કામક્રીડા વખતે વીર્યસ્ખલન જલદી થાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમસ્યા: મારી ઉંમર 21 વર્ષની છે. હું જ્યારે મારી ગર્લફ્રેન્ડ જોડે સંબંધ રાખવાની કોશિશ કરું છું, ત્યારે મારા શિશ્નમાં બળતરા થાય છે તે એ નિવારવા માટે માટે શું કરવું જોઈએ. આ માટેના યોગ્ય ઉપાયો જણાવશો.


ઉકેલ: જાતીય સંબંધ વખતે ઇન્દ્રિયમાં બળતરા, દુખાવો થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. સૌથી સામાન્ય કારણમાં ઇન્દ્રિય ઉપરની અગ્રત્વચા છે. સામાન્ય રીતે આ અગ્રત્વચા નીચે તરફ સરકતી હોય છે, પરંતુ ઘણી વાર શિશ્નમણિ એટલે આગળનો ભાગ વધારે પહોળો હોવાથી ચામડી શિશ્નમણિ ઉપરથી સરકી શકતી નથી. આને મેડિકલ ભાષામાં ફાઇમોસિસ કહેવામાં આવે છે. આનો ઇલાજ ખૂબ જ સહેલો છે. જો અગ્રત્વચા વધારે પડતી ટાઇટ ન હોય તો કોઈ પણ તૈલી પદાર્થનાં ચાર-પાંચ ટીપાં અગ્રભાગ ઉપર મૂકીને ત્વચાને ઉપર-નીચે મૂવમેન્ટ આપો. દસ-બાર દિવસમાં જો ત્વચા ઢીલી પડી જાય તો આગળ કોઈ જ સારવારની જરૂર નહીં રહે. માત્ર દરરોજ સ્નાન વખતે ત્વચા નીચે ઉતારીને સાબુ-પાણી દ્વારા આ ભાગ સાફ કરવાનું રાખજો, પરંતુ અગ્રત્વચાને બળપૂર્વક પાછળ સરકાવવાની કોશિશ ન કરશો. નહીંતર બકરું કાઢતાં ઊંટ પેશી જાય તેવી પરિસ્થિતિનું નિમાર્ણ થશે. બળજબરીથી અગ્રત્વચાને પાછળ ખેંચી લેવામાં આવે તો ક્યારેક તેને ફરી આગળ લાવવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

 

આ વખતે ઘણી વાર ઇન્દ્રિયમાં સોજો આવી જાય છે અને દુખાવો અનુભવાય છે, તાત્કાલિક ડૉક્ટર પાસે જવું પડે છે. માટે જ્યારે પણ આવી તકલીફ હોય ત્યારે બળનો પ્રયોગ ન કરશો. તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો એક નાનું ‘સુન્નત’નું ઓપરેશન કરાવવું પડે. માત્ર દસ મિનિટનું ઓપરેશન હોય છે અને બીજા જ દિવસથી તમે કામ પર પણ જઈ શકો છો.


પરંતુ જાતીય સંબંધ વખતે ઇન્દ્રિયમાં દુખાવાનાં બીજાં પણ ઘણાં કારણો હોઈ શકે છે. ક્યારેક મૂત્રમાર્ગનો સોજો અથવા ઇન્ફેક્શન પણ દુખાવો આપી શકે છે. પથરી અથવા પ્રોસ્ટેટ ગ્રંથિના સોજાને કારણે પણ ઇન્દ્રિયમાં બળતરા અનુભવાતી હોય છે.
ઘણી બધી વાર ફોરપ્લે એટલે કે સમાગમ પૂર્વની ક્રિયામાં પૂરતો સમય ફાળવેલ ન હોવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉદ્્ભવતી નથી અને આ ભીનાશના કારણે પણ સમાગમ વખતે દુખાવો, બળતરા અનુભવી શકાય છે.
આપને પીડા વધુ હોય તો ઝડપથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય નિદાન બાદ સારવાર કરાવવી જોઈએ. 


સમસ્યા: મારા મિત્રના લગ્નજીવનને 20 વર્ષ થયાં છે. થોડાક સમયથી કામક્રીડા વખતે તેમને વીર્યસ્ખલન જલદી થાય છે. તેમને દવાઓથી ફરક નથી અને તેમનાં ધર્મપત્નીને પણ કામેચ્છા ખૂબ જ ઓછી થાય છે. તેમના બે મોટા દીકરાઓ 18 અને 14 વર્ષના પણ તેમની સાથે જ સૂએ છે. તો તેમની તકલીફ દૂર થાય તેવો ઉપાય બતાવશો.


ઉકેલ: શહેરોમાં ઘણી વાર જગ્યાની મુશ્કેલી હોય તો શક્ય છે, જેથી માતા-પિતા, પુત્રો-પુત્રી, ભાઈ વગેરે ફેમિલી સભ્યો એક જ રૂમમાં સાથે સૂતાં હોય છે અને આ સ્થિતિમાં સ્વભાવિક છે કે પતિ-પત્નીને મનમાં કોઈ જોઈ જશે તે ડર રહેલો હોય છે. કદાચ આ જ કારણસર આપના મિત્રને જલદી સ્ખલન થઈ જતું હશે અને પત્નીને કામેચ્છા પ્રબળ બનતી નહીં હોય. તેમને સમજાવો કે સેક્સ રાતે જ થાય તે જરૂરી નથી. જ્યારે પણ એકાંત મળે ત્યારે તેઓ સેક્સ માણી શકે છે. ભલે પછી તે સવાર હોય કે બપોર. કોઈ વાર હોટલના રૂમનો પણ આશરો લેવામાં કંઈ જ ખોટું નથી. જો તેમનો જાતીય સંબંધ નિયમિત સમયે રહેશે તો કદાચ થોડાક દિવસમાં જ તેમની શીઘ્રસ્ખલનની ફરિયાદ પણ ભૂતકાળની બની જશે.

 

સ્ત્રી ઉપર અને પુરુષ નીચે હોય તેવા આસનથી પણ સ્ખલનનો સમય વધારી શકાય છે. જો બંને રસ્તા કારગત ન નીવડે તો દવાથી પણ અચૂક સ્ખલનની પ્રક્રિયા લંબાવી શકાય છે. એકાંત મળતાં પત્નીનો ડર ઓછો થશે, ફોરપ્લેમાં પૂરતો સમય મળશે, સાથે સાથે પતિના સ્ખલનનો સમય વધવાથી પત્નીને પૂરતો સંતોષ મળશે અને એક વાર સંતોષ મળતાં બીજી વાર સમાગમ કરવાની ઇચ્છા પત્ની જાતે જ વ્યક્ત કરશે. તમને જો સારી કોફી પીવડાવવામાં આવે તો બીજી વાર તેની માગણી તમે ખુદ જ કરવાના છો. 
dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...