તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગર્ભાશયની દીવાલમાં મસો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિલિ મારા માટે એક અઘરો કોયડો બની ગઈ હતી. છવ્વીસ વર્ષની એ આધુનિકા જ્યારે ઇન્ફર્ટિલિટીની સારવાર માટે મારી પાસે આવી ત્યારે પહેલી વારના શારીરિક ‘ચેકઅપ’માં બધું જ બરાબર જણાયું હતું.
મેં જ્યારે એને એવું કહ્યું ત્યારે સ્વાભાવિક રીતે જ એનો સવાલ આવો હતો, ‘જો બધું બરાબર હોય તો મને પ્રેગ્નન્સી કેમ નથી રહેતી?’

ઘણી વાર ગર્ભાશયની દીવાલ પર મસો હોય તો સંતાન થવાની સંભાવના ઓછી થઇ જાય છે. આવી સ્થિતિમાં જો પહેલાં ખ્યાલ આવી જાય તો તેનું ઓપરેશન કરીને કાઢી નાખ્યા બાદ સંતાનપ્રાપ્તિ થઇ શકે છે

‘બધું બરાબર લાગે છે એનો અર્થ એવો નથી કે બધું બરાબર છે. આ તો માત્ર શારીરિક તપાસ જ હતી. એમાં માત્ર એટલું જ જાણવા મળે કે ગર્ભાશયનું કદ, સ્થિતિ વગેરે કેવાં છે અને અંડાશયો વિશે થોડીક જાણકારી મળે. બાકી તો ઘણી જાતનાં ઇન્વેસ્ટિગેશન્સ અને ટેસ્ટ્સ કરવા પડે.’


‘જેમ કે?’
‘તારાં ગર્ભાશય અને અંડાશયની સોનોગ્રાફી, તારી ઓવરીમાંથી દર મહિને નિશ્ચિત તારીખે કે દિવસે અંડબીજ છૂટું પડે છે કે નહીં તે જાણવા માટેનો ઓવ્યુલેશન સ્ટડી, તારા હોર્મોન્સનાં લેવલ્સ, એમાં થાઇરોઇડ ટેસ્ટ્સ પણ આવી જાય, તારી બંને ફેલોપિયન ટ્યૂબ્સ ખુલ્લી છે કે બંધ એ જાણવા માટે ગર્ભાશયમાં દવા ભરીને એક્સ-રે પાડવા અને ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી જેવા તો અસંખ્ય...’


મિલિ બોલી ઊઠી, ‘બસ, બસ, મેડમ! આટલું બધું કરવામાં તો એકાદ-બે વર્ષ નીકળી જશે, તો મારી ટ્રીટમેન્ટ ક્યારે શરૂ થશે?’


‘ટ્રીટમેન્ટ તો આજથી પણ શરૂ કરી શકાય, પણ એ નિદાન વગરની સારવાર ગણાય. અંધારામાં તીર ચલાવવા જેવું. ક્યારેક નિશાન પર લાગી પણ જાય, પણ એ સાયન્ટિફિક સારવાર ન કહેવાય.’ મેં સમજાવ્યું, મિલિ સમજી ગઈ.
‘સૌથી પહેલાં તારા પતિનો સીમેન ટેસ્ટ કરાવી લઈએ. જો એ નોર્મલ રિપોર્ટ જણાય તો જ તારી તપાસ કરાવીશું.’ મેં એક ચિઠ્ઠી લખીને મિલિના હાથમાં મૂકી દીધી. એમાં કોઈ ખાસ લેબોરેટરીનું નામ લખ્યું ન હતું. બધી જ લેબોરેટરીઝ સારી જ હોય. વળી, વીર્યનો રિપોર્ટ એ તો સાવ સામાન્ય ટેસ્ટ ગણાય.


બીજા દિવસે રિપોર્ટ આવી ગયો. નોર્મલ હતો. મેં મિલિને પૂછ્યું, ‘હવે બધાં જ ઇન્વેસ્ટિગેશન્સ તારા જ કરવાના રહે છે. બોલ, ક્યારથી શરૂ કરવું છે?’


મેં તો એને પૂછવા ખાતર પૂછ્યું હતું, જે કંઇ નક્કી કરવાનું હતું એ મારે જ કરવાનું હતું. મેં સિમ્પલ સોનોગ્રાફીથી શરૂઆત કરી. રિપોર્ટ તદ્દન નોર્મલ આવ્યો. એ પછી સ્ત્રીબીજ ફૂટવાની તપાસ સૂચવી, મિલિનાં અંડાશયમાંથી બરાબર માસિકચક્રના ચૌદમા દિવસે સ્ત્રીબીજ છૂટું પડતું હતું. આથી સ્ત્રીબીજ ઉત્પન્ન ન થવાની તો સમસ્યા નહોતી. 


હવે સમય થયો એની ફેલોપિયન નળીઓ ખુલ્લી છે કે બંધ તે ચકાસવાનો.
‘એના માટે બે ટેસ્ટ્સ કરી શકાય, એક સસ્તો પડશે. બીજામાં ખર્ચ વધારે થશે.’
‘મેડમ, મારા હસબન્ડ સારી જોબ કરે છે. પૈસાની ચિંતા નથી. બેમાંથી જે વધુ સારો હોય એ જ ટેસ્ટ કરાવજો.’ મિલિએ સામેથી આવું કહ્યું, એટલે મેં ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી કરાવી લેવાનું વિચાર્યું.


લેપ્રોસ્કોપી   એટલે શું તે હવે લગભગ બધાને ખબર છે. પેટની દીવાલની આરપાર એક દૂરબીન દાખલ કરીને અંદરનાં અંગો જોવાની પદ્ધતિને લેપ્રોસ્કોપી કહે છે. આવું જ પાતળું દૂરબીન ગર્ભાશયમાં દાખલ કરીને તપાસ કરવાની પ્રક્રિયાને હિસ્ટ્રોસ્કોપી કહે છે.


મિલિને એક ખાસ દિવસે નર્સિંગહોમમાં દાખલ કરવામાં આવી. સવારથી જ તેને ભૂખ્યા રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી. બેહોશીનું ઇન્જેક્શન આપ્યા પછી સૌથી પહેલાં એનાં ગર્ભાશયની અંદર નળી દાખલ કરીને તપાસ કરવામાં આવી. એની દીવાલમાં એક લાંબો પોલિપ (મસો) હતો, એ મસો તરત અને ત્યારે જ દૂર કરી દેવામાં આવ્યો. બંને નળીઓનાં મુખ્ય

બે મહિના પછી મિલિ હસતો ચહેરો લઈને મને મળવા મારી હોસ્પિટલે આવી. એણે પર્સમાંથી યુરિન ટેસ્ટની સ્ટ્રીપ કાઢીને ટેબલ પર મૂકી દીધી, ‘મેડમ, મહિના ઉપર દસ દિવસ ચડ્યા છે. મેં ઘરે જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લીધો છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

દ્વારો તેમજ બીજું બધું સામાન્ય હતું. પેટ પરથી દૂરબીન દાખલ કરીને અંદરના અવયવો જોવામાં આવ્યાં. એ પણ બધા નોર્મલ જણાયા. મિલિની ફેલોપિયન નળીઓ ખુલ્લી હતી.
જ્યારે હોસ્પિટલમાંથી મિલિને રજા આપવામાં આવી ત્યારે મેં મિલિને કહ્યું, ‘બંને તપાસમાં લગભગ બધું નોર્મલ જણાયું છે, સિવાય કે અંદરની દીવાલમાં રહેલો એક મસો. એને કાઢી નાખવામાં આવ્યો છે. લેબોરેટરીમાં મોકલ્યો છે. ઘણી વાર આવા નાનકડા કારણથી ખૂબ મોટો પ્રશ્ન સર્જાતો હોય છે. તારા કેસમાં જો એ જ કારણભૂત હશે તો હવે પરિણામ મળી જવું જોઈએ.’


બે મહિના પછી મિલિ હસતો ચહેરો લઈને મને મળવા મારી હોસ્પિટલે આવી. એણે પર્સમાંથી યુરિન ટેસ્ટની સ્ટ્રીપ કાઢીને ટેબલ પર મૂકી દીધી, ‘મેડમ, મહિના ઉપર દસ દિવસ ચડ્યા છે. મેં ઘરે જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લીધો છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તમે જોઈ લો અને આગળની સારવાર ચાલુ કરી દો. હું તો મારા ભાવિ સંતાનની ડિલિવરી પણ તમારા હાથે જ કરાવવાની છું.’


હું એણે મારા ટેબલ પર મૂકેલી સ્ટ્રીપ સામે જોઈ રહી. એમાં દેખાતી બે ઊભી સમાંતર લીટીઓમાંથી મને મિલિના ભાવિ સંતાનનું ખિલખિલાટ હાસ્ય સંભળાઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...