તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકવીસમી સદીને અઢારમું બેઠું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એકવીસમી સદી અને અઢાર વર્ષ આ બંને શબ્દ જો છૂટા પાડીને વાંચીએ તો ઘણા વિચારો અને વિધાનોે ઊભાં રહે. ત્રણ-ચાર દસકા પહેલાં એકવીસમી સદીની પરિકલ્પના વિશેના નિબંધો પુછાતા. એકવીસમી સદીને ટેક્નોલોજીની અદ્યતન શોધ સાથે કળિયુગના ‘પાપ’ સાથે પણ સરખાવાતી. એકવીસમી સદીના ભારત વિશે રાજકારણીઓ પણ સપનાની સેર કરાવતા ને બાળકોને, કિશોરોને કુતૂહલ થતું કે કેવી હશે આ એકવીસમી સદી? અઢારમા વર્ષનું માહાત્મ્ય સમજણા થઈએ ત્યારથી વધતું જાય છે. વયસ્ક થવાની ઉંમર અઢારમી હોવાથી કિશોરાવસ્થાથી જ અઢારમો જન્મદિન સપ્તરંગી લાગે છે, તો કુતૂહલના બંને શબ્દો હવે ભેગા થયા છે.

સ્ત્રીએ સારપનું સર્ટિફિકેટ મેળવવાની લાલચ છોડી સ્વ સાથે સમજણ કરવી જોઇએ

એકવીસમી સદીને અઢારમું બેસી ગયું છે અને હવે કૈંક કોંક્રીટ કરવાનો સમય આવી ગયો છે. 2018ની શરૂઆતને હજી ચોવીસ કલાક જ પૂરા થયા છે, વધુ મોડું થાય તે પહેલાં આ વર્ષમાં જોઈએ છે શું અને વર્ષનો ઉપયોગ કેવો કરવો છે એની ચર્ચા કરવી સારી. આ વિચાર સ્ત્રી-પુરુષ બંનેને લાગુ પડે છે, પણ સ્ત્રીઓ માટે ભાર વધુ આપવો પડે, કેમ કે સ્ત્રીઓને નાનપણથી જ (કુ)ટેવ હોય છે-જતું કરવાની. અહીં જતું કરવું એટલે પોતાની ઇચ્છા અને પ્રાથમિકતાને જતી કરવી. અનુકૂલનના ભાગ રૂપે પહેલી શરત ‘લેટ ગો’ની મૂકવામાં આવે છે અને જે જતું કરે એને સન્નારીની કેટગરીમાં પ્રમોશન મળે છે. નવા વર્ષમાં પહેલો પ્રયત્ન એ કે પોતાની ઇચ્છાનો ભોગ આપવાની ટેવ છોડો અને જો ખુશીથી કરતા હો તો એ માટે રડારોળ બંધ કરો.


તમારા માટે સફળ અને શ્રેષ્ઠતાની વ્યાખ્યા શું છે, એ નક્કી કરો. પછી સમાજે થોપેલી વ્યાખ્યાને રિફર કરો. આદર્શ સ્ત્રીના ખ્યાલો ટીવી સિરિયલ અને હિન્દી ફિલ્મોએ વધુ સ્પષ્ટ કરી આપ્યાં. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ની દયા નાસ્તામાં થેપલાં, ઢોકળાં, ચા ફટાફટ લાવે અને જમવાની વાત નીકળે ત્યાં બત્રીસ વાના બોલી નાખે અને ગામ આખું કહેે દયા એટલે દયા.‘હમ આપકે હૈ કૌન’ની માધુરી દીક્ષિત-બહેનનાં મૃત્યુ બાદ બનેવી સાથે વિવાહની હા પાડતી છોકરી જેને બનેવીના નાના ભાઈ સાથે પ્રેમ હતો પરંતુ એ ડાહી હોવાથી હરફ પણ ઉચ્ચારતી નથી. આ તો પાળેલું કૂતરું એન્ડ મોમેન્ટ પર આવી ગયું ને હેપ્પી એન્ડ શક્ય બન્યો, પણ વિચારો કેટલી છોકરીને આવા સમજુ કૂતરા મળે? સારપનું સર્ટિફિકેટ મેળવવાનું બંધ કરીએ અને સ્વ સાથે સમજણ શરૂ કરીએ. 

અન્ય સમાચારો પણ છે...