પાટડીના ૭પ ગરીબ પરિવારો ભગવાન ભરોસે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝીંઝુવાડાથી કોઇ કારણસર હિ‌જરત કરીને પાટડી રેલવે સ્ટેશન પાસે ઝૂંપડા બાંધી ગરીબ પરિવારો રહેવા આવ્યા હતા. ત્યારે આ ગરીબ પરિવારોને પાટડી મામલતદાર કચેરી દ્વારા તાકિદે ઝૂંપડા ખાલી કરી દેવાની નોટિસ ફટકારતા ગરીબ પરિવારો પર આભ તૂટી પડયુ છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ વૈકલ્પીક વ્યવસ્થા નહી કરાય તો આ ગરીબ પરિવારોએ મામલતદાર કચેરીમાં જ ભૂખ હડતાલ પર બેસી જવાની ચીમકી આપી છે. ઝીંઝુવાડા ગામમાં કેટલાક અસામાજિક તત્વોના ત્રાસને લીધે વર્ષ ૨૦૦૭માં ૨૦૦થી વધુ પરિવારોએ સામૂહિ‌ક હિ‌જરત કરીને પાટડી રેલવે સ્ટેશન પાસે ઝૂંપડા બાંધીને વસવાટ કર્યો હતો. આ જગ્યા આઇટીઆઇ સંસ્થા, નવી કોલેજ અને અન્ય કચેરીઓ માટે ફાળવાઇ છે. આથી પાટડી મામલતદાર કચેરી દ્વારા તાકિદે ઝૂંપડા ખાલી કરી દેવાની નોટિસ ફટકારતા ગરીબ પરિવારો પર આભ તૂટી પડયુ હતુ. આ અંગે સકતાભાઇ અમરાભાઇ મકવાણા અને દેવાભાઇ પોપટભાઇ સાવડીયાએ જણાવ્યુ કે, આ અંગે અનેક રજૂઆત કરાઇ છે. આ અંગે તાકિદે કોઇ ઉકેલ નહી આવે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે પાટડી મામલતદાર કચેરીમાં જ અચોક્કસ મુદત માટે ભૂખ હડતાલ પર બેસી જઇશુ. જયારે ભીમાભાઇ મણાભાઇ શિહોરા અને રતાભાઇ હકાભાઇ ધામેચાએ જણાવ્યુ કે, વર્ષ ૨૦૦૭માં હિ‌જરત કરી સ્વખર્ચે ઝૂંપડા બાંધવા છતાં અમને ઝૂંપડા ખાલી કરવા નોટિસ અપાઇ છે. તો એકને ગોળ અને બીજાને ખોળ જેવો મતભેદ કેમ ? નિયમો ગરીબ અને પૈસાવાળા માટે એક જ હોવા જોઇએ. આ અંગે પાટડી મામલતદાર સોનાગ્રાએ કામમાં વ્યસ્ત હોવાનું બહાનુ કાઢી ફોન કટ કરી નાંખ્યો હતો.