણવા મળી રહયું છે.
 
અમરેલીમાં અનેક વિસ્તારમાં પાણી ઘુસ્યા
 
અમરેલી શહેરને આજે મેઘરાજાએ પાણી પાણી કરી દીધુ હતું. વહેલી સવારથી લઇ સાંજ સુધીમાં આઠ ઇંચ પાણી ઝીંકાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જેશીંગપરામાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા હતાં. આજે બાબરામાં ચાર, ખાંભા, લાઠીમાં આઠ, જાફરાબાદ, લીલીયા અને સાવરકુંડલામાં છ તથા રાજુલામાં દશ ઇંચ વરસાદ પડયો હતો. અમરેલીમાં મધરાતથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનીંગ રમવાનું શરૂ કર્યુ હતું. ખાસ કરીને સવારના સાત થી બપોરના ર સુધીમાં અનરાધાર વરસાદ તુટી પડયો હતો અને 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસી જતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

ઠેબી ડેમ છલકાઇ જતા તેના દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા હતાં. જેને પગલે આ પાણી પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ઘુસ્યુ હતું. ભારે વરસાદથી કુંકાવાવનો માર્ગ બંધ થયો હતો. જ્યારે જેશીંગપરાના નિચાણવાળા વિસ્તારમાં પુરના પાણી ઘુસતા લોકોને સલામત સ્થળે ખસવાની ફરજ પડી હતી. ભારે વરસાદથી અમરેલી-ધારીનો માર્ગ પણ બંધ થઇ ગયો હતો. આ ઉપરાંત અમરેલી, લાઠી અને બાબરા માર્ગ પણ બંધ થતા થોડા સમય માટે અમરેલી વિખુટુ પડયુ હતું. બીજી તરફ રાજુલામાં 10 ઇંચ તથા ખાંભા તથા લાઠીમાં આઠ-આઠ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાય હતી. લીલીયા, સાવરકુંડલા અને જાફરાબાદમાં છ-છ ઇંચ તથા બાબરામાં ચાર ઇંચ વરસાદ થયો હતો.
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
નદીના પાણી ગામડાઓમાં ઘુસતા લોકોએ છત-ધાબા પર ચડી પોતાના જીવ બચાવ્યા
 
અમરેલી પંથકમાં જે નદીઓ વહે છે તે તમામ નદીઓના ઉપરવાસમાં આજે ભારે વરસાદ થતા શેત્રુજી, ગાગડીયો, નાવલી, વડી, ઠેબી, નાવલી વિગેરે નદીઓ ગાંડીતુર બની હતી. ખાસ કરીને અમરેલી, લીલીયા અને સાવરકુંડલા પંથકમાં આ નદીઓ એકબીજાને મળતી હોય અતિભારે વરસાદના કારણે આ નદીઓના પાણી કાંઠા તોડી ગામડાઓમાં ઘુસ્યા હતાં. જેના કારણે ગામલોકોને છત, ધાબા પર આશરો લઇ પોતાનો જીવ બચાવવો પડયો હતો. અમરેલી તાલુકાના બાબાપુર, ચાંદગઢ. લીલીયા તાલુકાના ક્રાંકચ, શેઢાવદર, આંબા-કણકોટ, સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં આ નદીઓના પાણી ઘુસી ગયા હતાં. ગામેગામથી અમરેલીના ડીઝાસ્ટર કન્ટ્રોલરૂમમાં પોતાને બચાવી લેવા માટે સતત ફોન રણકતા રહ્યા હતાં. આ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોમાં બે થી લઇ પાંચ-પાંચ ફુટ સુધીના પાણી ઘુસી જતા માલમતાને વ્યાપક નુકશાન થયુ હતું. જ્યારે જીવ બચાવવા માટે લોકોને પોતાના ધાબા, છત, નળીયા કે ઉંચાણવાળા વિસ્તારો પર ચડી જવુ પડયુ હતું.
 
ટીંબીમાં 150 ઘેટા બકરા અને 30 કેબીનો તણાઇ
 
જાફરાબાદ તાલુકાના ટીંબીમાં પણ ગતરાત્રીથી જ અનરાધાર વરસાદ તુટી પડયો હતો. જેને પગલે અહીની રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતુ. ભારે વરસાદના કારણે ગામ જળબંબોળ થઇ ગયુ હતુ. અહી 30 જેટલી કેબીનો પાણીમાં તણાઇ ગઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે. અહી પાણીમાં 150 ઘેટા બકરા પાણીમાં તણાઇ ગયુ હોવાનુ પણ જાણવા મળેલ છે. ગામમા અનેક વિજપોલ ધરાશાયી થઇ ગયા છે જેને પગલે ગામમા જ અનેક માર્ગો બંધ થઇ ગયા હતા. અહી આઠથી દસ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
 
ખાંભામાં 66 કેવી સબ સ્ટેશનનો સ્લેબ ધરાશાયી
 
ખાંભા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસતા અહી આઠ ઇંચ પાણી પડી ગયુ હતુ. અહી આવેલ 66 કેવી સબસ્ટેશનની બિલ્ડીંગનો સ્લેબ અચાનક ધરાશાયી થતા અહી વિજપુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. આ સબ સ્ટેશન જુનુ હોવાથી અહી મરામતની કામગીરી પણ શરૂ કરવામા આવી હતી. પરંતુ ભારે વરસાદને પગલે આ બિલ્ડીંગ ધરાશાયી થઇ ગયુ હતુ. જિલ્લાના અનેક ગામોમાં મેઘરાજાએ જાણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ ખાનાખરાબી સર્જાઇ ગઇ હતી. ખાંભામાં પીજીવીસીએલનુ 66 કેવી સબ સ્ટેશનનુ બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઇ ગયું હતુ. આ બિલ્ડીંગ 1981માં બનાવવામા આવ્યું હતુ. આ બિલ્ડીંગ જર્જરિત હોય તેનુ સમારકામ પણ શરૂ કરી દેવામા આવ્યું હતુ. પરંતુ ત્યાં જ આ બિલ્ડીંગનો સ્લેબ પડી ગયો હતો. જેને પગલે ખાંભા સહિત  ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. અહી આઠ ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકાર થઇ ગયો હતો.
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
X
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
26 inch rain in amreli bagsara area : two helicopter help for Affected people
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App