• Gujarati News
  • કતારગામ ઝોનમાં ૧ કરોડના વેરા માંડવાળ કરાશે

કતારગામ ઝોનમાં ૧ કરોડના વેરા માંડવાળ કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ ઝોનમાં છેલ્લા ઘણા સમયથી આકારણી વિભાગ દ્વારા વિવિધ કારણોસર વસુલાત નહી કરી શકાતા જુદી જુદી પ્રકારની મીલકતોના વેરાનુ માંગણુ રદ કરવા માટે આકારણી વિભાગ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ મિલકતો એવી છે જે પૈકી ઘણી તો હવે સ્થળ પર હયાત પણ નથી. આ મિલકતોનુ માંગણુ રદ થઈ જતાં હવે કતારગામ ઝોનની વેરા વસુલાતની ટકાવારીનો આંક ઉચોે દેખાશે.
કતારગામ ઝોનમાં આકારણીના દફતરમાં નોંધાયેલી જુદા જુદા ચાર પ્રકારની મિલકતો એવી છે જેમાં વેરા વસુલવો શકય નથી. આ વેરાનુ માંગણુ દરવર્ષ બાકી બોલતુ હોવાથી કતારગામની વેરા વસુલાત ટકાવારી નીચી દેખાય છે. આ વેરો વસુલવો શકય ન હોવાથી હવે તેની વસુલાત માંડવાળ કરીને આકારણી દફતરમાંથી કમી કરવા માટે મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ કરવામાં આવી છે. કતારગામ ઝોનમાં દર વર્ષ વેરામાં કુલ માંગણાંમાથી ૮૦ ટકા વસુલાત એટલેકે સરેરાશ ૩૦થી ૩૨ કરોડ રૂપિયા દર વર્ષ વસુલાત થાય છે અને કતારગામ ઝોન દર વર્ષ સાતેય ઝોનમાં વેરા વસુલાતની દ્રિષ્ટએ ત્રીજા નંબરે આવે છે. હવે આ મિલકતોનો વેરો માંડવાળ થતા વસુલાતની ટકાવારી ત્રણ ટકા સુધી વધે તેવી શકયતા છે.
આ મિલકતોના વેરા માંડવાળ થશે
કતારગામ ઝોનના આકારણી વિભાગ દ્રારા કરાયેલી દરખાસ્તામાં અલગ અલગ ચાર પ્રકારની મિલકતોના વેરા માંડવાળ કરવામાટે મંજુરી માંગવામાં આવી છે. જેમાં સ્થળ પર હયાત નથી પરંતુ શરત ચુકથી આકારણી દફતરે ચડી ચુકી છે તેવી ૩૧૬ મિલકતોનો રૂપિયા ૪૫,૯૧,૨૮૯ નો વેરો, સ્થળાંતર થયેલા ૭૭૯ ઝુંપડાઓનો ૩૩,૩૮,૦૧૬ રૂપીયા વેરો, પાણીનાં જોડાણ જેના નામે છે પરંતુ એ વ્યકિત સ્થળ પર રહેતી નથી તેવી ૬૩૫ મિલકતોનો ૧૨,૬૨,૬૮૦ રૂપિયાનો વેરો અને સરકારી જમીનમાં દાખલ થયેલ મિલકતો જે હાલ સ્થળ પર નથી તેવી ૧૪૨ મીલકતોનો ૮,૧૩,૮૮૭ રૂપિયાનો વેરો જેમાં શિક્ષણ ઉપકર પણ સામેલ છે. આટલી રકમનો વેરો કતારગામ ઝોનના આકારણી દફતરમાંથી રદ કરવામાં આવનાર છે.