આંતરરાષ્ટ્રીય જાલીનોટ પ્રકરણમાં કચ્છના ત્રણ શખ્સોની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ત્રણેય શખ્સોએ ૨૧ હજારની જાલીનોટો અંજારની બજારમાં ઠાલવી જામનગર એલસીબીએ તાજેતરમાં પકડી પાડેલા આંતર રાષ્ટ્રીય જાલીનોટ પ્રકરણમાં કચ્છ જિલ્લાના અંજાર ખાતે રહેતાં મુળ બંગાળના બે સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપી ગફારે આપેલી રૂ.૨૧ હજારની જાલીનોટો ત્રણેય શખ્સોએ અંજારની બજારમાં વટાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. જામનગર એલસીબીએ મહિનાના બીજા સપ્તાહમાં જાલીનોટના આંતર રાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરી જામનગર, દ્વારકા, વાંકાનેર અને જુનાગઢના ૧૧ શખ્સોને રૂ.૨૬ લાખની બનાવટી ભારતીય ચલણની નોટો સાથે ધરપકડ કરી હતી. પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા માલદા જિલ્લાના મંજૂરપુર ગામના મુસ્લિમબંધુઓએ વાંકાનેરના વકીલની બંગાળી પત્ની સલમા ઉર્ફે આન્ટીની મદદથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ચાર માસમાં પોણા કરોડની જાલીનોટ ઠાલવી દીધાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ રિમાન્ડ દરમિયાન પોલીસે કાલાવડના દંપતિ અને રાજકોટના ચાર સહિત સાત શખ્સોને પકડી પાડી કસ્ટડીમાં લીધા હતાં. દરમિયાન રિમાન્ડ પર રહેલા ગફારે કચ્છના અંજારમાં રહેતાં ત્રણ શખ્સોને રૂ.૨૧ હજારની એક હજારના દરની ૨૧ જાલીનોટો આપી હોવાની કબુલાત કરતાં એલસીબીની એક ટુકડી આજે અંજાર દોડી ગઇ હતી. જ્યાં મદીનાનગરમાં રસીકભાઇના મકાનમાં રહેતાં અને સિલાઇકામ કરતાં મુળ ફતાખાની (ગામ,તા. કાલીયાચક, જિ.માલદા, પશ્ચિમ બંગાળ)ના અતા ઉલ્લાખાન ખુશબરખાન આદાલતખાન શેખ તથા મુળ બંગાળના હાવડા જિલ્લામાં આનદુરમોવડી ગામના અને અંજારના વરસામેડી નાકા પાસે રહેતાં ભોલા શંકર પ્રસાદ તથા અંજારમાં જ ગાયત્રીનગરમાં રહેતા અને બારોટપણુ શાન્તીલાલ ઉર્ફે બટુક ભીમજી રામજી દેવાતકા બારોટ નામના શખ્સોને દબોચી લીધા હતાં. એલસીબીએ ત્રણેય શખ્સો પાસેથી રૂ.૬૦ હજારની રોકડ કબજે કરી હતી. ત્રણ મહિના પૂર્વે ગફારે આપેલી રૂ.૨૧ હજારની ૨૧ જાલીનોટ અંજારની બજારમાં વટાવી લીધાની ત્રણેય શખ્સોએ પ્રાથમિક કબૂલાત આપી છે. બંગાળના શખ્સોએ ગફાર ઉપરાંત વતનમાંથી જાલીનોટ ઘુસાડી છે કે કેમ ?નો તાગ મેળવવા પોલીસે ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. - વધુ જાલીનોટ ખરીદવાની વેતરણમાં સિલાઇ કામનો ધંધો કરતાં અતાઉલ્લાખાને જાલીનોટોનો વધુ જથ્થો ખરીદવા માટે રૂ. ૫૯૦૦૦ની રોકડની કમાણી કરી હતી. આ રકમ લઇ બંગાળથી વધુ જાલીનોટ અત્રે લઇ આવે તે પૂર્વે એલસીબીએ આરોપીને ઉપરોકત રકમ સાથે દબોચી લીધો હતો.