• Gujarati News
  • કેન્દ્રની કોંગ્રેસ સરકારને પલટાવવા હાકલ

કેન્દ્રની કોંગ્રેસ સરકારને પલટાવવા હાકલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચકચારભયૉ સોહરાબુદ્દીન કેસમાં વનવાસ વેઠીને ગુજરાતમાં પુનરાગમન કરનારા અમિત શાહે ભાજપના કાર્યકરોને કેન્દ્રની કોંગ્રેસ સરકારને પલટાવવા માટે હાકલ કરવાની સાથોસાથ ગુજરાતમાં ભાજપને સૌથી વધુ બેઠકો પર જીતાડવા માટે અનુરોધ કર્યો હતો.
શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યે નારણપુરાસ્થિત સંઘવી હાઈસ્કૂલ પાસેની સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને બે વર્ષ બાદ પાછા ફરેલ અમિતભાઇએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ પહેલો એવો પક્ષ બનશે કે જે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં સૌથી વધુ બેઠકોથી જીતશે. દસ વર્ષમાં નરેન્દ્રભાઇની સરકારે વિકાસ અને સલામતિ આપી છે.પોતાની વ્યથા રજુ કરતા ગદ્દગિદ્દત સ્વરે તેમણે જણાવ્યું હતું કે, મેં બહુ વેદના વેઠી છે. હું કેસ બાબતે કોઇ ચર્ચા કરવા માગતો નથી. ૧૬ વર્ષે કાર્યકર તરીકે જોડાયો ત્યારે ખબર ન હતી કે, આવો પડાવ આવશે. ક્યારેક વિચારતો કે મારી સાથે કેમ આવું થયું. પછી થતું કે, સારું થયું મારી સાથે આવું થયું. આ સમયમાં બે જ ભડ વ્યકિતએ મને શક્તિ અને નૈતિક બળ પૂરું પાડયું છે.
તેમણે કહ્યું કે, હું બે વર્ષ દેશભરમાં ફર્યો છું. ત્યાં બધા લોકો ગુજરાત અને નરેન્દ્રભાઇ પર મીટ માંડીને બેઠા છે. નરેન્દ્રભાઇમાં તે શક્તિ છે. તેમની શકિત ભાજપના લાખ્ખો કાર્યકરો છે. કોગ્રેસને હરાવવા પ્રતબિદ્ધ થઇએ. કોઇ રાજકીય કે કડવી વાત કરવી નથી. જવાબ બધાને મળવાનો છે.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અમિતભાઇએ યાતનાઓ સહન કરી છે. તે તમારા ચહેરા પરથી પણ દેખાય છે. અને મીડિયા મારફતે દેશ અને દુનિયા પણ તે જોઇ રહી હશે. અગમ્ય પ્રત્યેનો ગુસ્સો પણ તમારા ચહેરા પર દેખાઇ રહ્યો છે. જે જાળવી રાખીને ચૂંટણીમાં બતાવવાનો છે.
સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી આનંદીબેન સહિત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, સાંસદ કિરીટ સોલંકી, ધારાસભ્યો કૌશિક પટેલ, રાકેશ શાહ, પ્રદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નારણપુરામાં સાંજે જાણે દિવાળી જેવો માહોલ હતો. અમિત શાહ ઘરે પાછા આવવાના હોવાથી આખી શેરી રોશનીથી શણગારવામાં આવી હતી અને વચ્ચે વચ્ચે આતશબાજી પણ થતી હતી. કાર્યકરોની ભીડ જામી હતી. મેદની વચ્ચે થઈને અમિત શાહ ઘરે પહોંચ્યા હતા અને ભાજપના અગ્રણી નેતાઓએ તેમનું અભિવાદન કર્યું હતું.