ન્યૂઝ ઇનબોકસ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂડ એન્ડ સેફટી એકટના વિરોધમાં ચૂડાના વેપારીઓએ બંધ પાળ્યો
સુરેન્દ્રનગર & કેન્દ્ર સરકારના ફૂડ એન્ડ સેફટી એકટના મુદ્દે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે ત્યારે ચુડા વેપારી મહામંડળ દ્વારા પણ વિરોધ દર્શાવ્યો હતો.ફૂડ એકટમાં આવતા ચુડાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી કાઢી ચુડા મામલતદાર કચેરીએ જઇ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આ રેલીમાં ચુડા વેપારી મહામંડળના પ્રમુખ સદરૂદીનભાઇ બાઘડિયા તેમજ મહપિતભાઇ પરમાર, દવનુભાઇ શાહ, રમેશભાઇ શેઠે મામલતદાર પારૂલબેનને મળી રજૂઆત કરી હતી અને જો કાયદાનો અમલ મોકુફ રાખવામાં નહી આવે તો વધુ આંદોલનકારી કાર્યક્રમ વેપારી મંડળ કરશે તેવી ચીમકી આપી હતી.

ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન
સુરેન્દ્રનગર & જય ગોપાલ યુવા ગ્રૂપના ઉપક્રમે તા.૧૫ જુલાઇના રોજ રંભાબેન ટાઉનહોલ ખાતે જિલ્લાના ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધો.૧૦, ૧૨ અને કોલેજ કક્ષાએ સારા ગુણથી પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.આ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, બોલપેન અને મોમેન્ટો આપી ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાબાભાઇ ભરવાડ, સંગ્રામભાઇ મેવાડા, પ્રો. જીવણભાઇ ડાંગર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે જયગોપાલ યુવા ગ્રૂપના પ્રમુખ ગોપાલભાઇ હાડગડા, વેલાભાઇ સભાડ, ગોપાલભાઇ લામકા, રાજુભાઇ લાંબરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

બજાણાની યુવતીને ભગાડી જવાના મામલે પાંચ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ
પાટડી& પાટડી તાલુકાના બજાણા ગામે યજમાન વૃતિનું કામ કરતા શખ્સની દીકરીને ગામનો એક શખ્સ લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આથી યુવતીના પિતાએ બજાણા ગામની એક મહિલા સહિત કુલ પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પાટડી તાલુકાના બજાણા ગામે રહેતા અને યજમાન વૃતિનું કામ કરતા પરિવારની દીકરીને ગામમાં જ રહેતો હસમુખભાઇ નરશીભાઇ ચાવડા લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી લઇ ગયો હતો. આથી દીકરીના પિતાએ ગામમાં જ રહેતા હસમુખભાઇ નરશીભાઇ ચાવડા, મુકેશભાઇ લાલજીભાઇ ચાવડા, લાલજીભાઇ કુબેરભાઇ ચાવડા, મૂળજીભાઇ ડુંગરભાઇ ચાવડા, લક્ષ્મીબેન નરશીભાઇ ચાવડા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધી નાસી છુટેલા શખ્સોને શોધવા વધુ તપાસ પી.એસ.આઇ. કે.એમ.ગઢવી ચલાવી રહ્યા છે.

ચૂડામાં ઉકરડા બાબતે લાકડી વડે હુમલો
સુરેન્દ્રનગર & ચૂડા ગામની વજિયનગર સોસાયટીમાં ઉકરડા બાબતે બે શખ્સ વચ્ચે બોલાચાલી થઇ હતી.આ મામલો ઉગ્ર બનતા એક શખ્સે લાકડી વડે તૂટી પડતા બીજા શખ્સને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ચૂડા ગામમાં નજીવી બાબતે મારામારીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે ત્યારે ચૂડાની વજિયનગર સોસાયટીમાં રહેતા માવજીભાઈ વિôલભાઈ કોળીને ઉકરડો કેમ લીધો નથી તેમ કહીં કાબાભાઈ વાઘાભાઈ ભરવાડે બોલાચાલી કરી હતી.આથી ઉશ્કેરાયેલા કાબાભાઈ ભરવાડે લાકડીથી માવજીભાઈ ઉપર હુમલો કરતા આડેધડ લાકડીઓના ઘા ઝીંકી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે ચૂડા પોલીસ મથકે માવજીભાઈએ પોલીસ ફરિયાદ કરતા વધુ તપાસ સી.કે.પટેલિયા ચલાવી રહ્યાં છે.

થાનમાં લાયન્સ કલબના પ્રમુખની વરણી કરાઈ
થાન& થાન તથા આજુબાજુના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિના આશયથી ચાલતી લાયન્સ કલબના વર્ષ ૨૦૧૨-૧૩ના પ્રમુખ માટેની બિનહરીફ વરણી રવિવારે બ્રહ્નસમાજની વાડી, થાન ખાતે કરાઇ હતી. આ પ્રસંગે લાયન્સ કલબના ગવર્નર ભાવનાબેન કોઠારી, પૂર્વ ગવર્નર રમેશભાઇ પટેલ, ધીરૂભાઇ રાણપરીયા તથા સભ્યોની ઉપસ્થિતિમાં રાજેન્દ્રભાઇ બી. ઠક્કરની પ્રમુખ તરીકે સવૉનુમતે વરણી કરાઇ હતી.આ કાર્યક્રમમાં કિશોર રંગપરીયા, અશોક શાહ, ડો. મેંઢા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.