'એ માણસની પૂરી જનમકુંડળી મેં તમને આપી છે. એના એકે એક કોન્ટેક્ટ સુધી પહોંચી જાવ. કોઇ પણ ભોગે મારે પૂરેપૂરી ડિટેઇલ્સ જોઇએ.'

'તમે લોકો શુક્રવારે સવારથી જ આવી જજો.' ચા પીધા પછી જિતુભાઇ...

મહેશ યાજ્ઞિક | Updated - Aug 10, 2018, 12:05 AM
adhinayak-by-mahesh-yagnik

પ્રકરણઃ 28

'તમે લોકો શુક્રવારે સવારથી જ આવી જજો.' ચા પીધા પછી જિતુભાઇ રવાના થયા. એ પછી હરિવલ્લભદાસે ડૉક્ટર દિનુભાઇ, હિંમતલાલ અને જીવણભાઇને કહ્યું. એ ત્રણેયની સામે જોઇને એમણે નિખાલસતાથી કબૂલ કર્યું. 'આ બધાં વિધિ-વિધાનમાં મને બહુ વિશ્વાસ નથી, પણ સમાજમાં રહીએ છીએ એટલે લોકલાજે આ બધું કરવું પડે છે. હું નથી માનતો, પણ દીકરાઓ અને વહુઓની લાગણીનું ધ્યાન રાખવું પડે.'


એ બોલતા હતા એ વખતે પ્રશાંત અને પરિધિ ત્યાં આવીને આજ્ઞાંકિત વિદ્યાર્થીઓની જેમ નાનાજીના ડાબા અને જમણા પગ પાસે ગોઠવાઇ ગયાં હતાં.


‘ગોર મહારાજે ભલે કહ્યું પણ મૂંડન કરાવવું કે નહીં એ મુદ્દે નિર્ણય તારે કરવાનો છે. તું મૂંડન ના કરાવે તોય કંઇ આભ તૂટી નથી પડવાનું. તું મૂંડન કરાવીશ એટલે મંજુલાનો આત્મા રાજી થઇ જશે એવું હું નથી માનતો.'

'મેં તો ભાસ્કરને પણ ચોખ્ખું કહ્યું કે જો ભાઇ, આજે દસમો દિવસ છે અને વિધિમાં તારે બેસવાનું છે, એટલે ગોર મહારાજે મૂંડન કરાવવાની સૂચના આપી છે. એ જાણકારી આપીને સ્પષ્ટતા કરી કે ગોર મહારાજે ભલે કહ્યું પણ મૂંડન કરાવવું કે નહીં એ મુદ્દે નિર્ણય તારે કરવાનો છે. તું મૂંડન ના કરાવે તોય કંઇ આભ તૂટી નથી પડવાનું. તું મૂંડન કરાવીશ એટલે મંજુલાનો આત્મા રાજી થઇ જશે એવું હું નથી માનતો.'

'પછી?' જીવણભાઇએ જિજ્ઞાસાથી પૂછ્યું. ' ભાસ્કરે શું કર્યું?'

'મારા વિભાકરનું કામ વિચિત્ર છતાં વન્ડરફૂલ હોય છે.' હરિવલ્લભદાસે હસીને કહ્યું. 'ભાસ્કરને સૂચના આપી એટલે એણે ગૂંચવાઇને વિભાકર સામે જોયું. વિભાકરે તો તરત ચપટી વગાડીને કહી દીધું કે છોટે, તને એકલાને સંકોચ થતો હોય તો ચાલ, તને કંપની આપવા હું પણ મૂંડન કરાવીશ. એ બંને તૈયાર થઇ ગયા. એ જોઇને આદિત્ય પણ એમના સંઘમાં જોડાઇ ગયો.' એમણે ઘડિયાળ સામે નજર કરી. 'બસ, હવે થોડી વારમાં જ એ ત્રણેય હીરો ચમકતાં ટાલકાં સાથે આવશે.'

પેલા ત્રણેય વડીલો અહોભાવથી સાંભળતા હતા, પણ વીસ વર્ષના પ્રશાંતનું મગજ એના પપ્પા જેવું પાવરફૂલ હતું. હરિવલ્લભદાસનો પગ પકડીને એણે એમનું ધ્યાન પોતાની તરફ ખેંચીને પૂછ્યું. 'નાનાજી, પ્લીઝ, ટેલ મી. મારા પપ્પાએ મૂંડન નહીં કરાવવાનું?'

'મારી શાલુનો ભાણિયો છે.' ત્રણેય મિત્રોને હરિવલ્લભદાસે પરિચય કરાવ્યો. 'તોફાનમાં અમારા આકાશ અને ભૌમિકને પણ પાછા પાડી દે એવો ખેપાની છે.' હસીને આટલું કહ્યા પછી એમણે પરિધિ સામે નજર કરી.


'એની બહેન પરિધિ એકદમ ડાહી અને ઠરેલ છે.' એ બંને ભાઇ- બહેન બંગલામાં ઓછું આવતાં હતાં.

'નાનાજી, તમે જવાબ ગૂપચાવી ગયા.' પ્રશાંતે ફરિયાદ કરી. 'મારા પપ્પાએ મૂંડન કરાવવાનું?'

'આમ તો શાસ્ત્રોમાં કહ્યું છે કે જમાઇ પુત્રવત્ જ ગણાય.' શેઠને જવાબ આપવામાં સરળતા પડે એ માટે દિનુભાઇએ સમજાવ્યું. 'નેવું ટકા પરિવારમાં મેં જોયું છે કે સાસુ કે સસરાની પાછળ જમાઇ પણ પ્રેમથી પોતાના વાળનું બલિદાન આપે છે.'

આટલું સાંભળીને પ્રશાંત ઊભો થઇ સીધો ગેસ્ટરૂમ તરફ દોડ્યો. શાલિની માથું ઓળતી હતી અને સુભાષ ટીવી પર સમાચાર જોઇ રહ્યો હતો.

'ત્રણેય મામાઓ ક્યાં ગયા છે એ તમને ખબર છે?' મમ્મી-પપ્પાને આ સવાલ પૂછીને કોરિયન જાસૂસ જાણે અમેરિકાની અણુશક્તિનું રહસ્ય જાણી લાવ્યો હોય એટલા ઉત્સાહથી એણે માહિતી આપી. 'ત્રણેય મામાઓ ટકલું કરાવવા ગયા છે. જસ્ટ ફોર ક્યુરિયોસિટી, મેં નાનજીને પૂછ્યું કે મારા પપ્પાએ પણ ટકલું કરાવવું પડશે? તો નાનાજી જવાબ આપે એ અગાઉ એમના ઓલ્ડ ફ્રેન્ડે તરત કહ્યું કે જમાઇ પણ દીકરો જ કહેવાય, એટલે જમાઇઓ પણ મૂંડન કરાવતા હોય છે.'

દીકરાની ચાલાકી જોઇને શાલિની અને સુભાષના ચહેરા પર આનંદ ઉભરાયો. અત્યારે સસરાજીને રાજી કરવા માટે આઇ એમ રેડી ટુ ડુ એનીથિંગ! સુભાષ મનોમન બબડ્યો. શાલિની સામે આંખ મિંચકારીને એ બોલ્યો. 'યસ, આઇ એમ રેડી!' શાલિની કંઇ પ્રતિભાવ આપે એ અગાઉ મોબાઇલ હાથામાં લઇને એણે આદિત્યને નંબર જોડ્યો. 'અરે ભાઇ, ક્યાં છો તમે?' સાસુ માટેની અનહદ લાગણી અવાજમાં ઉમેરીને એણે ફરિયાદ કરી. 'મંજુબાને હું પણ મમ્મી જ કહેતો હતો એટલે મારો અધિકાર તમારા જેટલો જ છે. આવું કેમ કર્યું, ભાઇ? હું ઘરમાં જ હતો. જાણ કરી હોત તો તમારી સાથે જોડાઇ જતો. આ તો અત્યારે ખબર પડી એટલે ફોન કર્યો. હું આવું છું. કયા સલૂનમાં છો?'

'સ્ટાર બજારની સામે.' આદિત્યે સલૂનનું નામ આપીને તાકીદ કરી. 'જલ્દી આવી જાવ.' મોબાઇલ ખિસ્સામાં મૂકીને આદિત્ય હસી પડ્યો. ભાસ્કરનું માથું ચકચકાટ થઇ ચૂક્યું હતું. વિભાકરનું કામ ચાલું હતું. આદિત્યનો વારો એ પછી આવવાનો હતો. એ હસ્યો એટલે વિભાકર અને ભાસ્કરે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

'દોઢ કરોડનો દલ્લો મેળવવા માટે આ માણસ અત્યારે બધુંય કરવા તૈયાર છે. આપણે ત્રણેય આવ્યા છીએ એ બાતમી મળી એટલે પપ્પાને સારું લગાડવા માટે એ પણ મૂંડન કરાવવા આવી રહ્યો છે.' આદિત્યે બંને ભાઇઓને માહિતી આપી.

'મૂંડી નાખવાનો મનસૂબો કર્યો હોય એમાં મૂંડનની મીનાકારી પણ કરાવવી પડે!' વિભાકરે હસીને કહ્યું. 'પપ્પાને રાજી કરવા અત્યારે તો એ મુજરો પણ કરી શકે.'

'મૂંડનની મહેનત માથે પડવાની છે એનું એને ભાન નથી.' આટલું બબડીને આદિત્યે વિભાકરને પૂછ્યું. 'બિગ બોસ! તમે તૈયારી શરૂ કરી કે નહીં?'

'વર્ક અન્ડર પ્રોગ્રેસ.' એ બંનેની સામે જોઇને વિભાકરે મોં મલકાવ્યું. 'કામ અઘરું છે એટલે મને ખુદને ચેલેન્જ જેવું લાગે છે. પ્લાનિંગ સાથે પ્રોજેક્ટ શરૂ થઇ ચૂક્યો છે.'

વિભાકરે કઇ યુક્તિ કરી છે અને સુભાષ- શાલિનીને એ કઇ રીતે અટકાવવાનો છે એની વિગત જાણવાની ઇચ્છા હોવા છતાં આદિત્ય અને ભાસ્કર મૌન જ રહ્યા. જ્યારે પણ વિભાકર આવો કોઇ મામલો હાથ પર લે ત્યારે અધવચ્ચે એ કંઇ જણાવતો નહોતો. વાજતે ગાજતે બધુંય માંડવે લાવ્યા પછી જ રહસ્ય ખોલવાની એની આદત હતી. બંને ભાઇઓને ખબર હતી કે વિભાકરને પૂછવાથી પણ સાચો જવાબ નહીં મળે. હસીને વાત ઉડાડી દેશો યા તો એવો જવાબ આપશે કે આ કામ મેં મોરારી બાપુને સોંપી દીધું છે, હી વિલ ટેકલ ધ પ્રોબ્લેમ!

હજામ એનું કામ કુશળતાથી કરી રહ્યો હતો. વિભાકરનું માથું પણ હવે સફાચટ થઇ ચૂક્યું હતું. ખુરસી ખાલી કરીને એ ઊભો થયો એટલે એ જ ખુરશીમાં આદિત્ય ગોઠવાઇ ગયો. આદિત્યના મસ્તક ઉપર હજામ એની કળા અજમાવી રહ્યો હતો એ જ વખતે સુભાષ પણ ત્યાં આવી પહોંચ્યો.

'તમે તૈયારી દર્શાવશો કે નહીં એની કોઇ ખાતરી નહોતી, એટલે નીકળતી વખતે તમેન જાણ ના કરી.' બનેવીને માઠું ના લાગે એ માટે સાળા તરીકે ભાસ્કરે ખુલાસો કર્યો. 'તમારી અનિચ્છા હોય અને અમે આગ્રહ કરીએ તો એ ઠીક ના દેખાય.'

'હું પંદર વર્ષનો હતો ત્યારે મેં મારી મમ્મી ગુમાવેલી.' સુભાષે કથા શરૂ કરી. 'શાલુ સાથે લગ્ન કર્યાં એ દિવસથી તમારાં મમ્મીજીને હું પણ મમ્મીજી જ કહેતો હતો. એમને પણ મારા પર લાગણી હતી.' સુભાષ બોલવામાં પાછો પડે એવો નહોતો. 'શાલુની હાજરીમાં એ ઘણી વાર કહેતાં કે મારે તો ત્રણ નહીં, ચાર દીકરાઓ છે. તમારા ત્રણેયની સાથો સાથ એ મને પણ પુત્ર જ માનતા હતા.' વારાફરતી ત્રણેય ભાઇઓની સામે જોઈને એ બોલતો હતો. ‘એ પરિસ્થિતિમાં તમારી સાથે મૂંડન ના કરાવું તો એમનો આત્મા દુભાય. ત્યાં બેઠાં બેઠાં એ મને ઠપકો આપે અને અહીં શાલુ પણ બબડે કે મમ્મી... મમ્મી... કહેતા હતા ને એમના માટે આટલોય ત્યાગ ના કરી શક્યા?'

એની આ નૌટંકીને પારખી લીધા પછી પણ આ પ્રસંગ એવો હતો કે એનો બકવાસ સાંભળવા સિવાય ત્રણેય ભાઇઓ પાસે કોઇ વિકલ્પ નહોતો.

આ બાજુ બંગલામાં પ્રશાંત ઉપરના ઓરડાઓમાં બાળકો પાસે પહોંચી ગયો હતો. આકાશ, આકાંક્ષા, ભૌમિક અને ભૈરવીને એણે માહિતી આપી કે એક સાથે ચાર ટકામૂંડા જોવાની મજા આવશે, એમની સાથે સેલ્ફી લઇને બધાને મોકલી આપવાની. એ ચારેયનાં મનમાં પણ એણે એવી ઉત્સુકતા જગાડી કે બધાંય નીચે આવીને ડ્રોઇંગરૂમમાં ગોઠવાઇ ગયાં.

'મૂંડી નાખવાનો મનસૂબો કર્યો હોય એમાં મૂંડનની મીનાકારી પણ કરાવવી પડે!' વિભાકરે હસીને કહ્યું. 'પપ્પાને રાજી કરવા અત્યારે તો એ મુજરો પણ કરી શકે.'

સલુનમાંથી નીકળ્યા પછી એ ચારેય એક સ્ટોરમાં ઘૂસ્યા. માથા પર પહેરવા માટે જાત જાતની ટોપીઓમાંથી એ લોકો પસંદ કરી રહ્યા ત્યારે જયરાજ અને જયંતી બંગલામાં આવ્યાં. થોડી વાર હરિવલ્લભદાસ પાસે બેસીને એ બંને વિભાકરના રૂમમાં ગયા. એ બંને ગમે ત્યારે આવે એ સમયે વિભાકર હાજર હોય કે ના હોય, એના રૂમમાં જવાની એ બંનેને છૂટ આપેલી હતી.

વિભાકર, આદિત્ય, ભાસ્કર અને સુભાષ એક સાથે અંદર આવ્યા. બધાં બાળકો એમને ઘેરી વળ્યાં. એમને રાજી કરવા માટે બધાએ વન.. ટુ... થ્રી... કહીને એક સાથે માથા ઉપરથી કેપ ઉતારી નાખી. બાળકો એમની સાથે ગમ્મત કરી રહ્યાં હતાં ત્યારે હરિવલ્લભદાસે વિભાકરને કહ્યું કે જયરાજ અને જયંતી તારી રાહ જોઇને બેઠાં છે. વિભાકર તરત પોતાના રૂમમાં ગયો.

એને જોઇને જયરાજ અને જયંતી સોફામાંથી ઊભાં થઇ ગયાં. વિભાકર સોફા પર બેઠો એટલે એ બંને એની ડાબે-જમણે ગોઠવાઇ ગયાં. વારાફરતી એ બંનેએ પોતાના કામનો અહેવાલ આપ્યો.

'માત્ર આટલાથી નહીં ચાલે.' વિભાકરના અવાજમાં આદેશ હતો. 'એ માણસની પૂરી જનમકુંડળી મેં તમને આપી છે. એના એકે એક કોન્ટેક્ટ સુધી પહોંચી જાવ. એનો નાનો ભાઇ પણ નપાવટ છે. બીજી કોઇ પાર્ટીને ભાડે રાખીને એને પણ ખોતરો. કોઇ પણ ભોગે મારે પૂરેપૂરી ડિટેઇલ્સ જોઇએ.' લગીર સખ્તાઇથી એણે તાકીદ કરી. 'ગુરૂવાર રાત સુધીમાં પરફેક્ટ રિપોર્ટ આપવો પડશે. તમારો એસિડ ટેસ્ટ છે એમ માનીને રાઉન્ડ ધ ક્લોક તપાસ કરો. માણસોને ફોડવા માટે જોઇએ એટલો ખર્ચ કરવાની મેં છૂટ આપેલી છે. જરૂર પડે ત્યાં મારું નામ પણ બિન્દાસ બનીને વાપરવાનું. હાર્ડનટ હોય તો મારી સાથે વાત કરાવવાની પણ છૂટ. ટૂંકમાં, ગુરૂવાર રાત સુધીમાં મસાલો મારા હાથમાં હોવો જોઇએ.’
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

X
adhinayak-by-mahesh-yagnik
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App