ઘટી રહ્યા છે પતંગબાજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ દિવસો વસંતના છે, પરંતુ આકાશમાં પતંગોની મોસમ આવી હોય એવું લાગતું નથી. મને યાદ છે કે આજથી 40-50 વર્ષ પહેલાં વસંત આવતાં જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હતું. પતંગ ઉડાડવાનું કંઈ માત્ર વસંત પર જ નહોતું, બાળકો તો રોજ સાંજ પડ્યે છાપરાં પર ચડીને પતંગો ઉડાડવાનો લુત્ફ ઉઠાવતાં હતાં. પતંગબાજીના જબરદસ્ત મુકાબલાઓ થતા. પેંચ લડાવાતા અને કોઈની પતંગ જો કપાઈ જતી તો તેનું મોં ઊતરી જતું અને કાપનારા તો ‘જો કાપ્યો જો કાપ્યો’ની બૂમો પાડવા માંડતાં. બાળકો કપાયેલી પતંગો લૂંટવા માટે દોડાદોડી કરતાં. તેમના ચહેરા પરનો આનંદ જોવા જેવો રહેતો.


બાળપણના દિવસોમાં મેં પણ પતંગ ઉડાડી હતી. મારા ફૈબાના દીકરાએ મને પતંગ ઉડાડતા અને દોરને ઢીલ આપીને બીજાની પતંગ કાપતા શીખવાડ્યું હતું. અમ્મી ખિજાતી કારણ કે તેમને મન આ છોકરાઓની રમત હતી અને છોકરીઓએ એમાં ન પડવું જોઈએ. મને પરિવારની અન્ય દીકરીઓના દાખલા અપાતા, જે ક્યારેય પતંગ પર નજર સુધ્ધાં નાખતી નહોતી. જોકે, અમ્મીની વઢ કે વડચકાંની મારા પર કોઈ અસર નહોતી. 9 વર્ષની વયે હું જ્યારે ભારતમાં આવેલા મારા વતનમાં ગઈ ત્યારે ત્યાં મોકળા માહોલમાં બહુ પતંગો ઉડાડી હતી.

ત્યાં એક-બે નહિ માસીને પૂરા છ દીકરા હતા, જેમણે પતંગ ઉડાડવાની સાથે સાથે પતંગ બનાવતાં પણ શીખવ્યું. કાચને વાટીને પછી કઈ રીતે માંજો પિવડાવવો, એ પણ શીખી હતી.
આ બધી વિસરાયેલી વાતો છે. પછી ભણવામાં મન લાગ્યું અને પતંગ-મોઇદાંડિયા બધું ભુલાઈ ગયું. હા, વસંતના દિવસોમાં પતંગ ઊડતી જોતાં. ધીમે ધીમે પતંગ ઉડાડનારા ઓછા થતાં ગયા છે. એનું એક કારણ ખુલ્લી જગ્યા અને બાગ-બગીચા ઘટતાં ગયાં, એ પણ છે. વળી, અમારે ત્યાં એવા લોકોનું વર્ચસ્વ વધતું ગયું જેમની દૃષ્ટિએ પતંગ કે મોઈદાંડિયા રમનારા સીધા નર્કમાં જશે. માંજાને બદલે ધાતુનો તાર વપરાવા માંડ્યો, જેણે અનેકોના જીવ લીધા. આખરે સરકારે તેના પર પ્રતિબંધ લાદ્યો. કરાચીમાં પતંગ બનાવનારા કેટલાક કારીગરો હજુ બચ્યા છે. બાળકો અત્યારે તેમની પાસેથી જ પતંગ ખરીદે છે અને પોતાનો શોખ પૂરો કરે છે. સરકારે જ જ્યારે પતંગ બનાવવા, તેને ખરીદવા અને ઉડાડવા પર પ્રતિબંધ લાદી દીધો છે ત્યારે કોઈ શું કરી શકે! 

અન્ય સમાચારો પણ છે...