ઇડલી / માત્ર એક ચમચી તેલથી બનાવી લીલા વટાણાનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો

Make healthy and tasty idli from green peas with only one spoon oil

divyabhaskar.com

Feb 01, 2019, 11:38 AM IST

રેસિપી ડેસ્ક: અત્યારે શિયાળામાં માર્કેટમાં લીલા વટાણા સાથે બીજાં પણ ઘણાં શાકભાજી ખુબ સરસ આવે છે અને એટલે જ અવનવી હેલ્ઘી વાનગીઓ બનાવી શકાય. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વાનગીમાં માંડ એકાદ ચમચી ઘી કે તેલનો ઉપયોગ થયો છે એટલે ડાયટ કરતા લોકો પણ આ વાનગીને બિન્દાસ ખાઇ શકે છે.

લીલા વટાણાની ઇડલી

સામગ્રી
એક વાટકી લીલા વટાણા
એક મિડિયમ સાઇઝનું ગાજર
અડધુ કેપ્સિકમ
એક ડુંગળી
એક ઝીણું સમારેલું ટામેટું
બે-ત્રણ લીલાં મરચાં
એક કપ સોજી
સ્વાદ અનુસાર મીઠું
અડધી ચમચી આમચૂર પાવડર
અડધી ચમચી ગરમ મસાલો
અડધી ચમચી હળદર
એક ચમચી ધાણાજીરું
ચપટી જીરું
અડધી ચમચી લાલ મરચું
અડધો ઈંચ આદુ
બે-ત્રણ કળી લસણ
અડધો કપ દહીં
અડધી ચમચી ખાવાનો સોડા, એક ઈનો
એક ચમચી તેલ
એક ટેબલસ્પૂન પનીરના નાના-નાના ટુકડા
એક ચમચી રાઇ
બે લીલાં મરચાં
મીઠો લીમડો
કોથમીર


રીત
મિક્સર જારમાં લીલા વટાણા લો અને પીસી લો. વટાણાની સોફ્ટ કરતાં થોડી કકરી પેસ્ટ બનાવવી પણ અધકચરી ન રાખવી. જરૂર લાગે તો થોડું પાણી નાખી શકાય છે. ત્યારબાદ આ પેસ્ટને એક મોટા બાઉલમાં લઈ લો. અંદર ગાજર, ટામેટું, કેપ્સિકમ, ડુંગળી અને લીલું મરચું ઝીણું-ઝીણું સમારીને નાખો. સાથે જ આદુને પણ છોલીને છીણી લો અને આ જ મિશ્રણમાં નાખો. ત્યારબાદ અંદર સોજી અને દહીં નાખી મિક્સ કરી લો. હવે અંદર હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું, ધાણાજીરું અને ચપટી જીરું નાખો અને બધું જ બરાબર મિક્સ કરી લો. હવે અંદર પનીર નાખો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ઢાંકીને 15 મિનિટ માટે સેટ થવા મૂકી દો.

15 મિનિટ બાદ જરૂર લાગે તો પાણી ઉમેરી અપ્પમના ખીરા જેવી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ અંદર ઈનો નાખો અને મિક્સ કરી લો.

ત્યારબાદ ઈડલી કૂકરમાં પાણી ગરમ કરવા મૂકો. આ દરમિયાન ઇડલી સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી અંદર આ ગ્રીન પેસ્ટ મૂકો અને ચમચીથી દબાવીને સેટ કરી દો. કૂકરમાં પાણી ઉકળવા લાગે એટલે ઇડલી સ્ટેડને અંદર ગોઠવી દો અને ઢાંકી દો. સ્લો ટુ મિડિયમ આંચ પર 10-15 મિનિટ ચઢવા દો. વચ્ચે એકાદ વાર ચેક કરી લેવું. નીચેથી કાચુ લાગે તો થોડું ચઢવી દો. ચઢી જાય એટલે સ્ટેન્ડ બહાર કાઢી 5-7 મિનિટ ઠંડુ પડવા દો. ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો.

એક પેનમાં એક ચમચી તેલ કે ઘી ગરમ કરો. અંદર એક ચમચી રાઇ, બે લીલાં મરચાં (મરચાના મોટા ટુકડા કરી લેવા) અને થોડો મીઠો લીમડો નાખો. રાઇ તતડવા લાગે એટલે અંદર ઈડલી ગોઠવી દો. થોડીવાર બાદ બધી જ ઇડલી પલટી દો. ત્યારબાદ ઉપર લીલી કોથમીર ભભરાવો.

આ ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનશે , ગરમાગરમ જ લીલી ચટણી સાથે સર્વ કરો .

X
Make healthy and tasty idli from green peas with only one spoon oil
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી