ધો.૧૦ના પરિણામમાં અમરેલીએ કાઠું કાઢયું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લાનું પરિણામ ૮૩.૩૫ ટકા: જિલ્લાની ૩૮ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું : એ-૧ ગ્રેડમાં ૯૬ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અમરેલી જિલ્લાનું ધોરણ ૧૦ નું ૮૨.૩૫ જેટલુ ઉંચુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. સમગ્ર સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાનું પરિણામ સૌથી ઉંચુ રહ્યુ હતુ. જિલ્લામાં એ-વન ગ્રેડ મેળવનારા છાત્રોની સંખ્યા ૯૬ રહી હતી. જ્યારે એ-ટુ ગ્રેડ ૧૩૪૯ વિદ્યાર્થીને મળ્યો હતો. જિલ્લાની ૩૮ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હતુ. વિદ્યાર્થીઓએ પોતાનુ પરિણામ જાણવા સવારથી જ ઇન્ટરનેટ પર ધસારો મૂક્યો હતો. અમરેલી જિલ્લામાં ધોરણ ૧૦ નું પરિણામ મોટાભાગનાં વિદ્યાર્થીઓ માટે હશી-ખુશી લઇને આવ્યુ હતુ. કારણ કે અમરેલી જિલ્લાનું ધોરણ ૧૦ નું પરિણામ સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચુ ૮૨.૩૫ ટકા આવ્યુ હતુ. અમરેલી જિલ્લામાં ૨૪૪૭૨ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ માં નોંધાયા હતા. જે પૈકી ૨૪૭૩૯ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પૈકી ૧૯૭૯૭ વિદ્યાર્થી પાસ થવામાં સફળ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં ૯૬ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવી ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી હતી. જ્યારે ૧૩૪૯ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડમાં પરીક્ષાપાસ કરી હતી. આ ઉપરાંત ૩૬૧૦ વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ૫૦૫૨ વિદ્યાર્થી બી-ટુ, ૪૯૨૮ વિદ્યાર્થી સી-વન, ૨૮૭૭ વિદ્યાર્થી સી-ટુ, ૧૮૮૫ વિદ્યાર્થી ડી અને ૪૨૪૮ વિદ્યાર્થી ઇ ગ્રેડ લાવ્યા હતા. ધોરણ ૧૦માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૪૭૭ રહી હતી. એકંદરે અમરેલી જિલ્લાનું પરિણામ ૮૨.૩૫ ટકા રહ્યુ હતુ. અમરેલી જિલ્લામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યામાં ખાસ્સો ઉછાળો જોવા મળ્યો હતો. ગયા વર્ષે જિલ્લામાં આવી શાળાની સંખ્યા માત્ર ૧૬ હતી. પરંતુ આ વર્ષે આ સંખ્યા વધીને ૩૮ પર પહોંચી ગઇ છે. આમ ચાલુ ઉજવળ પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યામાં ૨૨નો વધારો થયો છે. સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લાની મોટાભાગની શાળાઓનું પરિણામ ઉંચુ આવ્યુ છે. જિલ્લામાં એકેય શાળા એવી નથી કે જેનુ પરિણામ ૨૦ ટકાથી નીચે આવ્યુ હોય. ૩૧ થી ૪૦ ટકા વચ્ચે પરિણામ ત્રણ શાળાનું આવ્યું છે. જ્યારે ૪૧ થી ૫૦ ટકા પરિણામ લાવનારી શાળાની સંખ્યા નવ રહી છે. જિલ્લામાં ૯૧ થી ૯૯ ટકા વચ્ચે પરિણામ લાવનારી શાળાની સંખ્યા ૮૦ છે.બીજી તરફ વિદ્યાર્થીઓએ આજે સવારથી જ પોતાનું પરિણામ જાણવા માટે ઇન્ટરનેટ પર પડાપડી કરી મૂકી હતી. શાાળઓ દ્વારા પણ ઇન્ટરનેટ પર પરિણામ જાણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર કાફેમાં પણ વિદ્યાર્થીઓની ભારે ભીડ હતી. - પરિણામની સાથે સાથે નોંધાયેલા વિદ્યાર્થી – ૨૪૪૭૨ પરીક્ષા આપી - ૨૪૦૩૯ એ-૧ ગ્રેડ - ૯૬ એ-૨ ગ્રેડ - ૧૩૪૯ બી-૧ ગ્રેડ - ૩૬૧૦ બી-ર ગ્રેડ - ૫૦૫૨ સી-૧ ગ્રેડ - ૪૯૨૮ સી-૨ ગ્રેડ - ૨૮૭૭ ડી - ગ્રેડ - ૧૮૮૫ ઇ - ગ્રેડ - ૪૨૪૮ નાપાસ - ૪૪૭૭ જિલ્લાનું પરિણામ : ૮૨.૩૫, ૧૦૦ ટકા પરિણામવાળી શાળા - ૩૮, ૯૧ થી ૯૯ ટકા પરિણામવાળી,શાળા - ૮૦