• Gujarati News
  • મિલકતવેરાના મામલે વ્યાપક આક્રોશ

મિલકતવેરાના મામલે વ્યાપક આક્રોશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગાંધીનગર
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને શાસન ધૂરા સોંપ્યા પછી શહેરવાસીઓની સુવિધામાં વધારો થવાના બદલે દુવિધા વધે તેવા ભાજપની રાજ્ય સરકારના એક પછી એક પગલાનાં કારણે અને છેલ્લે શરૂ થયેલી મિલકતવેરાની મન ઘડંત વસૂલાતના મુદ્દે વ્યાપેલો આક્રોશ જન આંદોલન જાગવાના એંધાણ આપી રહ્યો છે. શહેરની આગેવાન સંસ્થાઓના હોદ્દેદારોની બનેલી પગલા સમિતિએ આખરે વેરો ઘટાડવામાં આવે અને ફેર આકારણી થાય તે માટે લડત ચલાવવા નિર્ણય લીધો છે. તેના પ્રથમ ચરણમાં દરેક સેકટરમાં લોક દરબાર યોજીને પ્રત્યેક મિલકતધારકને ઢંઢોળવા અને લડતમાં સામેલ થવા સમજાવાશે.
સમિતિના અરૂણભાઇ બુચ, લવજીભાઇ વાડિયા, જયંતભાઇ ભટ્ટ, રાજેન્દ્રભાઇ પારેખ, લતાબેન ચોકસી, રજુજી ગોલ, શી. દે. ગોસ્વામી, એસ. ડી. આર. મલિક અને ચેતનાબેન બુચ સહિતના અગ્રણીની આ મુદ્દે મળેલી વિશેષ બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવાયો હતો. તેઓએ એક અવાજે કહ્યું કે મિલકત વેરાના મામલે મહાપાલિકા અને સરકારે નાગરિકો સાથે વચનભંગ અને છેતરપિંંડી કર્યા છે. કાનૂની અને ગંભીર વહીવટી અનિયમિતતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વેરો ભરવામાં એક પણ નાગરિક પાછી પાની કરવા માગતાં નથી પરંતુ આકારણીમાં અસંખ્ય અને અન્યાયી છબરડાં વાળવામાં આવ્યાં છે. આ પ્રક્રિયાને યોગ્ય કરવાની માંગણી મુખ્યમંત્રીથી લઇને મુખ્ય સચિવ અને મેયરથી લઇને મ્યુનિ. કમિશનર સમક્ષ અનેકવાર દોહરાવાયા પછી તેઓ માત્ર રાજકારણ રમતાં રહ્યાં હોવાથી પ્રજાએ અન્યાય વેઠવોપડી રહ્યો છે.
હવે દરેક સેકટરમાં એકથી વધુ નાગરિક સભા બોલાવાશે, તેમાં પ્રજાને થયેલા અન્યાયને આલેખતી પત્રિકાનું વિતરણ કરાશે. લોકોએ કરેલી કે કરવા ધારેલી વાંધા અરજીની વિગતો એકત્ર કરીને સામૂહિક રજૂઆત કરાશે અને વેરા વસૂલાત સંબંધમાં કાનૂની સલાહ લેવાશે. સાથોસાથ નગરની તમામ સ્વૈિચ્છક સંસ્થાની યાદી અધ્યતન કરીને તે દરેકને આ અભિયાનમાં જોડાવા કહેવાશે. પ્રથમ તબક્કે પ્રશ્નનું
યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી વેરા વસૂલાત સ્થગિત રાખવાની માગણી કરાશે. જો આ પગલાં પછી તંત્ર સમાધાનની ભૂમિકા પર ન આવે તો જલદ્દ આંદોલન છેડવાનો વિચાર કરાશે.

પાડા (કોંગ્રેસ-ભાજપ)નાં વાંકે પખાલી (પ્રજા)ને ડામ દેવાય છે : અગ્રણીઓ
આગેવાનોની બેઠક દરમિયાન દરેક વ્યક્તિનો મુખ્ય સૂર એ હતો કે સમગ્ર મામલામાં પાડાના વાંકે પખાલીને ડામ, કે આખલાની લડાઇમાં વાછરડાનો ખો નીકળવા જેવી સ્થિતિનું સર્જન થયું છે. ભાજપના પ્રયાસો કોંગ્રસ ભૂંડી દેખાય તેવા અને કોંગ્રેસના પ્રયત્નો ભાજપ બદનામ થાય તેનાથી વિશેષ નથી. બન્ને પૈકી એકેય ને પ્રજાનું શું થાય છે, તેની સાથે કોઇ લેવા દેવા રહી નથી.