રેસિપી ડેસ્ક: અત્યાર સુધી તમે કેરી, ગુંદાં, મરચાં, ગાજર વગેરેનું અથાણું ખાધુ જ હશે. શાકની ગરજ સારતું આ ટેસ્ટી ટામેટાંનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.
ટામેટાંનું અથાણું
સામગ્રી
250 ગ્રામ ટામેટાં
એક ચમચી જીરું
એક ચમચી રાઈ
અડધી ચમચી મેથી
10-12 લીલાં મરચાં
20 ગ્રામ લસણની ફોલેલી કળીઓ
ચાર-પાંચ આદુના ટુકડા
125 મીલી સરસો તેલ
એક ચમચી હિંગ
એક ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
એક ટેબલસ્પૂન મીઠો લીમડો
એક ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું
રીત
ટામેટાં લાલ પાકાં જેવાં જ લેવા. બરાબર ધોઇને લૂછ્યા બાદ એકદમ કોરાં કરી લો. ત્યારબાદ ટામેટાંને નાના-નાના પીસમાં સમારી લો. ગેસ પર એક પેન ગરમ કરી અંદર જીરું, રાઇ અને મેથી લઈ ધીમા તાપ પર હલાવી-હલાવીને શેકો. એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી એક પ્લેટમાં કાઢી ઠંડાં પાડી લો. ત્યારબાદ ગ્રાઇન્ડીંગ જારમાં લઈ ક્રશ કરી એક બાઉલમાં લો.
ત્યારબાદ ગ્રાઇન્ડીંગ જારમાં આદુ, લસણ અને લીલાં મરચાં ક્રશ કરી પીસી લો. પાણીનો ઉપયોગ જરા પણ ન કરવો. અધકચરું ક્રશ થાય તો પણ ચાલે. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ અંદર હિંગ નાખો. પછી અંદર આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખો અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાંતળવું. બરાબર સાંતળવું, નહીંતર અથાણું જલદી બગડી જશે. ત્યારબાદ અંદર એક ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખો અને મિક્સ કરી લો.
ત્યારબાદ અંદર ટામેટાં નાખો અને બરાબર મિક્સ કરી લો. ટામેટાંનું અથાણું હાઇ ટુ મિડિયમ ફ્લેમ પર જ બનાવવું અને જરા પણ ન ઢાંકવું. ત્યારબાદ અંદર મીઠો લીમડો નાખી મિક્સ કરી લો. લીમડાનાં પાન મોટાં હોય તો સમારી લેવાં. સતત હલાવી-હલાવીને અથાણું બનાવવું. ઉપર તેલ આવવા લાગે ત્યારબાદ જ અંદર ક્રશ કરીને તૈયાર રાખેલો સૂકો મસાલો નાખો અને બરાબર મિક્સ કરો. મસાલા થોડીવાર સાંતળ્યા બાદ અંદર હળદર નાખી મિક્સ કરી લો.
બધુ જ તેલ બરાબર છૂટું પડી જાય ત્યારે છેલ્લે અંદર મીઠું નાખો અને મિક્સ કરી લો. બીજી એકાદ મિનિટ ચડાવી ઠંડુ પાડી દો. છેલ્લે એક ટેબલસ્પૂન વિનેગર નાખી બરાબર મિક્સ કરી લો.
આ અથાણાને કાચની બરણીમાં સ્ટોર કરવું. જ્યારે પણ અથાણું ઉપયોગમાં લેવા માટે કાઢો ત્યારે ચમચીથી બાકીના અથાણાને એકવાર હલાવી લેવું, જેથી ઉપર તેલ રહે અને જલદી બગડે નહીં. આ અથાણું બહાર પણ એક વર્ષ સુધી બગડતું નથી, પરંતુ જો ભેજવાળું વાતાવરણ હોય તો ફ્રિજમાં સ્ટોર કરો.