તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વીટ સિક્સટીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોળ વર્ષની સ્વીટ ગર્લ. નામ પણ સ્વીટી. ખૂબ જ ગોરી અને નમણી. એની મમ્મી સુપ્રિયા અેને લઈને મારી પાસે આવી.
મેં પૂછ્યું, ‘શું તકલીફ છે?’

યુવતી ક્યારેક એવી સમસ્યામાં મુકાઇ જાય છે કે એ નથી કહી શકતી કે નથી સહી શકતી. આ સ્થિતિ ક્યારેક જોખમી નીવડે છે

સુપ્રિયાના અવાજમાં કંટાળો હતો, ‘જુઓને બહેન! આ દીકરીએ તો અમને હેરાન પરેશાન કરી મૂક્યાં છે.’
‘કેમ? એવું તે શું છે?’


‘શું છે એ જ પકડાતું નથી. ચાર-ચાર ડૉક્ટરો બદલી નાખ્યા, પણ કોઈ નિદાન પકડી શકતું નથી. છેલ્લે જે ડૉક્ટરને બતાવ્યું એણે કહ્યું કે એક વાર ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈ લો. માટે તમારી પાસે...’
મેં એક નજર સ્વીટીની તરફ ફેંકી. એની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ચામડી સૂકી જણાઈ રહી હતી. ચહેરો નિસ્તેજ હતો. સ્વાભાવિકપણે જ એ ડિહાઇડ્રેશનનો ભોગ બની ગઈ હોય તેવી લાગતી હતી.


મેં ફાઇલો હાથમાં લઈને તપાસવાનું શરૂ કર્યું. સૌથી પહેલી ફાઇલ એક જાણીતા ફિઝિશિયનની હતી. સૌથી મોખરે એક જનરલ પ્રેક્ટિશનરની ભલામણ ચિઠ્ઠી હતી. એમાં લખ્યું હતું, આ સો‌ળ વર્ષની છોકરીને ચાર-પાંચ દિવસથી ઊલટીઓ થાય છે. મેં ટેબ્લેટ્સ વગેરે આપી જોયું. ઇન્જેક્શનો પણ આપ્યાં. થોડાક કલાકો માટે સારું રહ્યું. પછી ફરીથી વોમિટિંગ ચાલુ. તમને વિનંતી છે કે એને તપાસીને યોગ્ય જણાય તે કરજો. પછી જાતજાતના ટેસ્ટ હતા. બ્લડગ્રૂપથી માંડીને હિમોગ્લોબીનના રિપોર્ટ્સ. યુરિન ટેસ્ટ પણ કરાવ્યો હતાે.  લગભગ તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા.


ફિઝિશિયને બે દિવસ માટે સ્વીટીને એના નર્સિંગ હોમમાં દાખલ કરી દીધી હતી. ગ્લુકોઝ-સેલાઇનના બાટલા ચડાવ્યા હતા. ઊલટી ન થાય તે માટેનાં ઇન્જેક્શનો આપ્યાં હતાં. સ્વીટીને સારું લાગવા માંડ્યું. શરીરમાં પાણીની ઓછપ હતી તે સરભર થઈ જવાથી થોડુંક ચેતન આવ્યું એટલે એને રજા આપવામાં આવી.


બે દિવસ પછી પાછું હતું એવું થઈ ગયું. હવે જનરલ સર્જન મેદાનમાં ઊતર્યા. એ જ ચક્કરો ચાલુ થઈ ગયાં. સર્જને એપેન્ડિસાઇટિસ, પેશાબની પથરી, આંતરડાંનો સોજો વગેરે કેટલાંયે કારણો ચકાસી લીધાં. ગ્લુકોઝ-સેલાઇનના બાટલામાં એન્ટિબાયોટિક્સનાં ઇન્જેક્શનો પણ ઉમેર્યાં. રખેને શરીરમાં ક્યાંક ઇન્ફેક્શન લાગું પડ્યું હોય તો તે કાબૂમાં આવી જાય. બધું સારું થઈ ગયું, પણ સ્વીટી ઘરે આવી એટલે પાછું હતું એમનું એમ!


ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટે સૂચન કર્યું, ‘કમળો હોઈ શકે. લિવર ફંક્શન ટેસ્ટ્સ કરાવો.’ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. કમળો ન હતો. સોળ વર્ષની દીકરીમાં બીજું શું હોઈ શકે? માનસિક તણાવ, શાળામાં શિક્ષક તરફથી ટોર્ચર, પરીક્ષાનો ભય, મમ્મી-પપ્પાની અપેક્ષાઓનો બોજ? એ બધું પણ ‘રૂલ આઉટ’ કરી દેવામાં આ‌વ્યું.


છેલ્લે કંઈ જ ન પડકાયું ત્યારે જાહેર કરવામાં આવ્યું, ‘હોજરી પર સોજો આવ્યો લાગે છે. હાઇપર એસિડિટીના કારણે ઊલટીઓ થાય છે. ખોરાકમાં ફેરફાર કરો. એસિડિટીની ગોળીઓ શરૂ કરો.’


પાંચ-દસ ટકાથી વધુ ફરક ન પડ્યો. આખરે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટે સૂચન કર્યું, ‘સ્વીટી ગમે તેમ તોયે છોકરી છે, માટે ગાયનેકોલોજિસ્ટનો અભિપ્રાય લઈ લો.’


આ રીતે સ્વીટીને મારી પાસે લાવવામાં આવી. મેં ધીરજપૂર્વક થોડાક સવાલો પૂછ્યા. પછી સ્વીટીને શારીરિક તપાસ માટે ટેબલ પર લીધી. ત્યાં જે જાણવા મળ્યું તે આઘાતજનક હતું. મેં સ્વીટીને દબાયેલા અવાજમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા, પણ બાપડી ડરી ગઈ હોવાથી જવાબ આપી ન શકી. બહાર આવીને મેં એની મમ્મીને કહ્યું, ‘સુપ્રિયા, હિંમત રાખજો. મારી વાત સાંભળીને તાત્કાલિક પ્રતિક્રિયા ન આપજો.’


‘બહેન, એવું શું થયું છે મારી દીકરીને?’
‘સ્વીટી પ્રેગ્નન્ટ છે.’
‘હેં?’ સુપ્રિયાના આઘાતનો પાર ન હતો. એવું લાગતું હતું જાણે એણે સાક્ષાત્ મોત ભાળી લીધું હોય!
‘હા, સુપ્રિયા! સ્વીટી ઇઝ પ્રેગ્નન્ટ. ત્રીજો મહિનો પૂરો થવા આવ્યો છે. આ ઊલટીઓ એના કારણથી જ છે. હવે થોડાક દિવસ પછી ક્રમશ: ઓછી થઈને પછી સાવ બંધ થઈ જશે.’
સુપ્રિયા માંડ માંડ આટલું બોલી શકી, ‘પણ મારી સ્વીટી તો કુંવારી છે. સોળ જ વર્ષની છે. એ પ્રેગ્નન્ટ?’


‘પ્રેગ્નન્સીનો સંબંધ લગ્ન સાથે કે ઉંમર સાથે નથી હોતો, એનો સંબંધ સેક્સ રિલેશન સાથે હોય છે.’
‘સ્વીટી અને સેક્સ રિલેશન?’

‘બહેન, હું ડૉક્ટર છું. મારું કામ તમારી ઇજ્જત બચાવવાનું નથી, પણ સ્વીટીની શારીરિક તકલીફોનું નિવારણ કરવાનું છે. તમે સ્વીટીને લઈને ઘરે જાવ. એના પપ્પા સાથે ચર્ચા-વિચારણા કરીને પછી પાછા મારી પાસે આવો. 

‘હા, મેં એને પૂછી લીધું છે. તમે પણ ઘરે જઈને પૂછી લેજો. ધીરજ અને શાંતિથી કામ લેજો. એના પપ્પાને કહેજો કે દીકરીની સાથે મારઝૂડ ન કરે.’
પ્રારંભિક આઘાતમાંથી બહાર આવી અને સુપ્રિયા રડી પડી, ‘બહેન, અમારી ઇજ્જતનું શું થશે? અમે સમાજમાં કોઈને મોં બતાવવા જેવાં નહીં રહીએ. આ ગર્ભમાંથી સ્વીટીને...’


‘બહેન, હું ડૉક્ટર છું. મારું કામ તમારી ઇજ્જત બચાવવાનું નથી, પણ સ્વીટીની શારીરિક તકલીફોનું નિવારણ કરવાનું છે. તમે સ્વીટીને લઈને ઘરે જાવ. એના પપ્પા સાથે ચર્ચા-વિચારણા કરીને પછી પાછા મારી પાસે આવો. તમે જે નિર્ણય લેશો તેમાં હું મદદ કરી આપીશ.’
એ બંને ગયાં. એ આખો દિવસ હું સ્વીટીના જ વિચારોમાં વ્યસ્ત રહી. ઊલટીઓ થવાનાં કારણો ભલે શારીરિક હોય છે, પણ એનું મૂળ ક્યારેક સામાજિક પણ હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...