ગ્રીન પાવભાજી / રેસિપી: શિયાળામાં લાલ નહીં, સુરતની ફેમસ ગ્રીન પાંઉભાજી બનાવો

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 06:37 PM
recipe: delicious and Yummy Green Pav Bhaji  famous in Surat

રેસિપી ડેસ્ક: મોટાભાગે બધાએ લાલ પાંઉભાજી જ ખાધી હશે, પરંતુ સુરતમાં ગ્રીન પાંઉભાજી ખૂબ ફેમસ છે. સુરતમાં શિયાળામાં ગ્રીન પાંઉભાજી લોકોની પહેલી પસંદ બની રહે છે. શિયાળામાં બધાં જ શાકભાજી સાથે લીલું લસણ, ડુંગળી, પાલક વગેરે પણ મળી રહે.

સુરતની ફેમસ ગ્રીન પાંઉભાજી

સામગ્રી
ત્રણ બટાકાં
200 ગ્રામ ફ્લાવર
અડધો કપ લીલા વટાણા
એક ડુંગળી
ત્રણ લીલી ડુંગળી
ત્રણ લીલાં ટામેટાં
ગ્રીન પેસ્ટ માટે (અડધો કપ કોથમીર, અડધો કપ લીલું લસણ, એક ઈંચ આદુનો ટુકડો. 4-5 લીલાં મરચાં)
અડધી ઝૂડી પાલક
એક ટેબલસ્પૂન પાવભાજી મસાલો
સ્વાદ અનુસાર મીઠું
5-6 ટેબલસ્પૂન તેલ
પા ચમચી હિંગ
ફિંગર પાવ કે લાદી પાવ
સલાડ માટે ડુંગળી, કોથમીર અને કોબી (ઝીણી સમારી ઉપર મીઠું છાંટવું)
અડધું લીંબુ
બટર જરૂર મુજબ

રીત

સૌપ્રથમ એક કૂકરમાં બટાકાને છોલીને સમારી લો. ત્યારબાદ અંદર એક ડુંગળી સમારીને નાખો. ત્યારબાદ અંદર ફ્લાવરને સાફ કરીને નાખો અને સાથે વટાણા પણ નાખો. ત્યારબાદ અંદર બે કપ પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ઢાંકણ બંધ કરી દો. ત્યારબાદ મીડિયમ આંચ પર ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ પાણી એક બાઉલમાં અલગ લઈ લો. બફાઈ ગયેલ બધાં વેજિટેબલ્સનો છુંદો કરી લો. ત્યારબાદ મિક્સર જારમાં ગ્રીન પેસ્ટની સામગ્રી લઈ ક્રશ કરી લો. અડધી ઝૂડી પાલકને સાફ કરી ધોઇને બે મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાલકને ઠંડા પાળીમાં બોળી ઠંડી કરી મિક્સર જારમાં પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ એક જાડા તળિયાવાળી કઢાઇ ગરમ કરવા મૂકો. કઢાઇમાં તેલ ઉમેરો, તેલ ગરમ થઈ જાય એટલે અંદર લીલી ડુંગળીને ઝીણી સમારીને નાખવી. મિડિયમ આંચ પર એક મિનિટ સાંતળી અંદર ત્રણ કાચાં લીલાં ટામેટાંને ઝીણાં સમારીને નાખો. ત્યારબાદ અંદર ટામેટા પૂરતું મીઠું નાખી ચડવા દો. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાં. ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે અંદર ગ્રીન પેસ્ટ એડ કરો. બધું જ બરાબર મિક્સ કરી 3-4 મિનિટ સાંતળો.

સતત હલાવતા રહેવું અને તેલ છૂટું પડી જાય એટલે અંદર દોઢ ટેબલસ્પૂન જેટલો પાવભાજી મસાલો ઉમેરી ધીમી આંચ પર સાંતળવું.ત્યારબાદ અંદર પાલકની પેસ્ટ એડ કરી મિક્સ કરી દો. પછી અંદર બાફેલાં શાક એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ બાફેલા શાકનું જે પાણી હતું તે જરૂર મુજબ એડ કરવું અને મિક્સ કરવું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને મિક્સ કરવું. ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. 6-7 મિનિટમાં તેલ છૂટું પડી જશે અને પાંઉભાજી તૈયાર.

X
recipe: delicious and Yummy Green Pav Bhaji  famous in Surat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App