• Gujarati News
  • ૧૮ વર્ષથી ઉપરના દર્દીને પણ થેલેસેમિયાની ફ્રી સારવાર

૧૮ વર્ષથી ઉપરના દર્દીને પણ થેલેસેમિયાની ફ્રી સારવાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ શાળાના વિદ્યાર્થીઓને સરકાર તરફથી વિનામૂલ્યે સારવાર અપાતી હતી. પરંતુ તાજેતરમાં જ સરકારે થેલેસેમિયાના ૧૮ વર્ષથી ઉપરના દર્દીને પણ સારવાર આપવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં પરંતુ તેઓ બીપીએલ કાર્ડ નહીં ધરાવતા હોય તો પણ સારવાર અપાશે. દર્દીના સગાંની રજુઆતના પગલે સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે.
સરકારના આ નિર્ણય પહેલાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તો માનવતા ખાતર આ અંગેની સારવાર દરેક વયની વ્યકિતને અપાતી જ હતી. તેની પાછળ સિવિલ હોસ્પિટલમાં વર્ષે-દહાડે એક કરોડની રકમ ખર્ચવામાં આવે છે. તેમાંથી સરકાર તરફથી તો માત્ર ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી.
થેલેસેમિયાના કેસોમાં સતત વધારો નોંધાતો જાય છે. આ રોગની સારવાર અતિ ખર્ચાળ હોવાથી સામાન્ય માણસ માટે તો તે ઘણું કપરું છે. આ સારવાર સરકારી હોસ્પિટલમાં માત્ર સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત હેઠળ જ વિનામૂલ્યે અપાતી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સારવાર દરેક વર્ગના દર્દીને અપાતી હતી. જેના કારણે ગુજરાતભરમાંથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો થતો હતો. મે-૧૨ સુધીમાં સિવિલમાં આ રોગના ૨૩૯ દર્દીઓ નોંધાયેલા છે. ૧લી એપ્રિલથી ૧૮મી સપ્ટેમ્બર-૧૨ સુધીમાં ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ થવા પામ્યો છે.

રોગી કલ્યાણ સમિતિ સારવારનો ખર્ચ ઉઠાવશે
રાજ્યના આરોગ્ય વિભાગે તા.૧૭મી જુલાઇના રોજ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોને થેલેસેમિયાના ૧૮ વર્ષથી ઉપરના અને બીપીએલ કાર્ડ નથી તેવા દર્દીને નિ:શુલ્ક દવા પૂરી પાડવા માટે સરકારે ૨૦૧૨-૧૩માં ૧૦૦ લાખની જોગવાઇ કરી છે. હાલ આ રકમ રોગી કલ્યાણ સમિતિમાંથી ખર્ચવી.
સરકાર પહેલાં સિવિલે પહેલ કરી હતી
સિવિલ હોસ્પિટલમાં કુલ ૨૩૯ થેલેસેમિયાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાંથી ૨૨૮ દર્દીઓ ૧૮ વર્ષની નીચેની વયના છે. જ્યારે ૧૯ દર્દીઓ ૧૮ વર્ષથી ઉપરની વયના છે. આ દર્દીઓ પૈકી ૧૬૭ બાળક તથા ૭૨ બાળકીઓ છે. આ દર્દીઓ પૈકી ૧૮ વર્ષથી વધુ વયના દર્દીઓને સરકારે હવે વિનામૂલ્યે સારવાર આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તો કયારની શરૂઆત કરી દેવામાં આવી છે.
દર મહિને ૨૫૦ લોહીની બોટલો ચડાવાય છે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની સારવાર લેતા દર્દીઓને સપ્તાહમાં બે દિવસ સોમ અને ગુરુવારના રોજ બપોર પછી બ્લડ ચડાવવામાં આવે છે. દર મહિને લગભગ ૨૫૦ જેટલી લોહીની બોટલો આ દર્દીઓને સિવિલ હોસ્પિટલ તરફથી ચડાવાય છે.

સીધી
વાત
એમ. એમ. પ્રભાકર
સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની સારવાર કેટલા સમયથી અપાય છે ?
સિવિલ હોસ્પિટલમાં શરૂઆતથી જ સારવાર અપાય છે.
આ સારવાર પાછળ વર્ષે દહાડે કેટલો ખર્ચ થતો હશે? સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે? બાકીની રકમ રોગી કલ્યાણ સમિતિમાંથી વપરાય છે ?
વર્ષે દહાડે એક કરોડ જેટલો ખર્ચ થાય છે. સરકાર તરફથી ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. બાકીની ગ્રાન્ટ સિવિલને મળતી ગ્રાન્ટમાંથી ફાળવાય છે. આ દવા ગુજરાતમાં માત્ર અમે જ આપતા હતા.
હવે ૧૮ વર્ષથી ઉપરના તથા બી.પી.એલ. કાર્ડ નહીં ધરાવતા દર્દીઓને સારવાર અપાશે ?
જ. અમારે ત્યાં ૨૦૧૦થી જ તમામ દર્દીઓને ફ્રી સારવાર અપાતી હતી.