નાણાં ખર્ચાશે કે ખવાશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુસ્લિમ સમાજના રૂઢિચુસ્ત અને અાત્યંતિક આગેવાનોની કશી દરકાર રાખ્યા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીનાં આગલા વર્ષે મુસ્લિમ સમાજનાં 50 ટકા મતદારો-સ્ત્રીઓને લાભદાયી નીવેડે તેવા ત્રણ સુધારાઓ ઉપરાછાપરી કરી નાખ્યા છે. તેમની આ મનીષા ફળશે કે નહીં તે 2019ની ચૂંટણીનાં પરિણામો પરથી સ્પષ્ટ જાણવા મળશે. મુસ્લિમ સમાજની અનેક રૂઢિઓ પર ઘણના પ્રહાર કરવામાં આવ્યા છે. હજ કરવા જનાર મુસલમાનો એરઇન્ડિયામાં વિમાની પ્રવાસ કરે તો તેમને ભાડામાં મોટી રાહત આપવામાં આવતી હતી અને તેને હજ માટેની સબસિડી એવું ખોટું નામ આપવામાં આવ્યું હતું.

સાતસો કરોડ કઈ રીતે અને ક્યારથી ખર્ચાશે તેની ચોખવટ થવી જોઈએ અને હજ પુરુષો-સ્ત્રીઓ બધાં કરે છે તેથી સબસિડીની રકમ બધાના લાભ માટે ખર્ચાવી જોઈએ

સબસિડી હજયાત્રીઓને મળતી નહોતી, પણ એરઇન્ડિયાનો ધંધો વધારવામાં મદદરૂપ થતી હતી. એરઇન્ડિયા વેચી નાખવાનો નિર્ણય લગભગ લેવાઈ ચૂક્યો છે, તેથી આ વિમાનીસેવાને મદદ કરવાની કશી જરૂર રહી નથી અને આ સબસિડી પાછી ખેંચી લેવાથી ભારત સરકાર વર્ષે સાતસો કરોડ જેટલી રકમ બચાવી શકશે. આ રકમ સામાન્ય નાગરિકને ઘણી મોટી દેખાય, પણ ભારત સરકારના લાખો કરોડોના બજેટમાં આ રકમ દરિયાકાંઠે પડેલા રેતીના કણ કરતાં મોટી નથી.


હવે જે કોઈ મુસલમાન વિમાનમાર્ગે હજ કરવા જાય તેણે પૂરેપૂરું ભાડું ચૂકવી આપવું પડશે. કોઈ પણ રૂઢિ બદલાય કે તૂટે ત્યારે અણસમજુ લોકો કાગારોળ કરી પાડે છે. હજ સબસિડી બંધ થવાથી દરેક મુસ્લિમ યાત્રીના ઘરમાંથી ત્રીસ-પાંત્રીસ હજાર રૂપિયા ઓછા થશે તેવો ઊહાપોહ મચાવનાર લોકો વાતને સમજ્યા વગર વતેસર કરે છે.


વિમાન ભાડું અતિશય મોંઘું થવાથી ગરીબ મુસલમાનો હજયાત્રા કરી શકશે નહીં તેવી રજૂઆત પણ ખોટી છે. સબસિડી સાથે જેટલું વિમાન ભાડું આપવું પડે તેના જેટલા જ અથવા ઓછા ભાડામાં દરિયાઈ માર્ગે હજયાત્રાની સગવડ કરી લેવામાં આવી છે અને દરિયાઈ સફર ખેડીને આવતાં હજ યાત્રાળુઓને આવકારવાની અને બધી સવલત આપવાની પરવાનગી સાઉદી અરબસ્તાન પાસેથી લઈ લેવામાં આવી છે. જવા-આવવામાં બે દિવસ વધારે લાગશે, પણ ગરીબમાંથી ગરીબ મુસલમાન હજયાત્રા કરી શકે તેવી સગવડ છે.


શરિયતના અભ્યાસીઓ જાણે છે, પણ જાણીબૂઝીને આંધળા થાય છે. બીજા કોઈની મદદ લઈને અથવા નાણાકીય મદદ સ્વીકારીને હજ કરનારની હજ ખુદાના દરબારમાં કબૂલ થતી નથી. હજની યાત્રા દરેક જણે પોતાની જ કમાણીમાંથી અથવા બચતમાંથી જ કરવી પડે છે. દુનિયામાં આજે 54 જેટલા દેશોમાં મુસ્લિમોની જંગી બહુમતી છે અને તેમને મુસ્લિમ રાષ્ટ્રો કહેવાય છે. એક પણ દેશ હજ કરનારને ભાડામાં કશી રાહત આપતો નથી. આપણા શાખ-પાડોશી અને 1932થી પડેલી પરંપરાના જાણકાર પાકિસ્તાનમાં પણ આવી કોઈ સબસિડી અપાતી નથી. દરેક બાબતમાં શરિયતની દુહાઈ દેનાર લોકો પોતાના આર્થિક 
લાભ માટે શરિયતને અભરાઈ પર ચડાવી દેવામાં આંચકો ખાતા નથી.


સરકારી જાહેરાતમાં એક ખામી છે તેના તરફ ધ્યાન દોરવું જોઈએ. હજ સબસિડી પાછળ અત્યાર સુધી ખર્ચવામાં આવતાં નાણાં હવેથી મુસ્લિમ છોકરીઓનાં શિક્ષણ માટે ખર્ચવામાં આવશે. દીકરા મોટા થઈ જાય પછી 
તેને પરણાવીશું તેવાં સરકારી વચનમાં લોકોને જરા 
પણ વિશ્વાસ બેસતો નથી. 
સાતસો કરોડ કઈ રીતે અને ક્યારથી ખર્ચાશે તેની ચોખવટ થવી જોઈએ અને હજ પુરુષો-સ્ત્રીઓ બધાં કરે છે તેથી સબસિડીની રકમ બધાના લાભ માટે ખર્ચાવી જોઈએ. માત્ર છોકરીઓના શિક્ષણની વાતમાં થોડી રાજકીય દુર્ગંધ આવે છે, પણ રાજકારણી આગેવાન 
જે કરે તેમાં રાજકીય ગણતરી હોય જ તે ખ્યાલમાં રાખવું ઘટે છે.


હજયાત્રીઓ માટેનો બીજો નિયમ પણ તોડવામાં આવ્યો છે. અત્યાર સુધી હજ કરવા જનાર સ્ત્રીઓએ પુરુષોનો સાથસંગાથ લેવાનું ફરજિયાત હતું. સ્ત્રીઓ એકલી 
કશે મુસાફરી કરી શકે નહીં તેવી જૂની રૂઢિ હજયાત્રામાં પણ લાગુ પાડવામાં આવતી હતી. 
આ વર્ષથી સ્ત્રીઓ કોઈ પણ પુરુષ પર આધાર રાખ્યા સિવાય એકલી હજયાત્રા કરી શકશે. એટલું જ નહીં, પણ એકલી જ નારી-સ્ત્રીને સૌથી પહેલી પરવાનગી આપવામાં આવશે. નાણાંના લોભિયા આગેવાનોએ હજ સબસિડી બંધ થયાનો ઊહાપોહ મચાવ્યો છે, પણ બીજી રૂઢિ નાબૂદ થઈ તેની નોંધ પણ ભાગ્યે 
જ લેવામાં આવી છે. બધા ધર્મના કહેવાતા આગેવાનો નગદ નાણાંમાં વધારે રસ ધરાવતા હોય છે.


સબસિડી નાબૂદ થવાથી કોઈને ખાસ કશું નુકસાન થવાનું નથી. મુસાફરીની પદ્ધતિ અને માર્ગ બદલાશે. વિમાનના બદલે બોટમાં જવું પડશે. દિલ્હીમાં મુસલમાની રાજવટ હતી ત્યારે હજના યાત્રાળુઓ બધા સુરતથી મક્કા સુધી વહાણોમાં જ મુસાફરી કરતા હતા, તેથી સુરત માટે મક્કાનો દરવાજો (અબવાલઉલ મક્કા) એવું નામ મુસલમાની તવારીખોમાં વપરાયું છે. 
ત્રિવાર તલાક અંગે ઘણું લખાઈ ગયું છે.

 દુનિયામાં આજે 54 જેટલા દેશોમાં મુસ્લિમોની જંગી બહુમતી છે અને તેમને મુસ્લિમ રાષ્ટ્રો કહેવાય છે. એક પણ દેશ હજ કરનારને ભાડામાં કશી રાહત આપતો નથી.  પાકિસ્તાનમાં પણ આવી કોઈ સબસિડી અપાતી નથી.

તેની ફરી ચર્ચા કરવાની જરૂર નથી. વર્ષો સાથે ગુજાર્યાં પછી પોતાનો ધણી ગુસ્સાથી, મુર્ખાઈથી કે વાસનાથી માત્ર થોડો બબડાટ કરીને પોતાની જિંદગી રદબાતલ કરી નાખે તે કોઈ સ્ત્રીને ગમે નહીં અને મુસલમાન હોવાથી સ્ત્રી, સ્ત્રી મટી જતી નથી. પોતાની બહેન-દીકરીને આવી તલાક મળી તેનો અફસોસ કરનાર થોડા મુસ્લિમ પિતાઓનો પરિચય હોવાથી પુરુષોને પણ આ પ્રથા ગમતી નથી તેવું કહી શકાય. વર્તનમાં પ્રામાણિક ન રહેવાય પણ ચર્ચામાં તો પ્રામાણિક રહેવું જોઈએ. મુસલમાનો ગરીબ છે તેથી કંઈ માણસ મટી જતા નથી અને તેમની લાગણીઓ, સુખ-દુ:ખ અન્ય ધર્મીઓ જેવાં જ હોય છે. દરેક વખતે અને દરેક બાબતમાં ધર્મ અને નીતિની દુહાઈ આપવામાં આવે છે અને આવી વાતો સભાઓમાં તાળીઓ પડાવવા માટે ઉપયોગી થઈ પડે છે, પણ વાસ્તવિક જીવનમાં તો લોકો સ્વાર્થ પ્રમાણે ચાલે છે. કેટલા માણસો 
ધર્મ અને નીતિનું પાલન કરતા હશે તે સવાલનો જવાબ આપવાનું અઘરું નથી, પણ અાવો જવાલ સાચો હોય તો સાંભળવો ગમે તેવો નથી.


ભારત સરકાર મુસ્લિમ સમાજ કે મુસ્લિમ છોકરીના લાભ માટે 700 કરોડ કેવી રીતે ખર્ચવાની છે તેની યોજના અને જાહેરાત વિના વિલંબે થવી જોઈએ. વધારે પડતો વિલંબ થાય તો આ સાતસો કરોડ રૂપિયા અમલદારશાહી તુમારોમાં ક્યાંના ક્યાં ચવાઈ જશે તેનો પત્તો પણ લાગવાનો નથી. 
nagingujarat@gmail.com

અન્ય સમાચારો પણ છે...