• Gujarati News
  • લીંબડીમાં શાળાના સમય પ્રશ્ને છાત્રોનાં ધરણાં

લીંબડીમાં શાળાના સમય પ્રશ્ને છાત્રોનાં ધરણાં

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી શહેરમાં નવા શિક્ષણ સત્રથી હાઇસ્કૂલોનો સમય બપોરનો થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. શાળાનો સમય રાબેતા મુજબનો સવારનો કરવા અંદાજે ૨૫૦૦થી વધુ છાત્રો છેલ્લા ૧૫ દિવસથી શાળાના અભ્યાસથી અળગાં રહી હડતાલ પર છે. મંગળવારે તમામ છાત્રોએ પોતાની શૈક્ષણિક સંસ્થાઓના પટાંગણમાં ધરણાં કરી શાળાનો સમય જૂના સમય મુજબ કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી.
લીંબડી શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અંદાજે ૧૨૦૦થી વધુ છાત્રો અભ્યાસઅર્થે દરરોજ અપડાઉન કરે છે. શાળાના નવા સત્રથી તંત્ર દ્વારા શાળાનો સમય બપોરનો થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારના છાત્રોને હાલાકી ભોગવવીપડે છે. બપોરે સ્કૂલ તરફ આવવા તથા સાંજે પરત જવા ગામડાઓની બસ ન હોવાથી ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને જવુ પડે છે. શાળાના સમયમાં ફેરફાર થતા છાત્રોને ગૃહકામ, ટ્યૂશનનો સમય ન રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડે છે ત્યારે મંગળવારે લીંબડીની સર જે. હાઇસ્કૂલ, જી.એસ કુમાર વિધ્યાલય અને જી.કે.મંડળ મળી ત્રણ શૈક્ષણિક સંસ્થાના છાત્રોએ શાળાના પટાંગણમાં બેસી એક દિવસના ધરણાં કર્યા હતા. જોકે, આ પ્રશ્ન માત્ર લીંબડી શહેર પૂરતો નહીં પરંતુ આખા રાજ્યનો હોઇ વિદ્યાર્થીઓની માગણી ઉકેલાશે કે કેમ ? તે અંગે સવાલો ઉભા થયા છે. વહેલી તકે શાળાનો સમય સવારનો થાય તેવું છાત્રો ઇચ્છી રહ્યા છે.
૨૦મી સુધી માંગણી નહીં સંતોષાય તો લડત ઉગ્ર બનશે : વિદ્યાર્થી મંડળ
દરેક સ્કૂલના પટાંગણમાં લડત પર ઉતરેલા છાત્રોએ જણાવ્યું કે, તા. ૨૦ સુધીમાં અમારી માંગણી નહી સંતોષાયતો લીંબડી બંધનું એલાન, રેલવે ચક્કાજામ, નેશનલ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવશે. જેની તમામ જવાબદારી શૈક્ષણિક તંત્રની રહેશે.