Home » Recipes » Gujarati Recipes » Try THis Home Made Nasta For The Picnic

ટ્રાય કરો ન્યૂ યર પિકનિકની મજા વઘારતા પાંચ હોમમેડ નાસ્તાની રેસિપિ

Divyabhaskar.com | Updated - Dec 29, 2015, 12:05 AM

ભાખરવડી, થેપલા, મસાલા પૂરી, મકાઇનો હાંડવો અને ખાટા રવા ઢોકળાની રેસિપિ

 • Try THis Home Made Nasta For The Picnic
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  જો તમે ન્યૂ યરની ઉજવણી માટે કશે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બહારના નાસ્તાને માટે તમે આ ઘરે બનાવેલા ખાસ નાસ્તાને સાથે લઇ જઇ શકો છો. આ નાસ્તા તમારા રૂપિયાની બચત તો કરે જ છે અને સાથે જ તમારી હેલ્થનું પણ ધ્યાન રાખે છે. જો તમે આ સૂકા નાસ્તાને સાથે રાખો છો તો તમે કોઇપણ સમયે તમારી ભૂખને સંતોષી શકો છો. આ નાસ્તાને તમે ચા કે કોફીની સાથે પણ ઉપયોગમાં લઇ શકો છો. તો નોંધી લો આ સરળ ભાખરવડી, થેપલા, મસાલા પૂરી, મકાઇનો હાંડવો અને ખાટા રવા ઢોકળાની રેસિપિ. જે તમને પિકનિકમાં કરશે મદદ.
  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પિકનિકમાં વરદાન રૂપ નાસ્તાની રેસિપિ...
 • Try THis Home Made Nasta For The Picnic
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  રવા ઢોકળા
  સામગ્રી
   
  - બે કપ રવો (સોજી)
  - બે કપ દહીં
  - ત્રણ લીલા મરચાં
  - આદુનો નાનો ટુકડો
  - થોડી કોથમીર
  - સ્વાદ અનુસાર મીઠું
  - અડધી ટીસ્પૂન જીરું
  - અડધી ટીસ્પૂન રઈ
  - એક ટીસ્પૂન ખાવાનો સોડા
  - જરૂર પ્રમાણે તેલ
   
  રીત
   
  સૌ પહેલાં આદુ-મરચું અને જીરૂ વાટી તેની પેસ્ટ બનાવી લો. એક બાઉલમાં સોજી લો તેમાં ભારોભાર દહીં મિક્સ કરો. જો ખીરું ઘટ લાગે તો તેમાં 1/2 કપ ગરમ પાણી ઉમેરો. તેમાં આદુ મરચાની પેસ્ટ મિક્સ કરો. થોડું તેલ મુકી તેમાં ખાવાનો સોડા વઘારો અને તે ખીરામાં ઉમેરો હવે આ ખીરૂ તૈયાર છે. તેને એક થાળીમાં કાઢી તેને ઢોકળાના કુકરમાં સીઝવા મુકો. 10 મિનિટમાં આપના રવા ઢોકળા તૈયાર છે. આપ તેને કાચા પણ ખાઈ શકો છો અને તેને વઘારી પણ શકો છો.
 • Try THis Home Made Nasta For The Picnic
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભાખરવડી
  સામગ્રી
   
  -ચાર ડુંગળી મોટી
  -ચાર ટીસ્પૂન ગરમ મસાલો
  -પચીસ કળી લસણ
  -અઢીસો ગ્રામ સુકૂં કોપરું
  -છ લીલાં મરચાં
  -પચીસ ગ્રામ ખસખસ
  -એક ઝૂડી લીલા ધાણા
  -ચારસો ગ્રામ ચણાનો લોટ
  -સો ગ્રામ ઘઉંનો લોટ
  -મીઠું
  -હળદર
  -તેલ  પ્રમાણસર
   
  રીત

  વાટવાનો મસાલો, ડુંગળીને ગેસ ઉપર જાળી મૂકી શેકવો. અંદરથી બફાય એટલે તેના ઉપરના કાળા છોડાં કાઢી નાંખી, તેના કટકા કરવા. તેમાં ત્રણ ચમચા દક્ષિણી ગરમ મસાલો (ખાસ દક્ષિણી ગરમ મસાલો જ વાપરવો.) અડધા જીડવાની લસણની કળી, મીઠું અને થોડોક ગોળ નાંખી વાટી મસાલો તૈયાર કરવો. કોપરાને છીણી થોડું તેલ મૂકી, શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ઝીણું બનાવવું. લીલાં મરચાના બારીક કટકા કરી થોડા તેલમાં સાંતળવા. લસણને ફોલી, તેની લાંબી કાતરી કરી થોડાક જ તેલમાં જરાક શેકી લેવી. કડક ન કરવી. તલ અને ખસખસને શેકવા. લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરવા. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું અને ગરમ મસાલો નાંખી, બાખર તૈયાર કરવું. ચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી મીઠું, થોડીક જ હળદર અને તેલનું મોણ નાંખી કઠણ લોટ બાંધો. પછી તેને કેળવી તેમાંથી લૂઆ પાડી, પાતળો મોટો રોટલો વણી, તેના ઉપર વાટેલો મસાલો ચોપડવો. તેના ઉપર બાખર પાથરી, તેનો કઠણ વીટો વાળવો. તેને ઉપરથી દાબી તેના કટકા કાપવા. કટકાને હાથમાં લઈ બરાબર દબાવી, પેણીમાં તેલ મૂકી ભાખરવટી તળી લેવી.
 • Try THis Home Made Nasta For The Picnic
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મકાઇનો હાંડવો
  સામગ્રી 
   
  -બે કિલો મકાઈ
  -સો ગ્રામ ગાજર 
  -પચાસ ગ્રામ ફણસી 
  -એક વાટકી તૈયાર ભાત 
  -પચાસ ગ્રામ વટાણા ફોલેલા 
  -ચારસો ગ્રામ બટાકા ૪૦૦ ગ્રામ 
  -બે ચમચા ટોમેટો કેચપ 
  -અડધી વાડકી બ્રેડ ક્રમ્સ 
  -આદુ મરચાં 
  -બે ચમચી કોપરું
  -કોથમીર
   
  ડેકોરેશન માટે
   
  -તલ
  -હિંગ
  -રાઈ
  -મીઠું 
  -મરચું 
  -દ્રાક્ષ
  -લવિંગ
  -લીમડો 
  વઘાર માટે તેલ.
   
  રીત 
   
  બધી જ મકાઈ છોલી નાખો. તેમાંથી ચાર મકાઈ છીણી નાખો. બાકીની મકાઈના દાણા કાઢી બાફી લો. બટાકાને બાફીને માવો બનાવો. ફણસી, ગાજર, વટાણા સમારીને બાફી લેવાં. ભાતની અંદર બાફેલાં શાકભાજી મિકસ કરો. સાથે મકાઈ પણ મિકસ કરો. હવે એક વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ, હિંગ, લીમડો, તલ નાખીને પૂરણ વઘારો. એક વાસણમાં થોડું તેલ લગાવી તેમાં વઘાર નાખો. તેના પર અડધું પૂરણ પાથરો. તેની ઉપર બ્રેડક્રમ્સ પાથરો. તેના ઉપર ટોમેટો કેચપ નાંખો. આ જ મુજબ તેના ઉપર બીજો થર પાથરો તે પછી સૌથી ઉપર બીજો વઘાર કરી બ્રેડક્રમ્સ નાંખો. તે વાસણને ઓવનમાં મધ્યમ તાપે બેક કરવા મૂકો. લગભગ અડધો કલાક સુધી રાખો. હાંડવો બરાબર ચડી જાય એટલે તેને ડિશમાં કાઢી તેના ઉપર કોપરું, કોથમીર તથા મરચાં નાખી સર્વ કરો. આ હાંડવો તમે ટોમેટો કેચપ સાથે કે સિંગતેલ સાથે પીરસી શકશો.
 • Try THis Home Made Nasta For The Picnic
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  થેપલા
  સામગ્રી  
   
  -એક વાટકો ઘઉં નો લોટ
  -એક વાટકો બાજરી નો લોટ
  -બે ચમચી તેલ (મોણ)
  -અડધી ચમચી હળદર પાવડર
  -એક ચમચી મરચું પાવડર
  -પા ચમચી હિંગ
  -મીઠું પ્રમાણસર
  -બે ચમચી દહીં અથવા એક ચમચી લીંબુ નો રસ
  -બે ચમચી ખાંડ
  -એક ચમચી તલ
  -સો ગ્રામ મેથીની ભાજી(ઝીણી સમારેલી)
  -દસ કળી લસણ (લસોટેલું)
  પાણી પ્રમાણસર
   
  રીત
   
  સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ લઇ તેમાં મોણ (તેલ),બધી સામગ્રી તથા પાણી ઉમેરીને લોટ(મીડીયમ એટલે ના બહું કઠણ કે ના ઢીલો) બાંધવો. હવે તેના લુઆ(વણવા માટે લોટ ના કરેલા ટુકડા) પાડી ને તેને કોરા ઘઉંના લોટ(પાઉડર)માં રગદોળવા. ત્યારબાદ પોતાની પસંદ મુજબની સાઈઝ તથા આકાર માં થેપલા વણવા.  ત્યારબાદ થેપલાને લોઢી(થેપલા શેકવા નું સાધન)માં વારાફરતી બંને બાજુ તેલ લગાવી ને શેકી લેવા. બસ થેપલા તૈયાર.
 • Try THis Home Made Nasta For The Picnic
  મસાલા પૂરી
  સામગ્રી
   
  - બે વાટકી ઘઉંનો લોટ
  -બે ચમચી ચણાનો લોટ 
  -એક વાટકી પાલકની ભાજી ઝીણી સમારેલી 
  -એક વાટકી સીંગ વાટેલી 
  -બે ચમચી આખી કોથમીર
  -એક ચમચી ગરમ મસાલો 
  -બે ચમચી વરિયાળી 
  -અડધી ચમચી અજમો 
  -પાંચ નંગ લીલા મરચા 
  -તેલ તળવા માટે
  -મીઠું સ્વાદ પ્રમાણે
   
  રીત
   
  ઘઉંનો લોટ અને ચણાનો લોટ લો. તેલનું મોણ નાંખી ભેળવો. પછી બધી સામગ્રી તેમાં નાંખી દો. પાલક નાંખીને લોટ બાંધો. નાના નાના લૂઆ બનાવો. તેને વણીને ધીમાં તાપમાં તેલ રાખીને તળી લો. આ પૂરીને ચટણી કે છોલેની સાથે પીરસો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

Trending

વીડિયો વધુ જુઓ