તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે, હમ ભરી દુનિયાં મેં તન્હા હો ગયે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘બાયડી ભાગી કેમ ગઈ? 
રોજ હાથ ઉપાડતા હતા? 
છેલ્લે ક્યારે એને માર માર્યો હતો? મને જાણવા મળ્યું 
છે કે રોજ રાત્રે તમારા ઘરમાં 
વાસણો ખખડતાં હતાં.’

 

બત્રીસ વર્ષની મીમાંસા. મધ્યમવર્ગીય પરિવારની પરીણિતા. બે બાળકોની મમ્મી. સુંદરતાની બાબતમાં પૂરી સોસાયટીની શાન. એક દિવસ સમી સાંજના સમયે ‘શાક લેવા જાઉં છું; અડધા કલાકમાં પાછી આવી જઇશ.’ એવું કહીને ઘરમાંથી નીકળી. એ વાતને આજે બાર વર્ષ થઇ ગયાં. એ તો પાછી નથી જ આવી, એના વાવડ પણ નથી આવ્યા.
એક કલાક થઇ ગયા પછી નાનો ભઇલું રડવા માંડ્યો, ‘મમ્મી...! મમ્મી...!’ એ ત્રણ વર્ષનો હતો.
પાંચ વર્ષની મિનિએ ભઇલાને છાનો રાખ્યો, ‘હમણાં આવી જશે મમ્મી! તારા માટે કેળાં લાવશે, સફરજન લાવશે, જમરૂખ લાવશે. તને મેગી ભાવે છે ને? મમ્મી મેગી પણ લેતી આવશે. છાનો રહી જા, હં...!’
અંધારું થવા લાગ્યું. મમ્મી ન આવી. દુકાન વસતી કરીને પપ્પા ઘરે આવ્યા. અત્યાર સુધી માંડ ટકાવી રાખેલી હિંમતનો બંધ તૂટી ગયો. હવે મિનિ પણ પોક મૂકીને રડવા માંડી, ‘મમ્મી...! મમ્મી...!’
સુરેશભાઇ આખા દિવસનો થાક ઓઢીને ઘરે આવ્યા હતા. આમ પણ એમનો સ્વભાવ તામસી હતો. રોજ રાત્રે ઘરે આવીને પત્નીની સાથે ઉગ્રતાપૂર્વક જ વાત કરવાનો એમનો ‘રિવાજ’ હતો. આજે પત્નીને બદલે પુત્રી હાથમાં આવી ગઇ.


છાસિયું કરીને એમણે પૂછ્યું, ‘શું છે મમ્મીનું? આમ ભેંકડો શા માટે તાણે છે?’
મિનિએ ડૂસકાં ભરતાં ભરતાં ભેંકડાની ઉત્પત્તિનું કારણ જણાવ્યું, ‘મમ્મી છ વાગ્યાની ગઇ છે. હજુ સુધી પાછી નથી...’
‘ક્યાંક બેસવા ગઇ હશે? ચંદનમાસીના ઘરે કે નિમુ ફોઇને ત્યાં. આવતી જ હશે.’
‘પણ મને તો એવું કહીને ગઇ છે કે હું શાક લેવા માટે જાઉં છું, અડધા કલાકમાં આવી જઇશ.’ મિનિનું રિપોર્ટિંગ શબ્દશ: પરફેક્ટ હતું.
હવે સુરેશભાઇની ખોપરી હટી ગઇ. ક્યાં મરી ગઇ હશે? આવવા દે એને ઘરે! આજે તો એને ઝૂડી જ નાખવી છે. સાવ રખડતા ઢોર જેવી થતી જાય છે. ન વરની ચિંતા, ન ઘરની ફિકર. એને એટલુંયે ભાન નથી કે અેનો ધણી આખા દિવસની લમણાઝીક પછી થાક્યો-પાક્યો ઘરે આવે ત્યારે એણે પાણીનો ગ્લાસ લઇને ઊભા રહેવું પડે?! હવે મારે ક્યાં ક્યાં તપાસ કરવી એને શોધવા માટે?
તપાસ શરૂ કરવી જ પડી, કારણ કે રાતના દસ વાગી ગયા તો પણ મીમાંસા ઘરે પાછી ન ફરી.

લગ્નનાં પ્રથમ પાંચ વર્ષમાં જ એણે મિનિને ચાળીસ દેશોની મુલાકાત કરાવી દીધી. પહેલા જ વર્ષમાં મિનિએ એક દીકરીને જન્મ આપ્યો

અડોશ-પડોશમાં વાત ફેલાઇ ગઇ. મોબાઇલ ફોનનું ત્યારે આજના જેટલું ચલણ ન હતું. છતાં પણ લેન્ડલાઇનનાં ડબલાં ગાજવા મંડ્યાં. નજીકનાં સગાંઓ, પછી મિત્રોના પરિવારો, પછી દૂરનાં સ્વજનો, પરિચિતો, જ્ઞાતિબંધુઓ, છેલ્લે તો લટકતી સલામનો વહેવાર હોય તેવા લોકોને પણ પૂછી વળ્યા, ‘મીમાંસા તમારા ઘરે આવી હતી? ના, ના! ખાસ કંઇ નથી. આ તો હજુ સુધી ઘરે પાછી નથી આવી એટલે...’
આખી રાત ઉજાગરામાં જ પસાર થઇ ગઇ. સવારે પડોશીઓએ સલાહ આપી, ‘પોલીસને જાણ તો કરવી જ પડે. રખે ને એની સાથે કશુંક ન બનવાનું બની ગયું તો તમે ભેરવાઇ પડશો.’
સુરેશભાઇ હવે આફતમાં મુકાઇ ગયા. શું કરવું એ પ્રશ્ન થઇ પડ્યો, રડતાં બાળકોને સાચવવાં કે પોલીસ સ્ટેશનમાં આંટાફેરા ખાવા?
પોલીસ સ્ટેશનમાં તો જે થતું હોય છે તેવું જ થયું. પી.એસ.આઇ. ચુડાસમા સાહેબે કાચી ફરિયાદ નોંધીને પછી પહેલું કામ ફરિયાદીને જ ધધલાવવાનું કર્યું, ‘બાયડી ભાગી કેમ ગઇ? રોજ હાથ ઉપાડતા હતા? છેલ્લે ક્યારે એને માર માર્યો હતો? મને જાણવા મળ્યું છે કે રોજ રાત્રે તમારા ઘરમાં વાસણો ખખડતાં હતાં. પાડોશીઓના કહેવા પ્રમાણે તમારો સ્વભાવ...’
સુરેશભાઇએ સાહેબના પગ પકડી લીધા, ‘સાવ સાચું, સાહેબ, મારો સ્વભાવ જરાક ગુસ્સાવાળો ખરો, પણ માતાજીના સમ ખાઇને કહું છું- મેં દસ વર્ષના લગ્નજીવનમાં એક વાર પણ મારી ઘરવાળી પર હાથ ઉપાડ્યો નથી.’
પોલીસે તપાસ શરૂ કરી દીધી. પોલીસના કાન પર જાતજાતની વાતો આવતી રહી. ચુડાસમા સાહેબ એક સાથે અનેક થિયરીઝ પર દિમાગ ચલાવતા રહ્યા.
એક થિયરી આવી હતી: પતિના ક્રોધી સ્વભાવથી કંટાળીને મીમાંસા ગૃહત્યાગ કરી ગઇ હશે.
બીજી થિયરી: ગૃહક્લેશથી થાકી-હારીને એણે આત્મહત્યા કરી લીધી હશે.


ત્રીજી થિયરી: મજકૂર ઔરત વધારે પડતી ધાર્મિક ઘેલછા ધરાવતી હતી, એટલે કોઇ સાધુ-મહાત્માના ચક્કરમાં પડીને હરિદ્વાર-હૃષીકેશ તરફ ચાલી ગઇ હોવી જોઇએ.
છેલ્લી થિયરી એ પણ હતી કે મીમાંસાનું કોઇની સાથે લફરું હશે, એ પ્રેમીની સાથે નાસી ગઇ હશે.
થિયરીઝ અનેક હતી, પણ હકીકત એક જ હતી, મીમાંસા જીવતી હોય કે મૃત પણ એનો પત્તો મળતો ન હતો. 
સમય કપાતો રહ્યો. મીમાંસાના સગડ ક્યાંયથી ન જ મળ્યા. સૌથી ખરાબ હાલત એની દીકરીની હતી. દીકરો તો સાવ અણસમજુ હતો એટલે માને ભૂલી જઇ શક્યો, પણ પાંચ વર્ષની મિનિ મહિનાઓ સુધી મમ્મીની યાદમાં રડતી રહી. છેવટે એણે પણ મન મનાવી લીધું કે મમ્મી ક્યારેય પાછી આવવાની નથી.
સુરેશભાઇને કોઇએ બીજી વાર પોતાની છોકરી પરણાવી નહીં. એક તો એ પોતાના સ્વભાવને કારણે જ્ઞાતિમાં બદનામ થઇ ગયા હતા, બીજી વાત એ પણ હતી કે કદાચ મીમાંસા અચાનક ટપકી પડે તો? જ્યાં સુધી એક પત્નીનો મામલો પૂરો ન થાય ત્યાં સુધી પુરુષ બીજાં લગ્ન કેવી રીતે કરી શકે? અહીં તો મીમાંસાનું મૃત્યુ પણ ‘કન્ફર્મ’ થયું ન હતું કે છૂટાછેડા પણ થયા ન હતા.
સુરેશભાઇએ જેમ-તેમ કરીને જિંદગીનું ગાડું ગબડાવ્યે રાખ્યું. એક પિતરાઇ બહેન નજીકમાં રહેતી હતી, એ ઘરકામમાં મદદ કરતી રહી. બાળકો મોટાં થતાં ગયાં. પાંચ વર્ષની મિનિ વીસ વર્ષની થઇ ગઇ. દેખાવમાં એ એની મા પર ગઇ હતી. કોલેજમાં ભણતાં ભણતાં જ એક સુખી અને સંસ્કારી યુવાનની નજરમાં વસી ગઇ.
ઉત્સવ નામના એ યુવાને કાયદેસર ઘરે આવીને સુરેશભાઇને વિનંતી કરી, ‘હું તમારી દીકરીને ચાહું છું. એનો હાથ માગવા આવ્યો છું. તમે હા પાડો તો હું મારાં મમ્મી-પપ્પાને લઇને વિધિવત્ તમને મળવા માટે આવું.’
સુરેશભાઇને લાગ્યું કે એમના માથા પરથી મોટો પહાડ જાણે ઊતરી ગયો!
બધું સુંદર રીતે ગોઠવાતું ગયું. ઉત્સવથી વધુ યોગ્ય જીવનસાથી ગૂગલ પર સર્ચ કરવા જઇએ તો પણ મળે તેમ ન હતો.
મિનિ લગ્ન કરીને ઉત્સવના ઘરમાં આવી ગઇ. વિશાળ બંગલો હતો, નોકર-ચાકર હતા, ગાડીઓ હતી, ગોઠવાયેલો બિઝનેસ હતો. ઉત્સવ પપ્પાના બિઝનેસમાં માર્કેટિંગની જવાબદારી સંભાળતો હતો.
‘આપણે હનિમૂન માટે ક્યાં જઇશું?’ લગ્નની પહેલી રાતે મિનિએ પૂછ્યું.
‘તારે ક્યાં જવું છે?’


‘મને તો તમે જ્યાં પણ લઇ જશો ત્યાં ફાવશે, સિમલા, મસૂરી, ઊટી...’
‘અરે ગાંડી! હું તને આખી દુનિયા બતાવીશ. આપણું હનિમૂન પૂરી જિંદગી ચાલતું રહેશે. મારે બિઝનેસના પ્રમોશન માટે અલગ અલગ દેશોમાં જવાનું થાય છે. હું તને પણ મારી સાથે લેતો જઇશ.’ ઉત્સવે પોતાની નવોઢાને આલિંગનમાં જકડી લીધી.
ઉત્સવે પોતાનું વચન પાળ્યું. લગ્નનાં પ્રથમ પાંચ વર્ષમાં જ એણે મિનિને ચાળીસ દેશોની મુલાકાત કરાવી દીધી. પહેલા જ વર્ષમાં મિનિએ એક દીકરીને જન્મ આપ્યો. પછી તો પતિ-પત્ની અને પુત્રી વિશ્વભરમાં ઘૂમતાં રહ્યાં. મિનિની દીકરી જાણે મિનિની ઝેરોક્ષ કોપી હોય તેવી દેખાતી હતી!
‘મિનિ, ડાર્લિંગ! આ વખતે હું બર્ન સિટીના પ્રવાસે જઇ રહ્યો છું, તારે આવવું છે ને!’ એક દિવસ ઉત્સવે પૂછ્યું.
મિનિએ આવું નામ પ્રથમ વાર સાંભળ્યું. એ તૈયાર થઇ ગઇ. ત્રણેય જણાં ઊપડી ગયાં. બર્ફની ચાદર ઓઢીને જીવતું શહેર. લાંબા ફરના કોટ પહેરીને ફરતા લોકો. આપણા ઇન્ડિયન્સ ઓછા જોવા મળે.
ઉત્સવે તો કહી દીધું. ‘ત્રણ દિવસ માટે હું મિટિંગ્ઝમાં બીઝી રહીશ. તું અને ઢીંગલી હોટલના રૂમમાં રહીને કંટાળી જશો. મારી સલાહ છે કે તમે રોજ થોડું થોડું ફરવાનું રાખજો. પછી તો હું પણ...’
બીજા દિવસે મિનિ તૈયાર થઇને નીકળી પડી. કેબ કરીને સિટી જોવા માટે.
એક વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એને રસ પડ્યો. એ અંદર પ્રવેશતી હતી ત્યાં જ એક આધેડ મહિલાની સાથે એ અથડાઇ પડી. એ સ્ત્રીનું પર્સ જમીન પર પડી ગયું. મિનિએ ‘સોરી’ કહીને તરત જ પર્સ ઉઠાવીને એ સ્ત્રીને આપ્યું.


સ્ત્રી એને જોઇ રહી. પછી એની નજર બાજુમાં ઊભેલી મિનિની દીકરી પર પડી. એ ગુજરાતીમાં પૂછી રહી, ‘ઇન્ડિયન છો?’ 
‘હા, ગુજરાતના છીએ. તમને ગુજરાતી આવડે છે?’ અજાણ્યા મુલકમાં માતૃભાષાનું એક વાક્ય પણ મિનિના કાનને મધ જેવું મીઠું લાગ્યું.
‘હા, આ તારી દીકરી છે?’ સ્ત્રી ટીકી-ટીકીને મિનિની દીકરીને જોઇ રહી હતી.
‘હા, કેમ? કંઇ ખાસ? બધા કહે છે કે હું જ્યારે નાની હતી ત્યારે...’
સ્ત્રીએ મિનિનું વાક્ય પૂરું ન થવા દીધું, એણે પોતે જ એ પૂરું કરી આપ્યું, ‘હા, તું જ્યારે નાની હતી ત્યારે બિલકુલ આની જેવી જ દેખાતી હતી, મિનિ...!!!’ આટલું બોલીને એ સ્ત્રી ગ્લાસડોર હડસેલીને ઝડપથી બહાર નીકળી ગઇ. મિનિ એની પાછળ દોડી ગઇ પણ ત્યાં સુધીમાં તો એ કારમાં બેસી ગઇ હતી. કારની ડ્રાઇવિંગ સીટ પર એક યુવતી બેઠી હતી. મિનિને એવું કેમ લાગ્યું કે એનો ચહેરો જાણે એનો પોતાનો જ હતો! મિનિ કંઇ વિચારે કે બોલે તે પહેલાં તો એ ‘સ્ત્રી’ બર્નની ભીડમાં ક્યાંક અલોપ થઇ ગઇ હતી.
જે સવાલ મિનિને પાંચ વર્ષની ઉંમરે થયો હતો એ જ સવાલ આજે ફરીવાર થયો- ‘એણે આવું શા માટે કર્યું હશે?’ થિયરીઝ અનેક હતી, પણ વાસ્તવિક ખુલાસો...??? 
(શીર્ષકપંક્તિ : સાહિર લુધિયાનવી)

અન્ય સમાચારો પણ છે...