ફ્રોમ ધ રૂલ બુક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં કયા સામજિક કાયદા અમલમાં છે?
રાજ્યમાં સમાજના અનિષ્ટોથી રક્ષણ કરવા, નિરાધાર બાળકો, મહિલાઓ, વિકલાંગો, વૃદ્ધોના રક્ષણ-સંભાળ માટે સમાજ સુરક્ષા ખાતું કાર્યરત છે અને તે કેટલાક સામાજિક કાયદાઓનો અમલ કરાવે છે.આ કાયદાઓમાં પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ, ભિક્ષા પ્રતબિંધક ધારો,અનાથાશ્રમ અને અન્ય સખાવતી સંસ્થાઓ(દેખરેખ અને નિયંત્રણ)ધારો,બાળલગ્ન અટકાયત ધારો,બાળ ન્યાય(સંભાળ અને રક્ષણ) ધારો,વિકલાંગ (સમાન તક,અધિકારોનું રક્ષણ,પૂર્ણ ભાગીદારી) ધારો,નેશનલ ટ્રસ્ટ એકટ,ભારતીય પુન:વસન સંસ્થાન ધારો,ધી મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એકટનો સમાવેશ કરાયો છે.

ઓફ ધ રેકોર્ડ
૨૬થી ૨૮ સુધી ગુજરાત ભાજપમાં મીની વેકેશન!
૧૧મી સપ્ટેમ્બરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિવેકાનંદ યુવા વિકાસયાત્રા લઈને ચૂંટણીલક્ષી જાહેરાતોની લહાણી કરતાં રાજ્યભરમાં ફરી રહ્યા છે.પરિણામ સ્વરૂપ રાજ્યમાં ચૂંટણીનો માહોલ પણ જામી ગયો છે. પણ હવે મોદી ૨૬મીએ રાષ્ટ્રીય કારોબારીની બેઠકરમાં જશે. જ્યારે ભાજપની આગલી હરોળના નેતાઓ ૨૬મીથી ૨૮મી સુધીના ત્રણ દિવસ માટે હરિયાણા ખાતેની ભાજપની રાષ્ટ્રીય કારોબારી,પરિષદની બેઠકમાં ભાગ લેવા રવાના થશે અને તેની સાથે જ મોદીયાત્રા સામે પણ ‘અલ્પવિરામ’મુકાશે.જેને લઈ ભાજપના જ કાર્યકરો-આગેવાનો હાશકારો અનુભવી રહ્યા છે.તેનું કારણ પૂછતાં તેઓ સહેજભાવે બોલી જાય છે.ભઈ,ગુજરાત ભાજપમાં ત્રણ દિવસ માટે મીની વેકેશન છે.

રિયલ એન્કાઉન્ટર
મોટો સવાલ : ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યમાં ચોમેર વિકાસના દાવા કરી રહ્યા છે. પરંતુ આ દાવાઓમાં ખરેખર કેટલી સચ્ચાઈ છે?
આર.સી. ફળદુ
પ્રદેશ પ્રમુખ, ભાજપ
^ગુજરાત એક એવું રાજ્ય છે કે, જયાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતીકા લાગે છે. છ કરોડ લોકોના દિલ ઉપર તેઓ રાજ કરે છે. દેશમાં એક પણ રાજ્ય એવું નથી કે જે વિકાસના મુદ્દે ગુજરાત સાથે હરીફાઈ કરી શકે.ગુજરાતનો વિકાસનો મંત્ર માત્ર દેશ નહીં દુનિયામાં પણ મોદીએ ગુંજતો કર્યો છે.

ગોરધન ઝડફિયા
મહામંત્રી, ગુજરાત પરિવર્તન પાર્ટી
^ પાંચ વાઈબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પ્રમાણે કુલ ૩૯.૬૦ લાખ કરોડનું રોકાણ થવાનું હતું પણ હજુ સુધી ૧.૮૫ લાખ કરોડનું રોકાણ થયું. અથૉત ૪.૫ ટકા રોકાણ થયું, ૯૫ ટકા જુઠ્ઠાણું ! ૧.૧ કરોડને રોજગારી મળવાની હતી પણ માત્ર ૨.૯૮ લાખને રોજગારી મળી, અથૉત્ ૯૭ ટકા જુઠ્ઠાણું !

એક નજર
ગુજરાત ભાજપની વેબસાઈટનું નવીનીકરણ
ગાંધીનગર : ભાજપની ઓફિસિયલ વેબસાઈટનું સંપૂર્ણ નવીનીકરણ કરાયું છે. હવેથી આ નવી વેબસાઈટ પરથી ગુજરાત ભાજપની તમામ વિગતો મેળવી શકાશે.આ વેબસાઈટના માધ્યમથી ભાજપના મુખપત્ર મનોગત,ભાજપની પ્રેસનોટ,મુખ્યમંત્રીની ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ સાથે પણ સતત સંપર્ક રાખી શકાશે, એમભાજપના આઈ.ટી.સેલના કન્વીનર રાજીકા કચેરિયાએ જણાવ્યું હતું.
કોંગી અગ્રણીઓ થાનની રૂબરૂ મુલાકાતે જશે
ગાંધીનગર : થાનમાં દલિત યુવાનોના મૃત્યુથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને કેમ્પેઈન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલા મંગળવારે શોકમગ્ન પરિવારની રૂબરૂ મુલાકાતે જાય તેવી શકયતા છે. કોંગી આગેવાનો મૃતકોના પરિવારજનોને રૂ. ૧ લાખની સહાયના ચેક પણ અર્પણ કરશે.
પ.રેલવેનું વડુંમથક અમદાવાદ ખસેડવા રજુઆત
ગાંધીનગર : ભાજપના સાંસદ હરીન પાઠકે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મહેશકુમાર સાથે સાંસદોની બેઠક દરમ્યાન ગુજરાતના રેલવે સંબંધિત સંખ્યાબંધ પ્રશ્નોની વિગતો સાથેનું આવેદનપત્ર આપીને તેના ઉકેલ માટે રજુઆત કરી હતી. તેમણે કરેલી રજુઆતમાં પશ્ચિમ રેલવેનું વડું મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગ કરાઈ છે. ગુજરાતના છ ડિવઝિનોનું એક નવી ઝોનલ ઓફિસ અમદાવાદ ખાતે તાત્કાલિક શરૂ કરવાની પણ તેમણે માંગણી કરી હતી.