રેસિપિ ડેસ્ક: બટર મુરુક્કૂ બહુ ઝડપથી અને સરળતાથી બની જાય છે અને ટેસ્ટમાં લાજવાબ હોય છે. લાંબા સમય સુધી સ્ટોર કરીને ખાઇ શકાય છે. આપણે ઘઉંના લોકની ચકરી તો બનાવતા જ હોઇએ છીએ. દક્ષિણ ભારતમાં ચોખાના લોટની ચકરી બહુ ફેમસ છે, જે મુરુક્કૂના નામથી ફેમસ છે. બાળકોને લંચબોક્સમાં આપવા કે ચા-કૉફી સાથેના સૂકા નાસ્તા માટે બહુ સારી ચૉઇસ રહેશે બટર મુરુક્કૂ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.
બટર મુરુક્કૂ
સામગ્રી
એક કપ ચોખાનો લોટ
40 ગ્રામ ચણાનો લોટ
પા કપ બટર
દોઢ ચમચી જીરું
સ્વાદ અનુસાર મીઠું
તળવા માટે તેલ
અડધી ચપટી હિંગ
રીત
સૌપ્રથમ અડધા બેસનને એક પેનમાં લઈ શેકી લો. સતત હલાવીને થોડું શેકી લો. સુગંધ આવવા લાગે અને કલર વધારે બદલાયો ન હોય ત્યાં જ ગેસ બંધ કરી એક બાઉલમાં લો. અંદર બાકીનું બેસન અને ચોખાનો લોટ મિક્સ કરો.
ત્યારબાદ એક તપેલીમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો. અંદર જીરું, હિંગ અને બટર પણ એડ કરો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી પાણી ગરમ કરો. પાણીમાં ઉભરો આવે અને બટર પણ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી આ જ પાણીથી લોટ બાંધવો. ચમચીથી હલાવી-હલાવીને સોફ્ટ લોટ તૈયાર કરો. છેલ્લે તેલવાળા હાથ કરી લોટ થોડો ચીકણો કરી દો. ત્યારબાદ સેવના સંચામાં ચકરીની જાળી ફીટ કરી અંદર સમાઇ શકે એટલા લોટનો લોંબો શેપ બનાવી ભરી લો. બાકીના લોટને ઢાંકીને રાખવો.
તળવા માટે તેલ ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મિડિયમ કરી સીધી જ તેલમાં મુરુક્કૂ પાડો. ફીણ થોડું ઓછું થઈ જાય એટલે પલટી દો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવું. આ જ રીતે બધાં મુરુક્કૂ બનવીને તૈયાર કરી લો.
- એકદમ ઠંડી પડી જાય પછી કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરી લો અને બે મહિના સુધી મજા લો.