તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમનો આકાર એટલે સૌથી ગમતું નામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 તમને કોઈ પૂછે કે પ્રેમનો આકાર કેવો હોય? તો પહેલો જવાબ આવે દિલ આકાર. સહેજ પોરો ખાઈને વિચારીએ તો એ આકારનું નામ એટલે આપણી ગમતીલી વ્યક્તિનું નામ આવે. માનવ જાતિના જન્મ સાથે એક  પ્રશ્નનો ઉદય થયો. પ્રેમ કોને કહેવાય? પ્રેમ કાયમ કુતૂહલપ્રેરક અને રસપ્રદ વિષય રહ્યાે છે. 

 પ્રેમ વિશાળ અર્થો સાચવીને બેઠેલો શબ્દ છે. એક વ્યક્તિ ગમવા પાછળ, એને પ્રેમ કરવા પાછળ ઘણાં કારણો હોય છે

એક કવિ લખે કે તારો મુજ હૃદય પર કાયમી વાસ છે, તું જ મારો શ્વાસ છે. આપણને પાકે પાયે ખબર છે કે વિજ્ઞાનના નિયમ પ્રમાણે શ્વાસ લેવા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે તે છતાં આપણે બધી ક્રેડિટ પ્રેમીને આપીએ છીએ. પ્રેમનું સ્વરૂપ આપણને અલગ-અલગ રીતે મળતું આવ્યું છે. જો પૃથ્વી પર નવલકથા ન હોત, કોઈ ભાષામાં કવિતા ન લખાઈ હોત, જો સિનેમા જગતમાં પ્રેમ માટે જાનની બાજી લગાડતાં દીવાના-દીવાનીઓ ન બતાવ્યાં હોત તો પ્રેમની અભિવ્યક્તિ અથવા પ્રેમનો અર્થ જુદો હોત? પ્રેમ સમય અને સંસ્કૃતિએ શીખવેલી કોઈ ઘટના છે કે સ્વયંભૂ ઉત્પન્ન થતી લાગણીનો એક આવિર્ભાવ છે તે પણ કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે.
 પ્રેમ વિશાળ અર્થો અને મોટા ગજાના અનર્થો સાચવીને બેઠેલ એક શબ્દ છે.

 

કોઈ એક વ્યક્તિ ગમવા પાછળ, એક જ વ્યક્તિને પ્રેમ કરવા પાછળ ઘણાં કારણો હોય છે. કદાચ સમય અને સાયુજ્ય સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે વ્યક્તિ આપણી અંદર તેની માટે થોડુંઘણું રહસ્ય ઊભું કરી શકે તેના પ્રેમમાં પડવાની શક્યતા  વધી જાય છે. કુતૂહલ અને રહસ્ય આપણા મગજમાં ડોપામાઇનનો સ્રાવ વધારે છે અને તે આકર્ષણ ઊભું કરે છે. બાળપણથી આપણા મનમાં અમુક છબિ અને તેનાં લક્ષણો અંકાઈ જતાં હોય છે અને જ્યારે એવી સમાન લક્ષણોવાળી વ્યક્તિ જોવા મળે ત્યારે મગજને જાણીતું લાગે છે, પોતાની નજીક લાગે છે, મનને સાહજિક રીતે તેના વિચારો કરવામાં ભય નથી લાગતો.


 પ્રેમ માત્ર સંવેદન નથી, પણ મગજની પ્રક્રિયાથી નીપજતી મનની જરૂરિયાત છે. આ ઇચ્છા કામેચ્છા કરતાં પણ બળકટ છે. પ્રેમનો અસ્વીકાર અને અવગણના જીવન-મરણ તરફ દોરી જાય. ભૂખ, તરસ જેવી સેક્સ ડ્રાઇવ મગજ અને શરીરનું એક સત્ય છે. એને પૂરી કરવા એક વ્યક્તિની પસંદગી એ પ્રેમની માનસિક પ્રક્રિયાનું બીજું ચરણ અને એ જ વ્યક્તિ સાથે લાંબા સમય સુધીનું જોડાણ એ પ્રેમનું ત્રીજું ચરણ છે, જેમાં માત્ર સંવેદના અને સેક્સ નહીં પણ સહજીવનની વાત છે. જેમાં રિપ્રોડક્શન અને રંગસૂત્રોની વાત છે.

 

વિચારશીલ અને સંવેદનશીલ હોવાને નાતે આપણે એક સાહજિક અને સીધીસાદી પ્રકૃતિગત ઘટનાને પ્રેમનું નામ આપ્યું છે. સમગ્રતાથી ચાહવું એટલે જેને પ્રેમ કરો છો એનો સંપૂર્ણ સ્વીકાર કરવો. સ્ત્રીના પ્રેમમાં સ્વીકાર સાહજિક હોય છે. સ્ત્રી-પુરુષની સરખામણી કરતાં સ્ત્રી સ્વીકારનું માપન કરીએ તો સ્ત્રીને વધુ માર્ક્સ આપવા પડે.

અન્ય સમાચારો પણ છે...