તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રસૂતિના તબક્કા વાર ગર્ભના વિકાસની સ્થિતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિંદી નિયમિતપણે ચેકઅપ માટે આવતી હતી. એ પ્રથમ વાર જ પ્રેગ્નન્ટ બની હતી. છ મહિના પૂરા થયા ત્યારે મેં એને સૂચના આપી, ‘અત્યાર સુધી તું મહિનામાં એક વાર ચેકઅપ માટે આવતી હતી, પણ સાતમા અને આઠમા મહિનામાં દર પંદર દિવસે આવજે અને છેલ્લા મહિનામાં દર અઠવાડિયે મારી પાસે આવવાનું રાખજે.’

પ્રથમ વાર માતૃત્વ ધારણ કરનારી યુવતીના મનમાં ગર્ભમાં પોતાના શિશુનો વિકાસ કેવો અને કેટલો થયો હશે તે જાણવાની ઉત્કંઠા હોય છે. આવા સંજોગોમાં તેને તબક્કા વાર ગર્ભના વિકાસની સમજણ આપી શકાય છે

બિંદી આજ્ઞાંકિત પેશન્ટ. એટલે એણે મારી સૂચના સ્વીકારી લીધી, પણ એ ગ્રેજ્યુએટ હોવાથી એના મનમાં કેટલાક સવાલો રમતા હતા, જે પૂછ્યા વગર એ રહી ન શકી, ‘બહેન, અત્યારે મારા ગર્ભાશયમાં રહેલા બાળકનો વિકાસ કેટલો હશે અને સરેરાશ એ કેટલો હોવો જોઈએ?’


‘બિંદી, તારું શિશુ અત્યારે આશરે 38 સેમી. લાંબું હોવું જોઈએ. એનું વજન દોઢ કિ.ગ્રા.થી પોણા બે કિ.ગ્રા.ની વચ્ચે હોઈ શકે. આ તબક્કે તારા શિશુનાં નાક, આંગળીઓ, અંગૂઠા જેવાં અંગો સ્પષ્ટ દેખાવા લાગે છે. આંગળીઓ પર નાનાં-નાનાં નખનું આવરણ પણ છવાઈ ગયું હશે. એનું મગજ હવે પક્વ બની ગયું હશે. એનો ચહેરો પણ હવે હાવભાવ વ્યક્ત કરી શકે. બહારની દુનિયામાં થતા અવાજો એ સાંભળી શકતું હશે. એ તારા પેટમાં લાતો મારતું હોય એવું તને લાગશે, હકીકતમાં એ પગ ઉછાળીને કસરત કરતું હશે.’


બિંદી સંતોષ પામીને ચાલી ગઈ, પણ એક મહિના પછી જ્યારે તે પાછી આવી ત્યારે મને કહેવા લાગી, ‘મને માફ કરજો બહેન, હું પંદર દિવસે ચેકઅપ માટે આવી ન શકી, પણ મને એ જણાવો કે અત્યારે મારું શિશુ કેવું દેખાતું હશે?’


‘હાલમાં તારું બાળક આશરે 40થી 45 સેમી. લાંબું અને લગભગ 2000 ગ્રામથી 2300 ગ્રામ જેટલું વજન ધરાવતું થઈ ગયું હશે. એનાં હાડકાં પહેલાં કરતાં વધુ મજબૂત થઈ ગયાં હશે. એની ચામડી સ્વચ્છ અને ચમકદાર લાગતી હશે. એના દિમાગના કોષો વિકસવા લાગ્યા હશે. એ અંદર રડતું પણ હશે. એની સ્વાદગ્રંથિઓ વિકસવા લાગી હોવાથી એનામાં ખાટા-મીઠા સ્વાદની પરખ આવી ગઈ હશે. એ અત્યારે પ્રકાશ અથવા પીડા જેવાં પરિબળો સામે પ્રતિક્રિયા આપવા જેટલું સક્ષમ બની ગયું હશે.’ બિંદી કલ્પનાની આંખથી એના ગર્ભસ્થ શિશુને જોઈ રહી. એ દર પંદર દિવસના અંતરે ‘ચેકઅપ’ માટે આવતી રહી. હું જરૂર પડે એમ સોનોગ્રાફી દ્વારા એના શિશુનું હલનચલન પ્રત્યક્ષ રૂપે દેખાડતી રહેતી હતી. એમ કરતાં આઠમો મહિનો પૂરો થયો.


નવમો મહિનો આવ્યો. હવે તો બિંદીની ઉત્સુકતા તમામ હદ વટાવી ચૂકી હતી. મારે એના જન્મનારા બાળકનું વર્તમાન વિશેનું વર્ણન કરવું જ પડ્યું.


‘બિંદી, તારું શિશુ અત્યારે આશરે 2300 ગ્રામથી 3500 ગ્રામ વજનનું હશે. એની લંબાઈ 50 સે.મી.ની આસપાસ હશે. હવે એ ભરાવદાર લાગતું હશે. એની ત્વચાની કરચલીઓ ઓછી થઈ ગઈ હશે. એના પગ છાતી સુધી વળેલા હશે અને ઘૂંટણ નાકને અડે તેવી સ્થિતિમાં હશે. નોર્મલ પ્રસૂતિ થવા માટે આ સ્થિતિ જરૂરી બની જાય છે. બાળકનાં ફેફસાં અત્યારે વિકસિત બની ગયાં હશે. એનાં માથાનાં હાડકાં હજુ નરમ અને પોચાં હશે, જેથી જરૂર પડે તો માથું સહેજ દબાઈને પણ પ્રસવમાર્ગમાંથી બહાર આવી શકે. આ બધી કુદરતની કરામતો છે.’
બિંદીની તમામ જિજ્ઞાસા સંતોષી લીધા પછી મેં એને કહ્યું, ‘હવે મારા તરફથી પણ કેટલીક સૂચનાઓ છે, તારે એનું પાલન કરવું પડશે.’
‘કરીશ, જણાવો.’ બિંદી ખુશ હતી.


‘બિંદી, હવે તારા વજન પર ધ્યાન આપવું પડશે. છેલ્લા ત્રણ મહિનામાં કોઈ પણ ગર્ભવતી સ્ત્રીનું વજન સાડા ચારથી પાંચ કિલો જેટલું વધવું જોઈએ એટલે કે દરેક વિઝિટ વખતે એમાં દોઢથી બે કિ.ગ્રા. કરતાં વધારે ઉમેરો નોંધાવો ન જોઈએ. ઉપરાંત આ સરેરાશથી વધારે વજન ઉમેરાય તો તેનું કારણ પગમાં સોજા આવવા અથવા બ્લડપ્રેશરમાં વધારો થવો તે પણ હોઈ શકે છે.’
‘હું આ વાતનું ધ્યાન રાખીશ, બહેન.’ બિંદીએ કહ્યું.
‘દર મુલાકાત વખતે યુરિનનું પરીક્ષણ કરવું જરૂરી છે. પેશાબમાં પ્રોટીન અથવા શર્કરા જાય છે કે નહીં તે જાણવા માટે. જે બહેનોનાં યુરિનમાં પ્રોટીન જતું જણાય તે બહેનોનું બ્લડપ્રેશર વધી ગયું હોઈ શકે.’

 

‘બ્લડપ્રેશર વધે એ જોખમી બાબત ગણાય?’
‘હા, ખૂબ જ જોખમી. જો પ્રસૂતિ સમયે બ્લડપ્રેશર કાબૂમાં ન રહે તો માતા અથવા બાળક અથવા બંને માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.’ બિંદી વિચારમાં પડી ગઈ. મેં એને આવું ન થાય તે માટે શું કરવું જોઈએ એ અંગે સૂચનાઓ આપી, એણે ધ્યાનથી સાંભળી મારી સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું વચન આપ્યું. ગર્ભાવસ્થાના અંતિમ ત્રણ મહિના દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે વધુ ચર્ચા આવતા સપ્તાહે કરીશું.

અન્ય સમાચારો પણ છે...