• Gujarati News
  • અદાણીએ કન્સલ્ટન્ટ અનિરુદ્ધ સામે ક્રાઇમબ્રાન્ચમાં અરજી કરી

અદાણીએ કન્સલ્ટન્ટ અનિરુદ્ધ સામે ક્રાઇમબ્રાન્ચમાં અરજી કરી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનસીપીના નેતા જયંતી ગોહિલના ગુમ થવા પાછળ ઉદ્યોગપતિ ગાૈતમ અદાણીનો હાથ હોવાથી તેની ટૂંક સમયમાં જ ધરપકડ થશે તેવું પોતાના બ્લોગ પર લખનાર વડોદરાના શેર માર્કેટ કનસલટન્ટ અનિરુદ્ધ શેટી સામે અદાણી જુથે ક્રાઇમબ્રાન્ચમાં અરજી આપી ફરિયાદ કરી છે. અનિરુદ્ધે ગાૈતમ અદાણીને બદનામ કરવા માટે અને ખાસ કરીને શેરોના ભાવ ગગડે તે હેતુથી બ્લોગ પર લખ્યું હોવાનો આક્ષેપ અદાણી જુથ તરફથી કરાતા ક્રાઇમબ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
જયંતી ગોહિલ શંકાસ્પદ સંજોગોમાં નવરંગપુરાથી ગુમ થયા હતા. તે સમયે વડોદરાના અનિરુદ્ધ શેટીએ પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, જયંતીના ગુમ થવા પાછળ ગાૈતમ અદાણીનો હાથ છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ થવાની છે. આ લખાણના કારણે અદાણી જુથના અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને અદાણી પોર્ટના શેરના ભાવ તૂટી ગયા હતા, જેના કારણે અદાણી જુથને ભારે નુકસાન થયું હતું. બીજી બાજુ બે દિવસ પહેલાં જયંતી ગોહિલ પરત આવી ગયા હતા.
આ ઘટનાક્રમ બાદ અદાણી જુથના લીગલ સેલે ક્રાઇમબ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો અને અનિરુદ્ધ શેટીના લખાણ અને તેનાથી તેમની થયેલી બદનામી અને આર્થિક નુકસાનની રજુઆત કરી હતી. બાદમાં અદાણી જુથે વડોદરાના આ શેરબ્રોકર સામે ક્રાઇમબ્રાન્ચમાં લેખિત ફરિયાદ આપી હતી. અદાણી જુથના લીગલ સેલ તરફથી અનિરુદ્ધ શેટી સામેની અરજી મળ્યા બાદ તેઓ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહ્યા છે. જો અદાણી જુથે કરેલા આક્ષેપોમાં આઇપીસીની ધારાઓ અંતર્ગત ગુનો બનતો હશે તો તેઓ શેરબ્રોકર અનિરુદ્ધ શેટી સામે ગુનો નોંધશે.

‘મને પૂછપરછ માટે પોલીસે શુક્રવારે બોલાવ્યો છે’
^ મેં કોઈ બદઈરાદાથી બ્લોગ પર અદાણી વિષે લખ્યું ન હતું. મેં માર્કેટમાં થતી વાતો જ બ્લોગ પર લખી હતી. મારા લખવાથી તેમના શેરના ભાવ તૂટયા હોય તેવુ લાગતું નથી. જો કે ક્રાઈમ બ્રાન્ચે આ સંદર્ભે પૂછપરછ માટે મને શુક્રવારે બોલાવ્યો છે. આ બાબતે આગળ શું કરવું તે નક્કી કર્યા બાદ હું ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જઈ મારો જવાબ લખાવીશ.’
- અનિરુદ્ધ શેટી, માર્કેટ કન્સલટન્ટ