સંસદ સરકારની સત્તા ખતમ શકે છે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપી મોરચામાં મોટું ભંગાણ પડ્યું છે. તેલુગુ દેશમના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ભાજપી મોરચામાંથી નીકળી ગયા છે અને બહાર નીકળતાની સાથે મોદી સરકાર સામે સંસદીય લોકશાહીનું સૌથી ઘાતક હથિયાર-અવિશ્વાસનો ઠરાવ ઉગામ્યું છે. અમેરિકા અને ભારત બંને લોકશાહી દેશો છે પણ બંનેની વ્યવસ્થા એકબીજાથી તદ્દન જુદી છે. અમેરિકાનો પ્રમુખ ભારતના પ્રમુખનો હોદ્દો અને ભારતના વડાપ્રધાનની સત્તા ભોગવે છે. ચૂંટાઇ આવ્યા પછીનાં ચાર વરસ તેનું આસન સ્થિર છે. 


ભારતની લોકશાહીમાં આવું નથી. ભારતના વડાપ્રધાન અને આખું પ્રધાન મંડળ લોકસભાને તાબેદાર છે અને લોકસભા ઠરાવે ત્યારે તેણે ખસી જવું પડે છે. કાયદા અને પરંપરા પ્રમાણે પ્રધાનમંડળને પછાડવાના અનેક તરીકાઓ લોકસભા વાપરી શકે છે. કોઇપણ અતિશય મહત્ત્વનો કાયદો અથવા ઠરાવ સરકારે રજૂ કર્યો હોય અને લોકસભા નામંજૂર કરે ત્યારે વડાપ્રધાને રાજીનામું આપવું પડે છે. કાયદો અથવા ઠરાવ મહત્ત્વનો છે કે નથી તે વડાપ્રધાન નક્કી કરે છે. બજેટની ચર્ચા વખતે કોઇપણ ખાતાએ માગેલી અબજો રૂપિયાની રકમમાંથી લોકસભા એક પણ રૂપિયાનો કાપ મૂકે તો વડાપ્રધાન અને પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે છે. લોકસભામાં વિરોધ પક્ષો કામકાજ મુલતવી રાખવાના ઠરાવ રજૂ કરી શકે છે. સભાનું કામકાજ અતિશય મહત્ત્વનું હોવાથી સ્પીકર મોટાભાગે આવા ઠરાવ મૂકવાની પરવાનગી આપતા નથી પણ કોઇ મુદ્દો અતિશય મહત્ત્વનો હોય અને અતિશય તાકીદનો હોય તો સ્પીકર તે ઠરાવ રજૂ કરવાની રજા આપે છે. તે ઠરાવ પર ચર્ચાઓ ચાલે છે અને આ ઠરાવ બહુમતીએ મંજૂર થાય તો પણ પ્રધાનમંડળ બરખાસ્ત થઇ જાય છે.

 

અમેરિકાની પાર્લામેન્ટ (કોંગ્રેસ) ગમે તેટલા ઠરાવ કરે તેથી પ્રમુખને હાંકી કાઢી શકાય નહીં. સામા પક્ષે પ્રમુખ પણ કોંગ્રેસને વિખેરી શકતો નથી

પણ પ્રધાનમંડળ માટે સૌથી વધારે ઘાતક હથિયાર અવિશ્વાસનો ઠરાવ છે. લોકસભાને સરકારમાં વિશ્વાસ નથી તેવો ઠરાવ મૂકવા માટે લોકસભાના દસ ટકા (54) અથવા ઓછામાં ઓછા પચાસ સાંસદોએ તેને પોતાનો ટેકો જાહેર કરવો પડે છે. આ ઠરાવનો સ્પીકર સ્વીકાર કરે કે તરત જ લોકસભાનું બાકીનું તમામ કામ અને તમામ ચર્ચાઓ અટકાવી દઇને અવિશ્વાસના ઠરાવ પર ચર્ચા શરૂ કરવી પડે છે અને અવિશ્વાસનો ઠરાવ મંજૂર થાય તો પ્રધાનમંડળ આપોઆપ વિખેરી નાખવામાં આવે છે. આ ઠરાવ વારંવાર રજૂ કરી શકાતો નથી કારણ કે તેના કારણે બધું કામ અટકી પડે છે. આ ઠરાવ સત્રમાં એક જ વખત રજૂ કરી શકાય છે અને નામંજૂર થાય તો ફરી વખત મૂકી શકાય નહીં.


ભારતે અપનાવેલી સંસદીય પદ્ધતિ પ્રમાણે પ્રધાનમંડળ લોકસભાને જવાબદાર છે તેથી રાજ્યસભામાં અવિશ્વાસનો ઠરાવ મૂકી શકાય નહીં. પ્રધાનમંડળને વિખેરી નાખવાની સત્તા માત્ર લોકસભાને જ આપવામાં આવી છે અને રાજ્યોમાં આ સત્તા વિધાનસભા ભોગવે છે. પ્રમુખ અથવા ગવર્નરને એવું લાગે કે લોકસભા અથવા વિધાનસભામાં સરકારની બહુમતી નથી તો સરકારે વિશ્વાસનો મત લેવાનો આદેશ આપવામાં આવે છે અને સરકારે વહેલામાં વહેલી તકે વિશ્વાસનો મત મેળવીને પોતાની બહુમતી સાબિત કરવી પડે છે. જેમ લોકસભા અથવા વિધાનસભા પ્રધાનમંડળને ખતમ કરી શકે છે તેમ પ્રધાનમંડળ પણ સભાગૃહને વિખેરી નાખી શકે છે. વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી પ્રમુખ અથવા ગવર્નરને સભાને વિખેરી નાખવાની સલાહ આપે તો પ્રધાનો લોકસભા-વિધાનસભાને બરખાસ્ત કરીને નવી ચૂંટણી કરાવી શકે છે.


અમેરિકાની પાર્લામેન્ટ (કોંગ્રેસ) ગમે તેટલા ઠરાવ કરે તેથી પ્રમુખને હાંકી કાઢી શકાય નહીં. સામા પક્ષે પ્રમુખ પણ કોંગ્રેસને વિખેરી શકતો નથી. પ્રમુખ અને કોંગ્રેસ બંને એકબીજાથી સ્વતંત્ર રીતે ચૂંટાય છે અને એકબીજાથી સ્વતંત્ર રીતે કામ કરે છે. ભારતના પ્રધાનો લોકસભા અથવા વિધાનસભાના સભાસદો હોય છે અને હોવા જોઇએ. પ્રધાન બન્યા પછી છ મહિનામાં તેણે પેટાચૂંટણી જીતીને સભાસદ બની જવું પડે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત વિધાનસભાના મેમ્બર ન હતા. તેમની ચૂંટણી થઇ શકે તે માટે રાજકોટના ધારાસભ્ય વજુભાઇવાળાએ રાજીનામું આપીને બેઠક ખાલી કરી અને પેટાચૂંટણીમાં જીત્યા પછી વિધાનસભાના સભાસદ બન્યા અને તેમનો પગાર ચાલુ થયો.


ભારતમાં અવારનવાર રાજ્ય પદ્ધતિ અંગે ચર્ચા ચાલે છે અને સંસદીય પદ્ધતિને બદલી નાખીને અમેરિકા જેવી પ્રમુખશાહી દાખલ કરવાનો અનુરોધ જોરશોરથી કરવામાં આવે છે. આ ચર્ચાની પૂરી છણાવટ અહીં શક્ય નથી પણ એટલું જ કહીએ કે એક માત્ર લાયબેરિયાના અપવાદ સિવાય દુનિયાની બીજી કોઇ લોકશાહીએ અમેરિકાનું અનુકરણ કર્યું નથી. દુનિયાની લગભગ તમામ લોકશાહીઓએ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટનું અનુકરણ કર્યું છે તેથી રાજ્યશાસ્ત્રીઓ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને દુનિયાની તમામ ધારાસભાઓની દાદીમા કહે છે. આ દાદીમા હજી આજે પણ પોતાની બધી દીકરીઓ અને દોહિત્રીઓથી વધારે મજબૂત અને કડેધડે છે. તેની સત્તા પર કશી મર્યાદા નથી તેથી ઇંગ્લેન્ડમાં એવું કહેવાય છે કે પાર્લામેન્ટ બધું જ કરી શકે છે માત્ર સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી બનાવી શકતી નથી. આજના જમાનામાં તો આ પણ થઇ શકે છે. 
nagingujarat@gmail.com

અન્ય સમાચારો પણ છે...