• Gujarati News
  • થાનમાં થયેલાં પોલીસદમનથી જિલ્લામાં જનાક્રોશ

થાનમાં થયેલાં પોલીસદમનથી જિલ્લામાં જનાક્રોશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નેટવર્ક
થાનમાં થયેલાં પોલીસદમન મુદ્દે જનતામાં જનાક્રોશ વ્યાપી ગયો છે. સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યાં.
બાવળા: સુરેન્દ્રનગરના થાનમાં પોલીસે દલિતોની ફરિયાદ ન લેતા થયેલા પથ્થરમારા બાદ પોલીસે કરેલા સીધા ગોળીબારમાં ત્રણ દલિત નવ યુવાનોના મોત થતાં સમગ્ર દલિત સમાજમાં પોલીસ અને સરકાર વિરોધમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. બાવળા તાલુકા દલિત સમાજ દ્વારા બાવળા સજજડ બંધ રખાવ્યું હતું. અને શહેરમાં વિશાળ સંખ્યામાં ભાઇઓ, બહેનો, યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ કેસમાં પોલીસ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનના મેળામાં ભરવાડ સમાજ અને દલિત સમાજ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં દલિતોની ઇજાઓ પહોંચતા તેઓ પોલીસ ભેગો થઇને પોલીસ સામે આવી ગયા હતા અને પથ્થરમારો થયા બાદ પોલીસે સીધો ટોળા ઉપર બે દિવસ ફાયરિંગ કરતા ત્રણ દલિત યુવાનોના મોત થવા પામ્યા હતા. જેનો પડઘો આખા ગુજરાતના દલિત સમાજ ઉપર પડ્યો હતો.
બાવળા તાલુકા દલિત સમાજ દ્વારા બાવળા બંધનું એલાન આપવાનું નક્કી કરી દલિત સમાજનું પ૦૦થી વધારે માણસોનું ટોળું સવારે સાત વાગ્યાથી સરકારી દવાખાના સર્કલ આવી ગયું હતું અને શટલરિક્ષાઓ, એસ.ટી. બસો અને અન્ય વાહનોમાં કંપનીઓમાં નોકરી કરવા જતાં માણસોને વાહનોમાંથી નીચે ઉતારી દઇને વાહનો કાઢી મુકતા હતા. કોઇને સવારથી નોકરીએ જવા દીધા નહોતા. તેમજ સાણંદ રોડ, ધોળકા રોડ સર્કલ ઉપરની તમામ દુકાનો, લારી-ગલ્લા બંધ કરાવી દીધા હતા. ત્યાંથી ઝાંપલીખાડ વિસ્તારમાં દલિતો વિશાળ સંખ્યામાં ભેગા થયા હતા. દલિત નેતાઓએ યુવાનોને અહિઁસક રેલી કાઢવા અને દુકાનો બંધ કરાવવા જણાવ્યું હતું.
ત્યાંથી વિશાળ સંખ્યામાં રેલી નીકળી હતી. રેલી ઝાંપલીખાડથી સંતઆશ્રમ, ટાવરચોક, પક્ષીભુવન, મુખ્યબજાર, નવી બજારનો ઢાળ, શાંતિનગર સર્કલ, ઢેઢાળ ચોકડી, હાઇવે વિસ્તાર, સ્ટેશન રોડ થઇને નગરપાલિકામાં અને ત્યાંથી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. રેલીમાં પોલીસ આતંકવાદી છે, પોલીસ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધક હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. બહેનોએ પણ મોદી અને પોલીસ વિરુદ્ધ છાજિયા લીધા હતા. બાવળા મામલતદાર કેતકીબેન વ્યાસ અને ઇનચાર્જ ડીવાયએસપી આર.કે.પટેલને દલિત નેતાઓએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે બાવળા તાલુકાના સમસ્ત દલિતો વતી આ ન્úવંશ હત્યાકાંડ કરનાર સુરેન્દ્રનગર ડીએસપી રાઘવેન્દ્ર વત્સ, પીઆઇ, પીએસઆઇ પોતે આ હત્યાકાંડને અંજામ આપવા દોષિત હોઇ અને તેમના પોલીસ કર્મચારીઓ જેણે ફાયરિંગ કરી ત્રણ નિર્દોષ નવયુવાન દલિતોની હત્યાઓ કરી છે. તેમની વિરુદ્ધ ૩૦રની કલમ અને એટ્રોસિટી એકટની કલમ મુજબ એફઆઇઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મૃત્યુ પામનાર દલિતોને અને અસર ગ્રસ્ત દલિતોને વ્યકિતગત પાંચ લાખની સહાય જાહેર કરવામાં આવે તેવી માગણી કરી છે. જો તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમસ્ત ગુજરાતના દલિતો આ બાબતે એકઝૂટ થઇને આગળ આંદોલનાત્મક કાર્યક્રમો આપતાં અચકાશે નહિ તેવી ચીમકી આપી હતી. આવેદનપત્ર આપ્યા બાદ પોલીસ અને નરેન્દ્રમોદી વિરુદ્ધ હાય હાયના નારા સાથે મામલતદાર કચેરી ગજવી મુકી હતી. બાવળામાં છેલ્લા ઘણા વર્ષો બાદ સજજડ બંધ રહેવા પામ્યું હતું. જેમાં તમામ દુકાનો, લારી-ગલ્લા, ચાની કીટલીઓ, પેટ્રોલપંપો, શાળાઓ બંધ રહી હતી. બેંકો, દવાખાના, મેડિકલ સ્ટોરો અને સરકારી કચેરીઓ ચાલુ રહેવા પામી હતી. વિશાળ સંખ્યામાં રેલી નગરપાલિકા કચેરીમાં આવતા કચેરીમાં મોટું નરેન્દ્રમોદીનું પોસ્ટર લગાવેલું હતું તે ટોળાએ તોડી નાંખીને સળગાવ્યું હતું.
તેમજ બસસ્ટેશન બહાર પણ લગાવેલું નરેન્દ્રમોદીનું પોસ્ટર તોડી નાંખી સળગાવ્યું હતું અને મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી અને બંધ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ધોળકાના ઇનચાર્જ ડીવાયએસપી આર.કે.પટેલ, ધોળકા સીપીઆઇ વ્યાસ, બાવળા પીએસઆઇ સી.એ.પરમાર, બાવળા પ્રોહિબશિન પીએસઆઇ એ.વાય. બલોચ, બાવળા પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઇ ગયો હતો. અને બાવળામાં પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. બાવળા નગરપાલિકામાં કામ કરતા સફાઇ કામદારો પણ બંધમાં જોડાયા હતા અને સફાઇ કરવા આવ્યા નહોતા. નગરમાં સાફ-સફાઇથી કામદારો અળગા રહ્યા હોવાથી નગરમાં સાફ-સફાઇ થઇ ન હોવાથી ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા.
સાણંદ: સુરેન્દ્રનગર જિલ્લાની ઘટનાના પ્રત્યાઘાતો સાણંદમાં પણ જોવા મળ્યા હતા. દલિત હત્યા પ્રકરણ મુદે સાણંદ શહેરનાં એસ.ટી. સ્ટેન્ડ નજીકથી સૂત્રોચ્ચાર સાથે રેલીસ્વરૂપે મોટી સંખ્યામાં દલિતો જોડાઇ સાણંદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.સાણંદના આંબેડકરચોકથી રેલીમાં ન.પા.સદસ્ય બીડી વાણિયા, ન.પા.વપિક્ષના નેતા ધર્મેશભાઇ બી.વાઘેલા, સદસ્ય ઘનશ્યામસિંહ વાઘેલા, મગનભાઇ જાદવ, અશિ્ર્વન વાઘેલા, અશિ્ર્વનભાઇ સોલંકી, ધુડાભાઇ વાણિયા, વૃશાંક વાણિયા સહિત અન્ય દલિત આગેવાનો મોટી જોડાયા હતા.
રેલીએ સમગ્ર રસ્તામાં પ્લેકાર્ડ તેમજ સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદિર્શત કરી મૃતકના પરિવારજનોને રૂ.૧૦-૧૦ લાખની રકમ મળે તેવી રજૂઆતો કરતું આવેદનપત્ર સાણંદ મામલતદારને આપ્યું હતું.
ધંધૂકા: થાનમાં પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનોનું મૃત્યુ થયું તે બનાવને ધંધૂકા તાલુકા દલિત સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે.ધંધૂકા શહેર તેમજ ધંધૂકા તાલુકા દલિત સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી તથા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મૌન રેલી ધંધૂકા હઇાવે સર્કલથી કાઢવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી મૌન રેલી ધંધૂકા મામલતદાર કચેરીએ આવી હતી, જયાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બોટાદ: થાનગઢમાં ચાર દિવસ પુર્વે પોલીસ અને દલિતો વચ્ચે થયેલ ઘર્ષણમાં ત્રણ શિક્ષિત યુવાનોની હત્યા બાબતે આજરોજ બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.આજરોજ બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી સ્વરુપે બોટાદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભોગ બનેલા યુવાનોના માતા પિતાને બે બે લાખ આર્થીક સહાય આપવામાં આવેલ છે તે સહાય વધુ મળે તેમજ આ ત્રણ કુટુંબના વારસદારોને સરકારી નોકરી આપવી, જમીન વહિોણાને જમીન ફાળવવી, તેમજ સરકારશ્રી તરફથી જે વિશેષ સહાય મળે તે આપવા આવેદનપત્રમાં જણાવેલ છે. તેમજ પોલીસ અધિકારીએ કાયદા વિરુધ્ધ કાર્યવાહી કરેલ હોઇ તેની સામે પગલા લેવા માંગણી કરી હતી. આવેદનપત્રમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતાં જેમાં વિôલભાઇ વાજા, નારણભાઇ મેટાલીયા, કાનજીભાઇ મેર, બપિીનભાઇ પારેખ, રમેશભાઇ વાજા, અમૃતભાઇ કલેવડા તથા બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બરવાળા: રાણપુર શહેર અને તાલુકાના દલિત આગેવાનો દ્વારા પણ થાનમાં થયેલાં પોલીસદમન મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથો-સાથ આ મુદ્દે તંત્રના વિરોધમાં મૌન રેલી કાઢવામાં આવી. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને વળતર આપવાની તેમજ દોષિત પોલીસકર્મીઓ સામે કાયદેસરના પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.