‘પપ્પા! ચાર દિવસ પછી વેલેન્ટાઇન્સ ડે!’ હેમિશે એના (દૂરથી) પૂજવાલાયક પિતાશ્રીને વધામણી આપી.
હસુભાઈ મારી સામે જોઈ બોલ્યા, ‘આ મારા ગગાને ભગવાને જો જન્મ વખતે જ વાચા આપી હોત તો એ જન્મતાં જ બોલ્યો હોત, ‘પપ્પા! ચોવીસ વરસ પછી મારાં લગન!’
પુત્ર પોકેટમની માગશે એ આશંકાથી હસુભાઈને દસમી ફેબ્રુઆરી વસમી લાગવા માંડી. એમણે પુત્રના વારસાગત લક્ષણ પર પ્રહાર કરતું સંબોધન કર્યું, ‘ડફોળ!’ પછી ઉમેર્યું, ‘આજે માગસરની પંચમી છે, વસંતપંચમી છે, એની તને ખબર નથી અને બસ વેલેન્ટાઇન્સ ડે યાદ છે? અંગ્રેજો ગયા પણ તમારા જેવા માટે કેલેન્ડર મૂકી ગયા!’
- ‘આજે વસંતપંચમી છે, એની તને ખબર નથી અને બસ વેલેન્ટાઇન્સ ડે યાદ છે? અંગ્રેજો ગયા પણ તમારા જેવા માટે કેલેન્ડર મૂકી ગયા!’
પિત્તપ્રકોપ કરતાંય કડવા પિતાના પ્રકોપનો હેમિશે સામનો કરવાનો હતો.
‘તમે ગમે તેટલું અકળાવ, તોય વેલેન્ટાઇન્સ ડે તો આવવાનો જ અને ખર્ચ થવાનો જ!’ હેમિશે ઘરની રિઝર્વ બેન્કના ગવર્નરને છંછેડ્યા.
‘આ હરખઘેલાને સમજાવો કે વેલેન્ટાઇન્સ ડેએ કંઈ ઇમરાન હાશ્મીનો જન્મદિવસ નથી!’ એમ કહી હેમિશને જ્ઞાન આપવાની જવાબદારી મારા શિરે નાખવામાં આવી.
‘ખબર છે! વેલેન્ટાઇન્સ ડે કોની યાદમાં ઊજવાય છે? એનો મહિમા શું છે?’
‘જૂની પ્રેમિકાની યાદોને ‘ક્રશ’ કરી તમારા નવા ‘ક્રશ’(પ્રેમિકા)ને પટાવવાનો આ દિવસ છે!’
મેં શરૂ કર્યું, ‘રોમમાં વેલેન્ટાઇન નામના એક ‘રોમેન્ટિક’ સંત થઈ ગયા!’
દીકરા કરતાં હસુભાઈને વધારે રસ પડ્યો. ‘આ ‘એન્ટિક’(પુરાતન) શબ્દની આગળ ‘રોમ’ લગાવવાથી બરાબર એવી જ ઇફેક્ટ આવે છે જેવી ‘રામ’ની આગળ ‘આશા’ શબ્દ લગાવવાથી આવે છે!’
મેં વાત આગળ ચલાવી, ‘એ સંત પ્રેમના પૂજારી હતા.’
‘અત્યારના પણ બધા એવા જ છે!’ હેમિશે તરત સમાનતા શોધી કાઢી.
‘પણ એ વખતના શાસક ક્લાઉડિયસ પ્રેમના વિરોધી હતા! એણે સૈનિકોને પ્રેમ અને લગ્ન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સંત વેલેન્ટાઇન સૈનિકોનાં લગ્નહક્ક માટે લડ્યા!’
હસુભાઈએ સાર કાઢ્યો, ‘જોયું! આ સૈનિકોનો તહેવાર છે! અને મવાલીઓ નીકળી પડ્યા છે ઊજવવા! કંઈ નોલેજ નથી તમારી જનરેશનને! દમ હોય તો આર્મીમાં જાઓ!’
‘પપ્પા! અમારી જનરેશન આર્મીમાં જવાની ના પાડે છે, કેમ કે સૈનિકોને બહુ બધી બહેનો રાખડી બાંધી જાય છે!’
‘સારું! આર્મીમાં ન જવું હોય તો શિવસેનામાં ભરતી થઈ જા અને ફંડ-ફાળો ઉઘરાવ!’
‘પણ પપ્પા! વેલેન્ટાઇન્સ કાર્ડ માટે તો તમારે જ ઉઘરાણું આપવું પડશે!’
‘કોને આપશે કાર્ડ?’
‘છોકરીને!’ હેમિશે જનરલ જવાબ આપ્યો. તોય એ રાહતજનક હતો. પુત્ર 377 કલમની જોગવાઈનો લાભ નથી લેવા માગતો એવો હસુભાઈને ખ્યાલ આવ્યો!
‘લાવો બે હજાર!’
‘વેલેન્ટાઇન્સ કાર્ડના બે હજ્જાર રૂપિયા?’ હસુભાઈની આંખો પહોળી થઈ ગઈ, ‘અમારા જમાનામાં તો બે હજારમાં લગન થઈ જતાં!’
‘જેવું ઇન્વેસ્ટમેન્ટ એવું રિટર્ન! તમારા તો પ્રેમ વગરનાં લગ્ન!’ દીકરાએ બાપને ચોપડાવ્યું.
‘અને તમારો લગ્ન વગરનો પ્રેમ!’ બન્ને પેઢી બાખડી પડી.
મેં વાતાવરણ ઠંડું પાડતાં કહ્યું, ‘અમે તો ચોરીછૂપી જૂની પસ્તીમાંથી રંગબેરંગી કાગળિયા કાપી, એમાંથી જાતે જ કાર્ડ બનાવતા!’
હસુભાઈએ ઉદાર થઈ કહ્યું, ‘કાતર, પસ્તી અને ગુંદરની વ્યવસ્થા કરી આપીશ, બસ!’
‘વીસ-વીસ કાર્ડ કોણ બનાવે?’
‘અલ્યા! વીસ કેમ?’
હેમિશે જવાબ આપ્યો, ‘અંકલ, જેમ તમે શેર એલોટમેન્ટની વીસ-વીસ અરજીઓ ઠોકો છો; પપ્પા! જેમ લોટરીની વીસ-વીસ ટિકિટ લો છો; એમ હું વીસ સખીઓને કાર્ડ આપવા માગું છું. લાગ્યું તો તીર, નહીંતર તુક્કો!’
હસુભાઈ હક્કાબક્કા થઈ ગયા, ‘નહીં ચાલે! આ ઘરમાં રહેવું હશે તો આપણી સંસ્કૃતિ મુજબ જ જીવન જીવવું પડશે! આજે વસંતપંચમીની પૂજા કરવાની છે! જા ગલગોટા લઈ આવ!’ દીકરો વેલેન્ટાઇન્સ ડેનો ગુલાબી બંદોબસ્ત કરવા માટે ગુલાબી નોટ માગતો હતો, પણ હસુભાઈએ વાતાવરણ ગલગોટા કલરનું કરી દીધું.
પરિસ્થિતિ પર કામચલાઉ કાબૂ મેળવવામાં સફળ થયેલા હસુભાઈ બેસૂરા અવાજે ગાવા માંડ્યા, ‘કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની.’
થોડીવાર હેબતાઈ ગયેલા હેમિશે ગૂગલ કર્યું. પછી ધીમેથી કમબેક કરતાં બોલ્યો, ‘આપણી સંસ્કૃતિમાં વસંતપંચમીને મદનોત્સવ તરીકે ઊજવવામાં આવે છે! એય એક પ્રકારનો વેલેન્ટાઇન્સ ડે ન કહેવાય?’
હસુભાઈને ક્રિકેટર ‘મદન’લાલ અને એક્ટર ‘મદન’પુરી સિવાય ત્રીજા કોઈ પ્રકારના ‘મદન’નો આઇડિયા નહોતો! એટલે એમને સમજાવવાનું મારે ફાળે આવ્યું, ‘મદન એટલે આલિંગન અથવા એથીય વિશેષ!’
હેમિશ કૂદી પડ્યો, ‘જોયું? વેલેન્ટાઇન્સ ડેમાં તો ખાલી ‘પ્રપોઝ’ કરવાની વાત હોય જ્યારે આ મદનોત્સવમાં તો પ્રેમ માટે કેવો ‘પોઝ’ લેવો એની પણ વાત આવે, એ રીતે મદનોત્સવ વેલેન્ટાઇન ડેનો બાપ કહેવાય!’
‘તો સારું આજે અમને મોટાઓને મદનોત્સવ ઊજવી લેવા દે, પૈસા બચશે તો તને કાલે કાર્ડ માટે મળશે!’ એમ કહીને હસુભાઈએ હેમિશને ભગાવ્યો.
સાંજ સુધીમાં તો ઉત્તેજિત થયેલા હસુભાઈએ આખી સોસાયટીમાં હવા ફેલાવી દીધી, ‘વેલેન્ટાઇન્સ ડે તો બાલ-બચ્ચાંઓનો તહેવાર છે! મોટાઓ તો મદનોત્સવ ઊજવે!’
હસુભાઈને મદનનો મદ ચડી ગયો હતો. કોઈ ‘મીટુ’ જેવી દુર્ઘટના ઘટે એ પહેલાં એ મદ ઉતારવો જરૂરી હતો. એટલે મેં કહ્યું, ‘આ દિવસોમાં પુરુષો ‘ફૂલ’ દેવા માટે કોઈ ‘દેવી’ને શોધતા હોય છે.’
હસુભાઈ રમ્ય કલ્પનામાં સરી ગયા, ‘હા! ફૂલ દઈ શકાય એવી કોઈ દેવી! જેમ કે રેખા... ઝિનત... હેમા...’
હેમાબહેન યાદ આવતાં જ હસુભાઈનો મદનોત્સવ રુદનોત્સવમાં પરિવર્તિત થઈ ગયો.
‘પણ મારી પાસે તો ઓલરેડી ‘ફૂલનદેવી’ છે જ!’
amiraeesh@yahoo.co.in