ધારીનાં બહુચર્ચીત લૂંટ કેસમાં પાંચ આરોપી જેલ હવાલે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બહુચર્ચીત આ પ્રકરણમાં ગઢડામા સંશોધકના ઘરની ઝડતી કરાઇ
- ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ પૂર્ણ થતા પાંચેય આરોપીઓને અદાલતમાં રજુ કરતા કોર્ટનો જેલ હવાલેનો આદેશ


ધારી તાલુકાના રામપરા ગામે વગર ઇંધણે વીજળી પેદા કરતા મશીનની લુંટ ચલાવવાના ગુનામાં ઝડપાયેલા ગઢડાના સંશોધક પરબત મોનજી વાઘાણી સહિત પાંચેય લુંટારૂઓના રિમાન્ડ આજે પુર્ણ થતા એલસીબી દ્વારા તમામને અદાલતમાં રજુ કરાયા હતા. અદાલતે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

કોકની મહેનતને પોતાના નામે ચડાવી દઇ કરોડો કમાઇ લેવાની તમન્ના રાખનાર લુંટારૂ ગેંગ આખરે જેલના સળીયા પાછળ પહોંચી ગઇ છે. ચલાલા તાબાના રામપરા ગામના કાળુભાઇ ભગવાનભાઇ સુતરીયા નામના પટેલ સંશોધકે કોઇપણ પ્રકારના ઇંધણ વગર વીજળી પેદા કરતુ મશીન શોધ્યાનો દાવો કર્યો હોય અને ગઢડાનો પરબત મોનજી એક સમયે તેનો ભાગીદાર રહી આવુ મશીન શોધવા મથામણ કરતો હતો.

ભાગીદારી છુટી થયા બાદ પરબત મોનજીએ પણ મશીન બનાવ્યુ હતુ પરંતુ તેનાથી વીજળી પેદા ન થતા ૫૦ લાખમાં લુંટારૂ ગેંગને રોકી તા. ૩૦/૪ના રોજ કાળુભાઇને ત્યાં હથિયારો સાથે જઇ મશીનના અગત્યના પાર્ટસની લુંટ ચલાવી હતી.
આ બારામાં પોલીસે પરબત ઉપરાંત ઉમેશ પ્રાગજી તેજાણી સહિત પાંચ લુંટારૂઓની ૧૯.૬૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી રવિવાર સુધી પોલીસ રિમાન્ડ પર લીધા હતા.

આજે રિમાન્ડ પુર્ણ થતા એલસીબીએ તમામને અદાલતમાં રજુ કરતા અદાલતે પાંચેયને જેલમાં ધકેલી દીધા હતા. ઉલ્લેખનીય એ છે કે, આ પ્રકરણે સ્થાનિક સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી.

- રીવોલ્વર એમપીમાંથી ખરીદી હતી

દરમિયાન પાંચેય લુંટારૂઓએ ત્રણ રિવોલ્વરની મધ્યપ્રદેશમાંથી ખરીદી કરી હોય પોલીસની એક ટુકડી મધ્યપ્રદેશ પણ ગઇ હતી. જો કે હથિયાર વેચનારાઓ તેના હાથમાં આવ્યા ન હતા. એલસીબી દ્વારા પરબત સહિત આરોપીઓના ઘરની ઝડતી પણ કરવામાં આવી હતી.