Home » Recipes » Diet NRI Recipes » Recipes for Weight-Loss & Diet

ડાયટિંગમાં કંઈક ટેસ્ટી ખાવાની ઈચ્છા છે તો ટ્રાય કરો આ 5 ચટાકેદાર વાનગીઓ

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 01:42 PM

નોંધી લો ઓઇલ ફ્રી ઢોસા, મેથી બેક્ડ પરાઠા, આલુ મટર કોરમા, દાલ પંડોલી અને સુરતી લોચા જેવી ઓઇલ ફ્રી વાનગીઓની રેસિપિ

 • Recipes for Weight-Loss & Diet
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ આજે અમે તમારા માટે 5 વિવિધ પ્રકારની એવી વાનગી લાવ્યા છીએ જે ઓઈલ ફ્રી છે. મોટાભાગે અત્યારની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં આપણે ખૂબ જ હેલ્થ કોન્સિયસ થઈ ગયા છીએ. તેમ છતાં ઘણી વખત પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતા, અને જંકફૂડ ખાઈ લેતા હોઈએ છીએ. પણ તમારી આ જ ચિંતાને દૂર કરવા માટે આજે અમે તમારી માટે સ્વાદિષ્ટ વાનગીઓની ઓઈલ ફ્રી રેસિપિ લાવ્યા છીએ. આથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને સ્વાદનો ચટકારો પણ પૂરો થશે.

  નોંધી લો ઓઇલ ફ્રી ઢોસા, મેથી બેક્ડ પરાઠા, આલુ મટર કોરમા, દાલ પંડોલી અને સુરતી લોચા જેવી ઓઇલ ફ્રી વાનગીઓની રેસિપિ.

  દાલ પંડોલી

  સામગ્રી

  -1/2 કપ ચોળા દાળ

  -2 નંગ લીલા મરચાં સમારેલા

  -1/2 કપ પાલક સમારેલી

  -2 ટેબલ સ્પૂન દહીં

  -1 ચપટી હિંગ

  -1 ચપટી સોડા

  -મીઠું સ્વાદાનુસાર

  રીત

  સૌપ્રથમ ચોળાની દાળને બેથી ત્રણ કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી પાણી નીતારીને એકબાજુ પર મૂકો. હવે તેમાં લીલા મરચાં, પાલક, દહીં અને એક ચમચી જેટલું પાણી નાખીને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરવું. હવે તૈયાર થયેલી પેસ્ટમાં હિંગ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ખાવાનો સોડા અને એકાદ ચમચી પાણી નાખીને બરાબર મિક્સ કરી લો. હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરો. મોટાભાગે તપેલી લેવી. આ તપેલી પર એક સુતરાઉ કાપડ બાંધો. આ સુતરાઉ કાપડ પર તૈયાર કરેલા મિશ્રણમાંથી નાની-નાની વડીઓ બનાવતા હોઈએ એ રીત એક ચમચી જેટલું પુરણ મૂકો. હવે આ કપડાંને ઢાંકી દેવુ. પંડોલીને બફાતા સાતથી દસ મિનિટનો સમય લાગશે. તૈયાર છે સ્વાદિષ્ટ વાનગી. જે લગભગ આપણા ઢોકળા જેવી જ હોય છે. આ વાનગીને ગરમ-ગરમ ચટણી સાથે સર્વ કરો.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઓઇલ ફ્રી રેસિપિ વિશે...

 • Recipes for Weight-Loss & Diet
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ઓઈલ ફ્રી ઢોસા

   

  સામગ્રી

   

  -1 કપ ચોખાનો લોટ

  -1 કપ રવો

  -3 ચમચી દહીં

  -2 ચમચી આદું-મરચાંની પેસ્ટ

  -1/2 કપ ડુંગળીની છીણ

  -3 નંગ ટામેટાંની પ્યોરી

  -મીઠું સ્વાદાનુસાર

   

  રીત

   

  સૌપ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલમાં રવો, દહીં, મીઠું અને ચોખાના લોટને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઢોસાની ખીરું તૈયાર કરો. હવે આ મિશ્રણને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને મૂકો. ત્યાર બાદ તેમાં ટામેટાંની પ્યોરી, મીઠું અને આધું-મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાંચેક મિનિટ માટે ફરીથી ઢાંકીને મૂકો. ત્યારબાદ નોનસ્ટિક ઢોસાનો તવો ગરમ કરો. તેમાં એક ચમચી તેલ લગાવી લો. ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણમાંથી ઢોસા ઉતારો. આ ઢોસો એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બીજી બાજુ ફેરવી દો. બીજી બાજુથી પણ ચઢી જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. જો ઢોસા તવામાં ચોંટવા લાગે તો, તેમે તેમાં થોડું પાણી છાંટી શકો છો. આ રીતે જ બધા ઢોસા ઉતારો. તૈયાર છે તમારો સ્વાદિષ્ટ તેલ વગરનો ઢોસો. જેને તમે ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરી શકો છો.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઓઇલ ફ્રી રેસિપિ વિશે...

 • Recipes for Weight-Loss & Diet
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મેથીના બેક્ડ પરાઠા

   

  સામગ્રી

   

  -1 કપ ચણાનો લોટ

  -1/2 કપ ચણાનો લોટ

  -1 કપ મેથી સમારેલી

  -1 ચપટી અજમો

  -1 ચપટી હળદર

  -1/2 ચમચી જીરું પાઉડર

  -2 ચમચી લીલું મરચું સમારેલું

  -1 ચમચી તેલ

  -મીઠું સ્વાદાનુસાર

   

  રીત

   

  સૌપ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલમાં બંને લોટ બરાબર મિક્સ કરી લો. તેમાં મેથી, હળદર, મીઠું અને અજમો નાખીને બરાબર મિક્સ કરી લો. હવે એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચાં અને જીરું પાઉડર નાખીને થોડી સેકેન્ડો માટે સાંતળો. હવે આ વઘારને લોટમાં નાખીને બરાબર મિક્સ કરી લો. પાણીની મદદથી આ લોટમાંથી કણક તૈયાર કરો. કણકને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ આ લોટમાંથી લુઆ કરીને તેમાંથી પરાઠા વળી લો. તૈયાર થયેલા પરાઠાને ઘી કે તેલની મદદ વગર નોનસ્ટિક તવા પર શેકી લો. તૈયાર થયેલા પરાઠાને દહીં કે અથાણાં સાથે સર્વ કરો.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઓઇલ ફ્રી રેસિપિ વિશે...

 • Recipes for Weight-Loss & Diet
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  આલુ મટર કોરમા

   

  સામગ્રી

   

  -1/2 ટીસ્પૂન જીરું

  -1/2 કપ ડુંગળી સમારેલી

  -1/2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ

  -1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ

  -1 કપ ટામેટાં સમારેલી

  -1 ચપટી હળદર

  -1/2 ટીસ્પૂન મરચું પાઉડર

  -1/2 ટીસ્પૂન ગરમ મસાલો

  -1/2 ટીસ્પૂન ખાંડ

  -1 કપ બાફેલા વટાણાં

  -11/2 કપ બટાટા બાફીને સમારેલા

  -1 ટેબલ સ્પૂન કોથમીર સમારેલી

  -મીઠું સ્વાદાનુસાર

   

  રીત

   

  સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈને મધ્યમ તાપે ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરાને લગભગ દસ સેકેન્ડ માટે ફ્રાય કરો. ત્યાર બાદ તેમાં ડુંગળી નાખીને ફ્રાય કરો. લગભગ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને ટામેટાં નાખીને ચઢવા દો. ટામેટાં ચઢી જાય ત્યાં સુધી તેને ચઢવા દો. ત્યારબાદ તેમાં હળદર, મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ, વટાણાં અને બાફેલા બટાટા નાખીને બરાબર મિક્સ કરી લો. ચારથી પાંચ મિનિટ માટે તેને ચઢવા દો. હવે તેમાં અડધો કપ પાણી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. એકાદ મિનિટ ચઢાવ્યા બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ઓઈલ ફ્રી સબ્જી. જેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઓઇલ ફ્રી રેસિપિ વિશે...

 • Recipes for Weight-Loss & Diet

  સુરતી લોચો

   

  સામગ્રી

   

  મિશ્રણ માટે

  -1 કપ ચણાની દાળ

  -1/3 કપ અડદની દાળ

  -1/3 કપ પૌંઆ

  -2થી 3 ટેબલસ્પૂન તેલ

  -1થી 2 નંગ મરચાં

  -1 ચમચી આદુંની પેસ્ટ

  -1 ચપટી હિંગ

  -1/4 ચમચી હળદર

  -1/4 ચમચી ખાવાનો સોડા

  -મીઠું સ્વાદાનુસાર

   

  સર્વ કરવા માટે

  -1/2 વાટકી લીલી ચટણી

  -1/2 વાટકી કોથમીર સમારેલી

  -4થી 5 નંગ લીલા મરચાં

  -1 નંગ લીંબુનો રસ

  -1 વાટકી ઝીણી સેવ

   

  રીત

   

  સૌપ્રથમ ચણાની દાળ અને અડદની દાળને સાફ કરીને ધોઈને પાંચથી છ કલાક માટે અલગ-અલગ પાણીમાં પલાળી રાખો. આટલા કલાક બાદ બંને દાળમાંથી વધારાનું પાણી નીતારી લો. પૌઆને દસેક મિનિટ માટે જ પલાળી રાખો. હવે સૌથી પહેલા ચણાની દાળને થોડી કરકરી વાટી લો. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લો. હવે અડદની દાળને એકદમ ઝીણી પીસી લો. હવે પલાળેલા પૌઆને આ જ મિશ્રણમાં નાખીને ઝીણું પીસી લો. હવે આ મિશ્રણને પણ ચણાની દાળવાળા મિશ્રણમાં કાઢી લો. ત્યારબાદ તેમાં આદુંની પેસ્ટ, હિંગ, હળદર, લીલા મરચાં, મીઠું અને અડધું લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિશ્ર કરી લો. હવે આ મિશ્રણમાં બે ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. આ ખીરું ઢોકળા જેવું હોવું જોઈએ. જો તમને ખીરું બહુ ઘટ્ટ લાગતું હોય તો, તેમાં બેથી ત્રણ ચમચી પાણી નાખીને થોડું ઢીલું કરી લેવું.

   

  હવે ઢોકળિયામાં આ મિશ્રણ પાથરીને વરાળથી બાફી લો. લોચાના મિશ્રણને પાથરતા પહેલા તેમાં ખાવાનો સોડા નાખીને બરાબર મિક્સ કરી લેવુ. ત્યાર બાદ પાથરવાની થાળી પર થોડું તેલ લગાવીને લોચાને બાફવા માટે મૂકો. લોચાને બફાતા વીસથી પચ્ચીસ મિનિટ માટે મૂકો. સુરતી લોચો ઉપરથી ફૂલેલું લાગશે. પણ અંદરથી પણ ચઢી જાય એ જોઈ લેવુ. આ મિશ્રણમાં ચપ્પુ નાખીને ચેક કરી લેવું. જો તેમાં ચાકુ ચોંટે નહીં તો, સમજી જવું કે ચઢી ગયો છે. હવે તેને સ્ટેન્ડમાંથી બહાર કાઢી લો. હવે ગરમા-ગરમ સુરતી લોચાને સર્વ કરવા માટે તેને સૌપ્રથમ એક સર્વિંગ પ્લેટમાં લો. તેના પર એક નાના ચમચી સિંગતેલ ચારે બાજુ નાખો. ત્યાર બાદ તેમાં થોડો લીંબુનો રસ છાંટો. હવે તેના પર એક કે બે ચમચી લીલી ચટણી પાથરો. ત્યાર બાદ તેના પર કોથમીર નાખો. બેથી ત્રણ ચમચી સેવ પાથરો. લીલા મરચાં સાથે સ્વાદિષ્ટ સુરતી લોચાને સર્વ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

Trending

વીડિયો વધુ જુઓ