‘રામાયણ’નાં ત્રણ કેન્દ્રબિંદુ સંદેહ, સમાધાન અને શરણાગતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક


‘રામચરિત માનસ’માં રામના ત્રણ ખાસ નિજી સખા છે. રામને શૃંગબેરપુરમાં સૌથી પહેલા સખા મળ્યા ગુહ. બીજા સખા સુગ્રીવ અને ત્રીજા સખા વિભીષણ. વિભીષણનો પ્રશ્ન છે, રથી રાવણને કેવી રીતે જીતી શકાશે? અહીં નથી રથ કે પદત્રાણ પણ નથી! પ્રભુએ કહ્યું, ‘હે સખા, જેનાથી વિજયશ્રી પ્રાપ્ત થાય છે એ રથ બીજો જ હોય છે. આવો સ્થૂળ રથ નથી હોતો. જેનાથી વિજય મળે છે એ કોઇ જુદો જ રથ હોય છે.’ પછી રથને રૂપક બનાવીને પ્રભુએ કહ્યું, ‘હે સખા, જેમની પાસે એવો ધર્મમય રથ હોય એમને જગતમાં જીતવાવાળા કોઇ માઇના લાલ હોય કે એ એમને જીતી જાય?’ ધર્મ એટલે સત્ય; ધર્મ એટલે પ્રેમ; ધર્મ એટલે કરુણા. એ મગજમાં રહેવું જોઇએ. કેમ કે જે લોકો ધર્મ વિશે સાચું કંઇ જાણતા નથી અને જે લોકો ધર્મની ચર્ચા કરે છે એ એકવીસમી સદીનું અપશુકન છે! લોકો કહે છે, વ્યક્તિ સુધી ધર્મોપદેશ કેમ નથી પહોંચ્યો? બધાંને ખબર છે, ધર્મ દ્વારા અમારું ક્યાંક શોષણ થઇ રહ્યું છે! આ તથાકથિત ધર્મની વાત છે; ગેરસમજ ન કરતા. 


‘રામચરિત માનસ’નાં ત્રણ કેન્દ્રબિંદુ છે-પ્રારંભ સંદેહ, મધ્ય સમાધાન, અંતિમ શરણાગતિ. આ ત્રણ બિંદુને ‘રામાયણ’ સ્પર્શે છે. અને પ્રત્યેક સાધક કોઇ પણ બુદ્ધપુરુષ પાસે જાય એને સંદેહ હોવો જોઇએ. સંદેહ જરૂરી છે. હું રમણબાપા પાઠકનું સ્મરણ કરું. હવે તેઓ આપણી વચ્ચે નથી. એમણે એક લેખમાળા શરૂ કરી હતી, ‘સંશયની સાધના.’ વ્યક્તિની સાધનાનો આરંભ સંશયથી થાય છે, પરંતુ મધ્યમાં જ્યારે સાધના પહોંચે છે ત્યાં સુધીમાં સમાધાન થઇ જાય છે અને ત્યારબાદ અંતિમ પડાવમાં માત્ર શરણાગતિ જ હોય છે. કૃષ્ણએ અંતમાં કહી દીધું, ‘કરિષ્યે વચનં તવ.’ એ શરણાગતિ. ‘રામ સમાન પ્રભુ નાહી કહું.’ એ શરણાગતિ છે. તો ‘રામાયણ’નો આરંભ સંદેહથી થાય છે, વિષાદયોગથી થાય છે.

તુલસી આખો ઇતિહાસ આપે છે કે જ્ઞાનકથા શિવકૃપાથી ભુશુંડિને મળી. ઉપાસનાઘાટ પર ગઇ. ત્યાંથી કથા વહી, કર્મઘાટ પર પ્રયાગમાં આવી

વાલ્મીકિ આદિ કવિ છે, શંકર અનાદિ કવિ છે. વાલ્મીકિએ ‘રામાયણ’માં ‘કાંડ’ શબ્દ પ્રયોજ્યો છે. તુલસીએ ‘માનસ’માં એને સોપાન કરી દીધાં. સાત સોપાનની આ સીડી છે. એ સીડી પર ધીરે-ધીરે ચડીને નીચેવાળો નર નારાયણ બની શકે છે અને ઉપરવાળા નારાયણ જન્મ લઇને એ સીડી પરથી નીચે આવીને આપણા જેવા નર પણ બની શકે છે. તુલસીનાં સીડીવાળાં સોપાન મને સારાં લાગે છે. વેદાંતમાં આ સાત જ્ઞાનની ભૂમિકા છે. અને શંકર કહે છે, ‘સકલ લોક જગ પાવની ગંગા.’ સાત લોક નીચે, સાત લોક ઉપર. સાતેય લોકમાં રામકથા ઘૂમે છે. તો ‘બાલકાંડ’, ‘અયોધ્યાકાંડ’, ‘અરણ્યકાંડ’, ‘કિષ્કિન્ધાકાંડ’, ‘સુન્દરકાંડ’, ‘લંકાકાંડ’ અને ‘ઉત્તરકાંડ’ સૌથી પહેલાં વાલ્મીકિજીએ એની રચના કરી. તુલસી કહે છે- રચિ મહેસ નિજ માનસ રાખા.પાઇ સુસમઉ સિવા સન ભાષા.


કાવ્યજગતમાં ચોપાઇની રચના બહુ જ સામાન્ય માનવામાં આવી છે, પરંતુ એવી સામાન્ય રચના જે એક એવા ખાસ વાતાવરણમાં ગાવામાં આવતી હતી એને એક સંતનો હાથ સ્પર્શી ગયો. તુલસીએ એનો સ્પર્શ કર્યો. એ ચોપાઇ આજે કવિતાની મહારાણી બની બેઠી છે. તુલસી કહે છે, સૌથી પહેલાં શિવજીએ એ રચના કરી. નામ રાખ્યું ‘રામચરિત માનસ.’ સરોવરના ચાર ઘાટ હોય છે. તુલસીએ ચાર ઘાટ નિર્મિત કર્યા. એક ઘાટનું નામ જ્ઞાનઘાટ રાખ્યું. વક્તા શિવ છે, શ્રોતા પાર્વતી છે. બીજો ઘાટ ઉપાસનાઘાટ. એ ઘાટના વક્તા છે કાગભુશુંડિ, શ્રોતા છે ગરુડજી. ત્રીજો ઘાટ છે કર્મનો ઘાટ, જ્યાં ગંગા-યમુના અને સરસ્વતી અનવરત વહેતી રહે છે. એ કર્મનું પ્રતીક છે. જ્યાં પરમવિવેકી યાજ્ઞવલ્ક્ય કહે છે અને પરમ પ્રસન્ન ભરદ્વાજજી સાંભળે છે. ચોથો ઘાટ તુલસીએ નિર્મિત કર્યો શરણાગતિનો ઘાટ, આધીનતાનો ઘાટ, આશ્રયનો ઘાટ. જેના વક્તા તુલસી છે, શ્રોતા એમનું પોતાનું મન છે.


તુલસી આખો ઇતિહાસ આપે છે કે જ્ઞાનકથા શિવકૃપાથી ભુશુંડિને મળી. ઉપાસનાઘાટ પર ગઇ. ત્યાંથી કથા વહી, કર્મઘાટ પર પ્રયાગમાં આવી. ત્યાંથી એ કથા મારા ગુરુ પાસે ગઇ. એમની પાસેથી મને પ્રાપ્ત થઇ. ગુરુએ મને વારંવાર કથા સંભળાવી ત્યારે મારા મનમાં થોડુંક ઊતર્યું અને તરત જ મેં ગાંઠ વાળી લીધી. તુલસીએ શું ગાંઠ વાળી લીધી? ‘ભાષાબુદ્ધ કરબિ મૈં સોઇ.’ કેમ કે એ તો સંસ્કૃતમાં ઊતરી છે. તુલસીનો સંકલ્પ છે કે રામને છેવાડાની વ્યક્તિ સુધી પહોંચાડવા હોય તો એને હું ભાષાબદ્ધ કરું. સમગ્ર તુલસીદર્શન મનનો વિરોધ નથી કરતું. સમગ્ર તુલસીદર્શન મનને પ્રબોધ કરવાના પક્ષમાં છે. ‘મોરે મન પ્રબોધ જેહિં હોઇ.’ તુલસી મન સાથે વાત કરે છે. સોળસો એકત્રીસનું વર્ષ, મધ્યાહ્નનો સમય, રામનવમીનો દિવસ. એવું કહેવામાં આવે છે કે ત્રેતાયુગમાં જ્યારે રામજી પ્રગટ થયા હતા ત્યારે જે જોગ-લગન થયા હતા એવા જ ફરી પાછા સોળસો એકત્રીસમાં થયા. તો જેવી રીતે ‘રામનવમી’ છે, અેવી રીતે આ ‘માનસનવમી’ છે.


એક ભાઇ મને પૂછતા હતા, ‘બાપુ, રામનવમીની આપને કેટલી ખુશી  છે?’  મેં કહ્યું, રામ પ્રગટ થયા એની ખુશીનો તો સવાલ જ નથી, કોને ખુશી ન હોય? પરંતુ આજે ‘રામચરિત માનસ’નું પ્રાગટ્ય થયું છે એની મને વિશેષ ખુશી છે. કેમ કે રામને મેં જોયા નથી, આ ‘માનસ’ના તો શબ્દેશબ્દ મેં જોયા છે. રામને હું પકડી નથી શક્યો, આ ‘માનસ’ને હું રોજ બાંધું છું, ખોલું છું. ભગવાન હાથવગો હોવો જોઇએ.  
(સંકલન : નીિતન વડગામા)
nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...