યાત્રાનાં આગમન પૂર્વે એકઠા થયેલા ૩૭ માલધારીઓની અટક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લાઠી પોલીસે રામપુર ગામેથી ઝડપી દામનગર પોલીસને સોંપી દીધા : ગૌચરની જમીન ખુલ્લી કરવા મુદે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા એકઠા થયા હતા અમરેલી જિલ્લામાં વિવેકાનંદ વિકાસ યાત્રા લઇને આવેલા મુખ્યમંત્રી સમક્ષ ગૌચરની જમીન ખુલ્લી કરવાના મુદ્દે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાનું આયોજન કરનાર માલધારી સમાજના ૩૭ લોકોને તે કાળા વાવટા ફરકાવે તે પહેલા લાઠી પોલીસે રામપુર ગામેથી ઝડપી લીધા હતા. ગઢડા બોટાદ તથા લાઠી પંથકના માલધારીઓએ રાજ્યભરમાં ચારે તરફ ગૌચરની જમીનમાં થયેલા દબાણ અંગે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. ઠેરઠેર ગૌચરની જમીનમાં દબાણ થયું હોય અને સરકાર દ્રારા આ દબાણ ખુલ્લુ કરાવવા કોઇ પગલા લેવાતા ન હોય માલધારી સમાજના આગેવાન રત્નાભાઇ રબારીની રાહબરી નીચે બોટાદ તાલુકાના તરવઇ ગામના રઘુભાઇ કાનાભાઇ ભરવાડ ગઢડા તાલુકાના વનાળી ગામના મુળુભાઇ હાનાભાઇ મુંજવા સહિત ૩૭ માલધારીઓ વિરોધ પ્રદર્શન માટે લાઠીના રામપુર ગામે એકઠા થયા હતા. આ માલધારીઓ દ્વારા કાળા વાવટા ફરકાવી અને સુત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીની યાત્રાનો વિરોધ કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ એ પહેલા જ લાઠી પોલીસે તમામને બીપી એક્ટ કલમ ૬૮ હેઠળ ડિટેઇન કરી લીધા હતા. મોડીરાત સુધી તમામને દામનગર પોલીસ મથકમાં રખાયા હતા. જો કે વિવેકાનંદ યાત્રા બોટાદથી રવાના થતાની સાથે જ લાઠી પોલીસે તુરત જ પૂર્વ બાતમીનાં આધારે રામપુર ગામે પહોંચી જઇ કાળા વાવટા ફરકાવે તે પૂર્વે જ આ તમામની અટક કરી કાર્યવાહી કરી હતી.