મલ્ટિપ્લેક્સ / શરીરને સાંભળતા શીખો

શિશિર રામાવત

Mar 17, 2019, 06:40 PM IST
article by shishir ramavat

બેડ ન્યૂઝ એ હતા કે સુપર એક્ટર ઇરફાન ખાનને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર અથવા સાદી ભાષામાં કહીએ તો કેન્સરની ગાંઠ થઈ ગઈ હતી. ગુડ ન્યૂઝ એ છે કે ઇરફાન વિદેશમાં સારવાર કરાવીને, સાજા થઈને પાછા ભારત આવી ગયા છે. ઠીક ઠીક સમય આરામ કર્યા પછી ડોક્ટરનું ગ્રીન સિગ્નલ મળતાં જે તેઓ કામે ચડી જશે.

સોનાલી બેન્દ્રેએ કેન્સરની સફળ પણ પીડાદાયી અને લાંબી ટ્રીટમેન્ટ બાદ હળવે હલેસે કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. એને જ્યારે કેન્સર હોવાની ખબર પડી ત્યારે તે ઓલરેડી ચોથા સ્ટેજ પર પહોંચી ચૂક્યું હતું. ડોક્ટરોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ટ્રીટમેન્ટ સફળ થવાના ચાન્સ માત્ર 30 ટકા છે. સોનાલીના પ્રોડ્યુસર પતિ ગોલ્ડી બહલે નિર્ણય લઈ લીધો કે ટ્રીટમેન્ટ અમેરિકામાં જ કરાવવી છે. મુંબઈથી ઉપડેલી ફ્લાઇટ ન્યૂ યોર્ક પહોંચી ત્યાં સુધી લગભગ આખા રસ્તે સોનાલી કકળાટ કરતી રહીઃ ભારતમાં શું સારા ડોક્ટરોની કમી છે? અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવવામાં ખર્ચ કેટલો તોતિંગ થશે એનું તને ભાન છે? શું કામ ઓવર-રિએક્ટ કરે છે? પતિદેવનો તર્ક સીધો ને સટ હતોઃ અન્ડર-રિએક્ટ કરીને પસ્તાવા કરવા કરતાં ઓવર-રિએક્ટ કરવું સારું.

  • ઇરફાન ખાન, સોનાલી બેન્દ્રે, મનીષા કોઇરાલા, ઇમરાન હાશ્મિનો દીકરો... આ સૌએ નિખાલસતાપૂર્વક શેર કરેલા કેન્સરના અનુભવો ધ્યાનપૂર્વક સાંભળવા જેવા છે

ન્યૂ યોર્કમાં સોનાલીની સારવાર પાંચ મહિના ચાલી. એણે શરૂઆતથી જ નક્કી કર્યું કે મારે કેન્સરની વાત લોકોથી છુપાવવી નથી. હું ખુદ સોશિયલ મીડિયા પર મારા અનુભવો શેર કરીશ. એણે ઇન્સ્ટાગ્રામ પર આ રીતે ન્યૂઝ બ્રેક કર્યાઃ ‘જિદંગી આપણને ક્યારેક તદ્દન અણધારી રીતે ધાર પર ફેંકી દેતી હોય છે. મને હાઇ ગ્રેડ કેન્સર હોવાનું નિદાન થયું છે. ફ્રેન્કલી, આવો કોઈ અંદેશો સુધ્ધાં મને કે મારા પરિવારમાંથી કોઈને નહોતો. અસહ્ય દુખાવો થઈ રહ્યો એટલે મેં ટેસ્ટ્સ કરાવ્યા, જેનું અણધાર્યું પરિણામ આવ્યું.’

સોનાલી બેન્દ્રેના દીકરાને ત્યારે પૂરાં તેર વર્ષ પણ થયાં નહોતાં. એક વાત સ્પષ્ટ હતી કે દીકરાથી કશું છુપાવવું નથી, પણ સવાલ એ હતો કે એને બધી વિગતો કહેવી કેવી રીતે! આખરે ગોલ્ડી બહેલે જ એક વાર કારમાં દીકરાને કહ્યું, ‘જો બેટા, તારી મમ્મીને કેન્સર થયું છે. કેન્સર એટલે શું એ તને ખબર છે? દીકરાએ કહ્યું, હા, ખબર છે. ડર હતો કે કેન્સર વિશે ખબર પડતાં એ મૂંઝાશે અથવા રડવા માંડશે. એવું કશું જ ન થયું. એણે ગજબની પરિપક્વતા દેખાડી. એટલી હદે કે ક્યારેક તો એવું લાગતું કે જાણે એ મારો વાલી છે ને હું એની દીકરી છું,’ સોનાલી કહે છે.

મનીષા કોઇરાલાની ફરિયાદ હતી કે એની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહુ ઓછા લોકોએ એનાં ખબરઅંતર પૂછ્યાં હતાં. જોકે, પછી એણે એમ કહીને વાત વાળી લીધી હતી કે કદાચ હું જ કોઈના સંપર્કમાં નહોતી તે કારણ હોઈ શકે. સોનાલી બેન્દ્રેનો અનુભવ તદ્દન વિપરીત હતો. એને કેન્સર થયું છે એ વાત બહાર આવતાં જ શુભેચ્છા સંદેશાનો વરસાદ વરસ્યો. કોઈએ ફૂલોનો બુકે મોકલીને લખ્યું કે મેડમ, તમને હું કદાચ યાદ નહીં હોઉં, પણ તમારી ફલાણી ફિલ્મમાં હું આસિસ્સ્ટન્ટ ડિરેક્ટર હતો. કોઈએ કહ્યું કે સોનાલીજી, મેં ફલાણી ફિલ્મમાં તમારાં કોસ્ચ્યુમ્સનું કામકાજ સંભાળ્યું હતું.
આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ, કે જે ટૂંક સમયમાં ફુલલેન્થ ફીચર ફિલ્મની ડિરેક્ટર તરીકે ઊભરવાની છે, એણે પણ તાજેતરમાં કેન્સર સાથે મુકાબલો કર્યો. ઇમરાન હાશ્મિનો મીઠડો દીકરો અયાન વિલ્મ્સ ટ્યુમર નામના રેર કહેવાય એવા કિડનીના કેન્સરનો ભોગ બનેલો. અયાનની કેન્સરકથાની શરૂઆત પાંચ વર્ષ પહેલાં થઈ હતી.

એક દિવસ ઇમરાન હાશ્મિની પત્ની પરવીને કહ્યું, ‘અયાનનું પેટ વધારે સૂજી ગયું લાગે છે. જરા જુઓ તો.’ ઇમરાને દીકરાનું શર્ટ ઊંચું કરીને પેટ પર ગલીપચી કરી. અયાન ખિલખિલ કરતો હસી પડ્યો. એનું પેટ સહેજ સૂજી ગયું હોય એવું ઇમરાનને પણ લાગ્યું, પણ એણે પત્નીને ધરપત આપીઃ ‘ના રે ના. કંઈ નથી. ખાલી થોડું વજન વધ્યું છે એટલું જ. આ તો ઊલટાનું સારું કહેવાય.’

પણ કશું જ સારું નહોતું. થોડા દિવસ પછી અયાનના પેશાબમાં લોહી દેખાયું. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં નિદાન કરાવતાં ખબર પડી કે અયાન કેન્સરનો ભોગ બન્યો છે. એને ટોરોન્ટો (કેનેડા)ની સિકકિડ્ઝ હોસ્ટિપટલમાં દાખલ કરવામાં આવ્યો. ડો. આભા ગુપ્તા નામનાં એક ભારતીય ડોક્ટરે એની ટ્રીટમેન્ટ કરી. સારવાર સફળ રહી. આજે અયાન રાતી રાયણ જેવો છે. પોતાની આખી અનુભવકથા ઇમરાન હાશ્મિએ ‘ધ કિસ ઓફ લાઇફ: હાઉ સુપરહીરો એન્ડ માય સન ડિફિટેડ કેન્સર’ નામના સુંદર પુસ્તકમાં લખી છે.
ઇમરાન એક ઇન્ટરવ્યૂમાં કહે છે, ‘મારા દીકરા પાસેથી સૌથી મોટો પાઠ હું એ શીખ્યો કે જીવનમાં આપણે ભલે ગમે તેટલા પડીએ-આખડીએ, પણ પછી તરત ઊભા થઈ જવાનું હોય, ભૂતકાળનો ભાર માથા પર ઊંચક્યા વિના આગળ વધવાનું હોય. અયાનમાં ગજબની સહનશક્તિ છે. આટલી ભારે સારવાર હતી તોપણ એ સહેજ પણ વિચલિત નહોતો થયો. મોટેરા ઘાંઘાં થઈ જાય, પણ નાનાં બચ્ચાં હસતાં હસતાં કઠણાઈનો સામનો કરી લેતાં હોય છે.’

પોતાના પુસ્તકમાં છેલ્લે ઇમરાન હાશ્મિએ હેલ્થ ટિપ્સનું અલાયદું પ્રકરણ લખ્યું છે. એક ટિપ એવી છે કે પિસ્તાલીસ વર્ષ વટાવી ચૂકેલા પુરુષોએ દર વર્ષે પીએસએ (પ્રોસ્ટેટ-સ્પેસિફિક એન્ટિજેન) લેવલ ચેક કરાવવું જોઈએ. આ લેવલમાં પેદા થયેલું અસંતુલન ક્યારેક્ પ્રોસ્ટેટ કેન્સરમાં પરિણમી શકે છે. સ્તનનું કેન્સર વેળાસર ડિટેક્ટ થઈ શકે તે માટે સ્ત્રીઓ રેડિયેશન એક્સપોઝરથી બચવા મેમોગ્રામને બદલે એમઆરઆઇ સ્કેન કરાવી શકે છે. એક વિકલ્પ થર્મોગ્રામ તરીકે ઓળખાતી વિધિનો પણ છે.

સોનાલી બેન્દ્રે કહે છે, ‘તમારા શરીરને સાંભળતા શીખો. શરીરમાં કશીક ગરબડ હોય તો એ સંકેત જરૂર આપતું હોય છે, પણ આપણે બીજી વસ્તુઓમાં એટલા બિઝી હોઈએ છીએ કે આપણે શરીરનો સાદ સાંભળતા નથી. બીજું, મેડિક્લેઇમ, ઇન્સ્યોરન્સ પોલિસી વગેરે બધું ટિપટોપ રાખવું. આપણે માની લીધું હોય છે કે કેન્સર આપણને થોડું થાય. યાદ રાખો, તમારી લાઇફસ્ટાઇલ બિલકુલ હેલ્ધી હોય તોપણ તમે કેન્સરનો ભોગ બની શકો છે. અત્યંત ખર્ચાળ છે એની ટ્રીટમેન્ટ. નાણાભીડને કારણે કશું અટકી પડવું ન જોઈએ!’
shishir.ramavat@gmail.com

X
article by shishir ramavat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી