• Gujarati News
  • સાવરકુંડલા એએસપી કચેરીનો કલાર્ક જાલીનોટ સાથે ઝડપાયો

સાવરકુંડલા એએસપી કચેરીનો કલાર્ક જાલીનોટ સાથે ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકા પોલીસે આજે વજપિડી ગામે એક મુસ્લિમ શખ્સના ઘરમાં દરોડો પાડી બે શખ્સોને રૂપિયા એક હજારના દરની બનાવટી ૧૨ નોટ અને રૂપિયા ૫૦૦ ના દરની એક બનાવટી નોટ સાથે ઝડપી લીધા હતા. પોલીસની પુછપરછમાં એવી ચોંકાવનારી વગિત ખુલી હતી કે દેશના અર્થતંત્રને ખોખલા કરતા આ ભયંકર ષડયંત્રમાં અમરેલીના ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયાનો ભાણેજ એવો સાવરકુંડલાની એએસપી કચેરીનો કલાર્ક તથા દ્રારકાનો એક મુસ્લિમ શખ્સ પણ સંડોવાયેલ છે.
સાવરકુંડલા તાલુકા પોલીસને વજપિડીનો દિલાવર નનુ ચૌહાણ નામનો શખ્સ જાલી નોટનુ કૌભાંડ ચલાવતો હોવાની બાતમી મળતા પીએસઆઇ એસ.એન.જાડેજાએ સ્ટાફ સાથે અહી દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન અહીથી દિલાવર નનુ ચૌહાણ ઉપરાંત રમઝાન બહાઉદીન શમા નામના શખ્સો પાસેથી રૂપિયા એક હજારના દરની ૧૨ તથા રૂપિયા ૫૦૦ ના દરની એક બનાવટી નોટ સાથે બંનેની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન બંનેએ એવી ચોંકાવનારી કબુલાત આપી હતી કે આ જાલી નોટ કૌભાંડમાં સાવરકુંડલાના એએસપી કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા જે.વી.પટેલ અને દ્રારકાના ગફારશા ભીખુશા રફાઇ નામના ફકીર શખ્સની પણ સંડોવણી છે. બંને શખ્સોએ પોલીસ કલાર્ક જે.વી.પટેલને સાથે લઇ દ્રારકાના ગફારશા ફકીર પાસેથી આ જાલીનોટ મેળવી હતી. અત્યાર સુધીમાં રૂ.૫.૩૦ લાખની બનાવટી ચલણી નોટ લઇ આવી સાવરકુંડલા પંથકમાં વહેતી મુકી દીધી હતી. પોલીસ કલાર્ક જે.વી.પટેલ એટલે કે જગદીશ વલ્લભ ઝાલાવડીયા અમરેલીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ નારણભાઇ કાછડીયાનો કૌટુબિક ભાણેજ થાય છે.