ડિનરમાં ટ્રાય કરો બિહારની ફેમસ વાનગી લીટ્ટી ચોખા, ખુશ થઈ જશે ઘરમાં બધાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક: રોજ-રોજ ડિનરમાં ભાખરી-શાક, ખીચડી હોય તો બધાં નાં મોં બગડે જ. ઘરમાં બધાંની ફરમાઇશ કઈંક નવું ખાવા માટે આવે જ. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ બિહારની ટ્રેડિશનલ વાનગી લીટ્ટી ચોખાની રેસિપિ. તમે પણ બનાવો, ઘરમાં બધાં ચોક્કસથી કહેશે વાહ-વાહ...


લીટ્ટી ચોખા
સામગ્રી
 
લીટ્ટી માટે


-ચારસો ગ્રામ ઘઉંનો લોટ
-અડધી ટીસ્પૂન અજમો
-અડધો કપ ઘી અથવા તેલ
-પા ટીસ્પૂન ખાવાનો સોડા
-મીઠું સ્વાદ અનુસાર

 
સ્ટફિંગ માટે


-બસો ગ્રામ સત્તૂ
-એક મોટો ટુકડો આદુ
-ચાર નંગ લીલા મરચાં
-અડધો કપ કોથમીર સમારેલી
-એક ટીસ્પૂન જીરું
-બે ટીસ્પૂન તેલ
-બે ટીસ્પૂન અથાણાંનો મસાલો
-એક નંગ લીંબુનો રસ
-મીઠું સ્વાદ અનુસાર

 
ચોખા માટે


-ચારસો ગ્રામ રીંગણ
-અઢીસો ગ્રામ ટામેટાં
-ચાર નંગ લીલા મરચાં
-દોઢ ઈંચનો આદુનો ટુકડો
-બે ટીસ્પૂન કોથમીર સમારેલી
-બે ટીસ્પૂન સરસોંનું તેલ
-મીઠું સ્વાદ અનુસાર

 
રીત
 

સૌપ્રથમ લીટ્ટી માટેનો લોટ તૈયાર કરી લો. ઘઉંના લોટમાં મીઠું, ઘીનું મોણ, અજમો અને સોડા નાંખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડા હુંફાણા પાણીની મદદથી લોટ બાંધી લો. કણકને ઢાંકીને લગભગ અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ સ્ટફિંગની તૈયારી કરો. સ્ટફિંગ માટે આદુને બરાબર ધોઈને, સાફ કરીને નાના ટુકડા કરી લો. ત્યારબાદ લીલા મરચા અને કોથમીરને સાફ કરીને ઝીણા સમારી લો. હવે એક વાસણમાં સત્તૂ, આદુ, લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ, બ્લેક સોલ્ટ, જીરું, સરસોંનું તેલ અને અથાણાંનો મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો. જો તમને મસાલો કોરો-કોરો લાગતો હોય તો તમે થોડું વધારે તેલ અથવા તો ચારથી પાંચ ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરી શકો છો. મિશ્રણને એ રીતે તૈયાર કરો જેથી તેમાંથી નાના-નાના બોલ બની શકે. બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરીને સત્તૂ પીઠ તૈયાર કરો. હવે તૈયાર કરેલા લોટમાંથી નાના-નાના લુઆ બનાવો. તેને હાથની મદદથી જ થોડો પૂરી જેવો આકાર આપો. હવે તેમાં એકથી દોઢ ચમચી જેટલું તૈયાર કરેલું મિશ્રણ ભરો. ત્યારબાદ પૂરીને બંધ કરીને ફરીથી બોલ જેવો આકાર આપો. હવે તંદૂરને ગરમ કરી તેમાં તૈયાર કરેલ લિટ્ટીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો. જો તંદૂર ન હોય તો બાટી કૂકરનો પણ ઉપયોગ કરી શકો છો.

 
ચોખા માટેની રીત


સૌપ્રથમ રીંગણ અને ટામેટાંને ધોઈને બરાબર શેકી લો. હવે તેને ઠંડા કરો. તેને છોતરા કાઢી, તેને એક પ્યાલામાં મૂકી, ચમચી વડે દબાવી મેશ કરો. ત્યારબાદ આ પલ્પમાં આદુ, મરચાં, કોથમીર, મીઠું અને તેલ નાંખીને બરાબર મિક્સ કરી લો. જો તમને લસણ અને ડુંગળી ખાવી પસંદ હોય તો, તમે આમાં પાંચથી છ કળી લસણ ઝીણું સમારીને નાખી શકો છો. આ સિવાય એક ડુંગળીને પણ ઝીણી સમારીને નાખી શકો છો.

 
આલુ ચોખા


ચારથી પાંચ નંગ બટાકાને બાફીને છૂંદો કરી લો. ત્યારબાદ તેમાં આદુ, લીલા મરચાં, કોથમીર, લાલ મરચું પાવડર અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરવાથી સ્વાદિષ્ટ આલુ ચોખા તૈયાર થઈ જશે.

 
પીરસવા માટે

સૌપ્રથમ ગરમા-ગરમ લીટ્ટીને ઘીમાં ડુબાડો. તમે લીટ્ટીને વચ્ચેથી તોડીને પણ ઘીમાં ડુબાડી શકો છો. આ લીટ્ટીને ચોખા અને લીલી કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

 

ઘરે જ બનાવો બજાર જેવાં સ્પોંજી અને જ્યૂસી ખમણ-ઢોકળાં

 

અન્ય સમાચારો પણ છે...