મિસ્ટર એન્ડ મીસીસ ત્રિવેદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અહીંયાં પાર્લે વેસ્ટમાં જ તો વળી, ફ્લેટ નંબર 12. ત્યાં જ રહે છે એ મિસ્ટર એન્ડ મીસીસ ત્રિવેદી. જુઓને અમે તો એની બાજુના આ 11 નંબરના ફ્લેટમાં. તમને કહું, એ લોકો રહેવા આવ્યા એ વાતને વર્ષ પણ નથી થયું. તે આખી વાતમાં પ્રોબ્લેમ શું છે એમ? એક મિનિટ ઊભા રહો. દાળ ચડી ગઈ છે, કૂકર ઉતારીને આવું. હા તો શું કહેતી હતી હું...હા તો પ્રોબ્લેમ...અમને કાંઈ નથી. આપણે તો પાડોશી. ચૂપચાપ જોયા કરીએ. વર્ષ થવા આવ્યું પણ એ મિસ્ટર એન્ડ મીસીસ ત્રિવેદી સાથે સીધી વાત નથી થઈ મારે. હા, એટલે મીસીસ ત્રિવેદી શાકભાજી લેવા બહાર જાય ત્યારે મને ચાવી આપતાં જાય, ‘મીસીસ તાવડે, આ ચાવી રાખોને. મિસ્ટર ત્રિવેદી કદાચ ઘરે આવે તો એમને જરૂર પડે.’ 


આપણે તો લઈ લઈએ. મરદ તો મારો પણ નોકરીએ જાય પણ સાંજ સિવાય પાછો નથી આવતો. મને થતું મિસ્ટર ત્રિવેદીને તો કેવી નોકરી હશે કે ગમે ત્યારે ઘરે આવી જાય. અરે પણ તમે બેસોને, ઊભા ઊભા થાકી જશો. આવો  બેસો. લો, આ મોતીચૂરના લાડુ. સિદ્ધિવિનાયકનો પ્રસાદ છે. મારી ભાણેજને નોકરી મળી ગઈ એની માનતા હતી. મારો મરદ તો ગામડે ગયો છે મારી આઈને લેવા માટે. બીમાર છે. અહીંયાં મુંબઈમાં જ ઑપરેશન કરાવીને આરામ કરાવીશું, પથરી છે બીજું કંઈ નહીં. શું કહો છો? અગોબાઈ, હું તો ભૂલી જ ગઈ... મારે તો તમને મિસ્ટર એન્ડ મીસીસ ત્રિવેદીની વાત કરવાની છે ને. મૈં ભી ના. હા તો પછી શું થાય કે જેવાં મીસીસ ત્રિવેદી શાકભાજીની થેલી લઈને જાય કે અડધી કલાકમાં મિસ્ટર ત્રિવેદી આવે અને અમારી ડોરબેલ વાગે. હું દરવાજો ખોલું કે એમનો સ્થિર ચહેરો અને લંબાયેલો હાથ, ‘અમારા ઘરની ચાવી!’ એવો કડક અવાજ જાણે આપણે એના ઘરની ચાવી ચોરી લીધી હોય. હવે આમ નજીક આવો, કોઈ સાંભળી જશે. તમને ખબર છે? મિસ્ટર ત્રિવેદી સાથે કોઈક છોકરી હતી. ગુલાબી ડ્રેસ, આંખે મોટા ગોગલ્સ, હાઈ હીલના સેન્ડલ. મિસ્ટર ત્રિવેદી અને એ ગુલાબી છોકરી બંને જણાં એ ફ્લેટ નંબર 12માં જતાં રહ્યાં. દેવા રે દેવા! મને તો કંઈ સમજાયું જ નહીં કે આ શું ચક્કર છે. શું કહો છો કે મીસીસ ત્રિવેદીને ખબર પડી કે નહીં એમ? બહુ ઉતાવળા તમે. આખી વાત તો સાંભળો. કલાક પછી પાછા મિસ્ટર ત્રિવેદી મને ચાવી આપીને પેલી ગુલાબી છોકરી સાથે જતા રહ્યા. મૈં ભી સોચું એ કૌનસા ચક્કર હૈ રે. પછી તો મીસીસ ત્રિવેદી ચાવી લેવા આવ્યાં તો મેં એને કહી દીધું. હા, આખ્ખેઆખ્ખી વાત. બાપ્પા મને તો એમ કે મીસીસ ત્રિવેદીને ફોન કરીને ખખડાવશે, એની ઑફિસે જશે પણ આ તો સીધી મારા પર ભડકી.


‘તમારા કામથી કામ રાખો. મારા ઘરની ચોકીદારીની કરવાની કોઈ જરૂર નથી.’ બસ આ તમારી આંખ પહોળી થઈ ગઈ એમ જ મારી આંખો ફાટી રહી. રે દેવા, કેવી બાઈ છે તું હેં. મેં તો એને ત્યાં જ ખખડાવી નાખી.
‘કલ સે ઈધર ચાવી દેને કા નહીં. તારા નોકર નથી.’ આ તો ઊલ્ટા ચોર કોટવાલ કો દાંટે..ના આમ તો અહીંયાં અત્યારે મીસીસ ત્રિવેદી ચોર નથી કદાચ.. છોડોને... જે હોય તે.... મારી નવવારી બતાવું. મારી વહિની લાવી છે, હા એ જ મારી નવી ભાભી. મસ્ત કલર છે. ઝેરી લીલો કલર છે. રુક મૈં લાતી હૈ. જો. હા....શું પૂછો છો તમે? મીસીસ ત્રિવેદીની ચાવીનું શું થયું એમ? અરે બીજા પાડોશીને આપી દેતી. હું કંઈ બોલું નહીં. ચૂપચાપ મિસ્ટર ત્રિવેદી અને પેલી ગુલાબી છોકરીને જોયા કરું. એ ગુલાબી મુલગી પણ સાલી જોરદાર દેખાય હોં. મિસ્ટર ત્રિવેદીનો હાથ પકડીને જ આવતી હોય. બધા જોતા હોય. પણ બહીણ, બધાને મારી જેટલી પડી થોડી હોય કે મીસીસ ત્રિવેદીને કોઈ કશું કહેવા જાય. મેં પણ નક્કી કર્યું કે આપણને શું? પણ એક દિવસ કેવું થયું ખબર..ડોરબેલ વાગી. બપોર જ હતી. મીસીસ ત્રિવેદી આવ્યાં. મને કહે હું ઘરમાં આવું. આવીને બેસી ગઈ. મેં પાણી આપ્યું. કલાક બેસી રહી. પછી એનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો ત્યારે ઊભી થઈ. મેં કંઈ જ પૂછ્યું નહીં પણ જતાં જતાં મારી સામે જોઈને બોલી, ‘મીસીસ તાવડે, શાકભાજીથી ફ્રીઝ ભરાઈ જાય છે, કેટલા દિવસ એ બહાનું કાઢીને ઘરની બહાર રહી શકું!’ એટલું બોલીને તો એ જે રડી છે...અરેરેરે! મને થયું કે દેવા રે દેવા, કઈ માટીની છે આ બાઈ! શું કીધું અત્યારે મારી આંખમાં પણ આંસુ છે એમ?

rammori3@gmail.com

અન્ય સમાચારો પણ છે...