સુરેન્દ્રનગરમાં ૪૧ કરોડના ખર્ચે વિકાસનાં કામો હાથ ધરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુરેન્દ્રનગર પાલિકાની સભામાં લેવાયેલો નિર્ણય સુરેન્દ્રનગર-દૂધરેજ સંયુકત નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે પાલિકાના સભાખંડમાં મળી હતી. નગરપાલિકાના પ્રમુખ પી.ડી.પરમાર, ઉપપ્રમુખ જશુભા ઝાલા, ચીફ ઓફિસર કેતનભાઇ વાનાણી, વિરોધપક્ષના નેતા ડી.કે.ઝાલા, દંડક ઇન્દુભા રાણા સહિ‌તનાઓની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના સુધરાઇ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં ઘણા સમયથી રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે આ સમસ્યા નિવારવા સત્તાધારી પક્ષ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૧ કરોડના વિકાસના કામોની જાહેરાત કરવામાં આવી છે. આ વિકાસના કામોની જાહેરાતને સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓએ હર્ષભેર વધાવી લીધી હતી. આ વિકાસના કામોમાં ૮૦ ફૂટ રોડથી માનવમંદિર સુધી સીસી રોડનું કામ રૂપિયા ૧૪૯.૪૩ લાખના ખર્ચે, ૮૦ ફૂટ રોડથી મેઘાણી રોડ સુધી સીસી રોડનું કામ રૂપિયા ૧૦૨.૬૮ લાખના ખર્ચે, કુંથુનાથ દેરાસરથી નવા જંકશન રોડ સુધી સી.સી. રોડનું કામ રૂપિયા લાખના ૯૩.૩૪ના ખર્ચે, નવા કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ રૂપિયા ૪૬૦.૯૦ લાખના ખર્ચે, મુખ્ય શાક માર્કેટના નવીનીકરણનું કામ રૂપિયા ૪૮૨.૪૬ લાખના ખર્ચે, પતરાવાળી ચોકની શાક માર્કેટનું નવીનીકરણનું કામ રૂપિયા ૧૬૦.૮૨ લાખના ખર્ચે, ટાવર પાસેના ટાઉનહોલનું નવીનીકરણનું કામ રૂપિયા ૨પ૬.૦૦ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સુરેન્દ્રનગર પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરાઇ હતી. જેમાં કારોબારી સમિતિમાં રમેશભાઇ ટી. શાહ, બાંધકામ સમિતિમાં ઇશ્વરભાઇ એલ. વેગડ, પાણી પુરવઠા સમિતિમાં નર્મદાબેન યુ.ધોળકિયા,સ્વચ્છતા સમિતિમાં પ્રેમજીભાઇ વી. ટુંડીયા, પસંદગી સમિતિમાં રોહિ‌તભાઇ પી. પેઢડીયા, સાંસ્કૃતિક સમિતિમાં લાલાભાઇ એમ. મોરી, સ્નાનાગાર સમિતિમાં જયેશભાઇ એલ. ચૌહાણની ચેરમેન પદે વરણી કરાઇ છે. - ગેરેજ સમિતિના પૂર્વ ચેરમેનનું રાજીનામું મંજૂર શુક્રવારે મળેલી સામાન્ય સભામાં અતુલભાઇ જોશીનું સભ્ય પદેથી, ચેરમેન પદેથી અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. - ભૂગર્ભ ગટરના વિકાસનાં કામો બાબતે વિવાદ સુરેન્દ્રનગર શહેરમાં ભૂગર્ભ ગટરના કામો ઠેરઠેર ચાલી રહ્યા છે ત્યારે પાલિકામાં વિપક્ષના નેતા ડી.કે.ઝાલાએ ધારાસભ્યના પ્રયત્નોથી શહેરમાં ભૂગર્ભ ગટરના કામો રૂપિયા ૧૭પ કરોડના ખર્ચે હાથ ધરાનાર હોવાનું જણાવ્યું હતું તેની સામે કોંગ્રેસની બોડી અને ચેરમેનોએ પહેલા પૈસા આવવા દો,પછી જાહેરાત કરો તેમ જણાવતા વિવાદ થયો હતો.