રાજુલા: પાણી પુરવઠાના ક્લોરીનના સીલીન્ડર લીક થતા 100 વિઘામાં પાક બળી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજપરડા,કુંભારીયાના ત્રણ ખેડૂતને નુકસાન, વળતર આપવા માંગ
રાજુલા: રાજુલા તાલુકાના રાજપરડા-કુંભારીયા રોડ પર પાણી પુરવઠાની ટેન્ક પર ક્લોરીનના છ પડતર સીલીન્ડરમાંથી ગેસ લીક થતા આસપાસના ત્રણ ખેડૂતોના 100 વિઘામાં પથરાયેલા કપાસનો નાશ થતા તેમને નુકશાન થયુ છે. યાર્ડના ચેરમેને આ બારામાં મામલતદારને મળી વળતર આપવા રજુઆત કરી છે. રાજપરડા-કુંભારીયા રોડ પર પાણી પુરવઠા બોર્ડના સંપ ખાતે ક્લોરીનેશન માટે ક્લોરીનના છ સીલીન્ડર રાખવામાં આવ્યા છે.
આ સીલીન્ડર હાલમાં પડતર છે. જેને પગલે તેમાંથી ગેસ લીક થતા આ નુકશાન થયાનું ખેડૂતોનું કહેવુ છે. આ વિસ્તારમાં વાડી-ખેતર ધરાવતા અરજણભાઇ ઉકાભાઇ, ધીરૂભાઇ રાણાભાઇ અને ચિથરભાઇ પાતાભાઇ નામના ત્રણ ખેડૂતના 100 વિઘા જેટલા વિસ્તારમાં વાવેલો કપાસ, જુવાર અને તલનો પાક બળી ગયો હતો.
ગામલોકોના જણાવ્યા પ્રમાણે છ જેટલા બાટલા રૂમની બહાર રખડતા હતાં અને તેમાંથી ગેસ લીક થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં પાક બળી ગયો હતો. આ અંગે માર્કેટીંગયાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલે મામલતદારને રજુઆત કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી એન્જીનીયર ભીમાણીએ જણાવ્યુ હતું કે ગેસ સીલીન્ડરની ચોરીનો પ્રયાસ થયો હતો. જેથી બહાર લવાયેલા સીલીન્ડરમાંથી ગેસ લીક થયો હતો.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...